પાટનગરની બહાર વિકસતા ન્યૂ ગાંધીનગરમાં માળખાકીય સુવિધા સહિતના વિકાસ કામો માટે શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નવા વિકાસ નકશા તૈયાર કરાવવા સેટેલાઇટ મેપનો ઉપયોગ કરાયો છે. બાયસેગ દ્વારા તૈયાર કરાયેલા નવા ડેવલપમેન્ટ પ્લાનમાં ગુડા વિસ્તારની જમીનોની સેટેલાઇટ ઇમેજીસનો આધાર લેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમત્રીએ ડેવલપમેન્ટ પ્લાનના બહાર પાડવાની જાહેરાત કરી દીધા બાદ હવે ડેવલપર્સ તેની નોટીફિકશન પ્રસિદ્ધ થાય તેની રાહમાં છે.
 

ગુડા દ્વારા વર્ષ 2024 સુધીનો ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં આવ્યો છે. તેમાં 2001માં બનાવાયેલા ડેવલપમેન્ટ પ્લાનની સરખામણીએ ઘણી નવી બાબતો સમાવાઇ રહી છે. કેમ કે, આટલા વર્ષોમાં સ્થિતિ ઘણી બદલાઇ ગઇ છે. ત્યારના અને આજના જમીનોના ભાવમાં આસમાન જમીનનો ફેર છે. ત્યારે નવો ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં ખૂબ સાવધાની અને ચોકસાઇ રાખવાનું અનિવાર્ય હોવાથી નવો ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં બાયસેગની મદદ લેવામાં આવી છે.

ગાંધીનગરઃ  ગાંધીનગરનાં માર્ગો પર બેફામ ગતિએ દોડતા વાહનોનાં કારણે અકસ્માતો વધી રહ્યા છે. ત્યારે સોમવારે સાંજે ખ-3 સર્કલ પાસે સ્વીફ્ટ કાર તથા સીએનજી રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયા બાદ કાર ડીવાઇડર કુદીને સ્ટ્રીટ પોલમાં અથડાતા સ્ટ્રીટ પોલ ધરાશયી થઇ ગયો હતો. જયારે કાર અને રીક્ષાનો બુકડો બોલી ગયો હતો. ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતા. કારમાં મહિલા ફસાતા ફાયર બ્રિગેડની રેસ્કયુ ટીમની મદદ લેવાઇ હતી. જયારે વિજ કંપની દ્વારા આ લાઇનનાં સ્ટ્રીટ પોલને આપવામાં આવતો વિજપુરપઠો સાવધાનીનાં ભાગરૂપે બંધ કરતા માર્ગો પર અંધારપટ છવાઇ ગયો હતો. 

ગાંધીનગર તથા આસપાસનાં જિલ્લામાં સુઝલામ સુફલામ યોજના વિભાગ દ્વારા ખેડુતોને પાણી નહી અપાતા સંખ્યાબંધ ખેતરો કોરા પડી રહ્યા છે. ઘણા ખેતરોમાં પાક ઉભા મુરઝાઇ રહ્યા છે. સામાજીક કાર્યકર તથા એન્જીનીયર ગૌરવ પંડીતની આગેવાનીમાં સરકારમાં તથા સુઝલામ સુફલામ કચેરીમાં આ મુદ્દે અનેક વખત રજુઆતો છતા પાણી નહી છોડવામાં આવતા સોમવારે ગાંધીનગર એસટી ડેપોમાં ખેડુતો દ્વારા ‘સુઝલામ સુફલામ જુતા પોલીશ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

ખેડુતો માટે લડી રહેલા ગૌરવ પંડીતે આ કાર્યક્રમને લઇને જણાવ્યુ હતુ કે એન્જીન્યર તરીકે હું ખેડુતોને ન્યાન ન અપાવી શકતો હોય તો મારે જુતા પોલીશ કરવા જોઇએ તેવા ઉદેશ્ય સાથે ગાંધીનગર એસટી ડેપોમાં સોમવારે બપોરે 11 વાગ્યે ‘સુઝલામ સુફલામ જુતા પોલીશ’ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ સરકાર સામે નથી પણ સુઝલામ સુફલામ યોજનાનાં અધિકારીઓની અણઘડતા અને કામ ચોરી સામે છે. યોજના તંત્ર ધારે તો ખેડુતોની સમસ્યા હલ થઇ શકે છે.
ગાંધીનગરઃ શહેરના ઇન્ફોસિટી ટાવર 2માં બેંકના અધિકારી બનીને વાત કરીને વિદેશી નાગરિકોને લુંટતા ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો ગાંધીનગર આર આર સેલની ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. બુધવારે સવારે પોલીસે રેડ કરી 19 આરોપીઓને ઝડપી લીધા હતા. કોલ સેન્ટર છેલ્લા 3 મહિનાથી રહેણાંક મકાનમાં ધમધમી રહ્યુ હતુ અને તેનો માસ્ટર માઇન્ડ નિવૃત પીઆઇનો પુત્ર હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે. જ્યારે સેન્ટરમાં મેજીક જેકનો ઉપયોગ કરીને વિદેશીઓને છેતરવામાં આવતા હતા.

રાજ્યનુ પાટનગર હવે ક્રાઇમનુ પાટનગર બનવા તરફ પ્રગતિ કરી રહ્યુ છે. તેમાં ખાસ કરીને નવા ગાંધીનગરમાં આ પ્રકાની બદીઓનો વિકાસ છેલ્લા બે વર્ષથી સેન્સેક્સની માફક વધી રહ્યો છે. ત્યારે
ગાંધીનગરમાં પોશ ગણાતા ઇન્ફોસિટી ટાવર 2ના ત્રીજા માળે આવેલા 303 નંબરની ઓફિસમા ગાંધીનગર આર આર સેલની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. ઓફિસ ઓટોમોટીવ ફાયનાન્સ (ઓટો લોન)ના નામથી ચાલતી હતી. જેમાં 19 લોકો કામગીરી કરી રહ્યા હતા. ત્યારે દરોડો પાડતા અફરાતફરી મચી ગઇ હતી.
ગાંધીનગરઃ જિલ્લા ક્રાઇસિસ ગ્રૃપ અને ગુજરાત ગેસ કંપનીના સંયુક્ત ઉપક્રમે કલોલ તાલુકાના સઇજ ગામ નજીક આવેલા સીએનજી ગેસ સ્ટેશનમાં મોકડ્રીલનું આયોજન કરાયું હતું. મંગળવારે યોજાયેલી મોકડ્રીલમાં ગુજરાત ગેસ કંપનીની સઇજ ગામ નજીક આવેલા સીએનજી ગેસ સ્ટેશનમાં પ્રેસર રેગ્યુલેટર સ્કીટમાં હેવી ગેસ લીકેજ થવાના કારણે મોટી આગ લાગવાની ઘટના બની હતી. આગને ગુજરાત ગેસ કંપનીની ટીમ દ્વારા નિયંત્રણમાં લેવાના અથાગ પ્રયત્ન કરવામાં આવ્યાં હતાં. પરંતુ તેમાંથી આગ નિયંત્રણમાં આવી ન હતી. જેથી ઓફ સાઇટ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી.
 

ત્યારબાદ કલોલ નગરપાલિકા, ઓએનજીસી, ઇફ્કો, ગાંધીનગર ડિઝાસ્ટરના ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ગેસ લિકેજથી લાગેલ આગને નિયંત્રણમાં લીધી હતી. આ સમગ્ર મોકડ્રીલમાં ગુજરાત ગેસ દ્વારા પુરતો સહયોગ આપવામાં આવ્યો હતો. મોકડ્રીલ દરમ્યાન આગને કાબુમાં લાવવા માટે રહેલી ક્ષતિઓ અને અન્ય બાબતોનું બારીકાઇથી નિરીક્ષણ કર્યા બાદ ચર્ચા-વિર્મશ કરવામાં આવી હતી. મોકડ્રીલમાં કલોલ પ્રાંત અઘિકારી કે વી ભાલોડિયા, ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય, ગાંધીનગરના નાયબ નિયામક પી એમ મિસ્ત્રી, ગાંધીનગરના મામલતદાર જોષી, ચીફ ફાયર ઓફિસર મહેશ મોડ, કલોલ નગરપાલિકા અને ગુજરાત ગેસના જી એ હેડ  એફ પી પરમાર તથા  અલગ અલગ કારખાના સલામતિના નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યાં હતાં.
ગાંધીનગરઃ કાળઝાળ ગરમીના દોરમાં ખાનપાનનું ધ્યાન રાખવામાં ન આવે તો વ્યક્તિગત અને જાહેર આરોગ્ય જોખમમાં આવી જવાના સેંકડો અનુભવો સરકારી કાગળોમાં ચિતરાયેલા છે. ત્યારે મહાપાલિકાનું તંત્ર આખરે હરકતમાં આવ્યું છે અને ખાણી પીણીના સ્થળો પર તપાસ શરૂ કરવામાં આવી છે. ફૂડ બ્રાન્ચ દ્વારા વિવિધ સેક્ટરમાં ફરીને 7 સ્થળેથી આઇસ્ક્રીમ સહિત ખાદ્ય પદાર્થના નમુના મેળવીને પરિક્ષણ માટે સરકારી પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે.
 

જ્યારે 11 સ્થળે અખાદ્ય જણાતા કેરીનો અને શેરડીનો રસ, શરબત, ચાસણી, ચટણી, બરફ, લીંબુ વિગેરે 14 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાએ જણાવ્યા પ્રમાણે ફૂડ બ્રાન્ચ દ્વારા સેક્ટર સેક્ટર 7, સેક્ટર 11, 15થી 17, ઘ 5, સેક્ટર 22 અને સેક્ટર 24થી 26માં ખાણી પીણીના લારી ગલ્લા અને પાર્લર પર તપાસ કરવામાં આવી હતી આ દરમિયાન સેક્ટર 22માં પાણી પુરી, પકોડીની લારીઓ પરથી અખાદ્ય બટાકા, ચટણી અને પાણી, શેરડીનો કાળો પડી ગયેલો રસ, બરફ, શરબત મળી આવતાં તેનો નાશ કરાયો હતો.

આ અંગે કાર્યવાહીમાં  ઘ 2 સર્કલ પરના હેવમોર આઇસ્ક્રીમ પાર્લર પરથી આઇસ્ક્રીમનો નમુનો લેવા ઉપરાંત સેક્ટર 16માં રોનક જ્યુસ સેન્ટર પરથી કેરીનો રસ, સેક્ટર 15માં સાંઇ સકંજી સેન્ટર પરથી શરબત, સેક્ટર 13માં ખુશ્બુ ડિશ ગોળા પરથી ચોકલેટ શરબત, સેક્ટર 7માં ન્યુ દુર્ગા ડિસગોળા પરથી ઓરેન્જ ચાસણી, સેક્ટર 11માં શિવશક્તિ લેમન શરબત પરથી ઓરેન્જ ફ્લેવર બરફના ગોળા અને સેક્ટર 26માં યાદવ શેરડી પરથી શેરડીના રસના નમુના લઇને પરિક્ષણાર્થે સરકારી પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
ગાંધીનગર:પ્રજાને માથે કાયદાના ભંગના નામે દંડનીય કાર્યવાહી કરનું વહીવટીતંત્ર જ ક્યારેક કાયદાનું ઉલ્લંઘન કરતુ હોય છે.રાજ્યના પાટનગરમાં જ આ સ્થિતિ જોવા મળી રહી છે.ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ માટે તૈયાર થઇ રહેલ સાત માળની બહુમાળી ઇમારતો માટે અનિવાર્ય છતાં તંત્ર દ્વારા ફાયર સેફ્ટી સંદર્ભે  જરૂરી 
પ્રમાણપત્ર ન મેળવીને નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયું છે.
ગાંધીનગરના સે.7 અને સે.29માં માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે નિર્માણાધીન સાત માળની બહુમાળી ઇમારતોનું ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર મહાનગરપાલિકા તંત્ર પાસેથી મેળવવામાં આવ્યું નથી સાત માળ ની હાઇરાઇઝડ ઇમારતો માટેનો નકશો મનપા તંત્રમાં રજુ કરી ફાયર સેફ્ટીની સુવિધાઓ અંગનું પ્રમાણપત્ર મેળવવું અતિ જરૂરી હોય છે.તેમ છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા આવી ગંભીર બાબતમાં પણ બેદરકારી દાખવવામાં આવતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.સુત્રોમાંથી જાણવા મળેલ માહિતી મુજબ મનપા તંત્ર તરફથી આગામી દિવસોમાં માર્ગ અને મકાન વિભાગને નોટિસ પણ ફટકારવામાં આવનાર છે.
ગાંધીનગર:પાટનગરમાં ગરમીએ લોકોને પરસેવે રેબઝેબ કરી નાખ્યા હતાં. બુધવારે મોસમનો સૌથી ગરમ દિવસ નોંધાવા સાથે તાપમાનનો પારો 44 ડિગ્રી પર પહોંચી ગયો હતો. આશ્ચર્ય એ વાતનું છે કે આગળની રાત્રે લઘુતમ તાપમાન 18.5 નોંધાયું હતું મતલબ કે દિવસ અને રાતના તાપમાનનાં 25 ડિગ્રીથી મોટો તફાવત રહ્યો હતો. તાપમાન આ સ્થિતિ ઘરેઘરે માંદગીના ખાટલા લગાડવા માટે સાનુકુળ બની શકે તેમ છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા ગાંધીનગરને ગરમીની કક્ષામાં ઓરેન્જ એલર્ટમાં મુકવામાં આવ્યું છે.
ગત વર્ષ 2016માં 13મી મેના દિવસે 44 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. જ્યારે વર્ષ 2014માં 28મી મેના દિવસે 44 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. તાપમાનમાં ગ્લોબલ વોર્મિંગની ભયાનક અસર વર્તાવા લાગી હોય તેમ જણાય રહ્યું છે. ગત વર્ષે એપ્રિલ મહિનાની 29મી તારીખે દિવસના તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો હતો પરંતુ આ દિવસની આગલી રાત્રે 27 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
મતલબ કે ગંભીરતા દાખવવામાં ન આવે તો આવી ગરમી જાનલેવા સુધી સાબિત થઇ શકે છે. નોંધવું રહેશે કે ગત વર્ષે એપ્રિલ મહિનામાં ગરમીનો પારો વધુમાં વધુ 43 ડિગ્રી પર પહોંચ્યો હતો. ગાંધીનગર માટે આ વર્ષે ઉનાળો કાળઝાળ સાબિત થવાના પુરાવા માર્ચ મહિનાથી જ મળી ગયા હતાં અને ગત 27મીએ ગરમીનો પારો 43.2 ડિગ્રી પર આવી ગયો હતો જે છેલ્લા 5 વર્ષમાં નોંધાયુ ન હતું. એપ્રિલ મહિનામાં ગરમીનો પારો બુધવારે 44 ડિગ્રીએ પહોચ્યો તે પણ છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ બની ગયો છે. કેમ કે અગાઉના વર્ષોમાં મે મહિનામાં આવું તાપમાન નોંધાયેલુ છે.
નવ વિકસિત ગાંધીનગર માં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલી ઘરફોડ ચોરીઓ અટકાવવા પોલીસતંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કર્યો છે.જેમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા ઉપરાંત ખાનગી વેશમાં પોલીસ જવાનો બાઈક પાર સતત પેટ્રોલિંગ કરી તસ્કરો પર વોચ રાખશે.ગાંધીનગર નજીક સરગાસણ,કુડાસણ,કોબા,ઇન્ફોસિટી અને સે.7 પોલીસ સ્ટેશનની હકુમત હેઠળ ના રહેણાંકો તેમજ વાણિજ્ય વિસ્તારોમાં છેલ્લા કેતાક દિવસોથી ચોરીના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે.ચોરીના બનાવોને રોકવા માટે હવે પોલીસતંત્રએ કમર કસી એક ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે.
 
આ એક્શન પ્લાન મુજબ સે.7 અને ઇન્ફોસિટી પોલીસ સ્ટાફ ઉપરાંત એલસીબી અને એસઓજીના જવાનોને પણ જોતરીને જવાબદારી સોંપવામાં આવી છે.ન્યુ ગાંધીનગરના સરગાસણ,કુડાસણ,કોબા,ઇન્ફોસિટી જેવા વિસ્તારોની ચોરીના બનાવો માં હજી સુધી ડિટેક્શન થઇ શક્યું નથી.એવામાં સે.1 અને સે.7માં ઘરફોડ ચોરીના બનાવો બનતાં પોલીસ સજાગ થઇ ગઈ છે.જેમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા ઉપરાંત ખાનગી વેશમાં ખાનગી બાઈક્સ પર પોલીસ જવાનો નું પેટ્રોલિંગ સતત ચાલુ રહેશે,સાથે સ્થાનિક રહીશો,વેપારીઓને પણ શંકાસ્પદ શખ્સોની હિલચાલ જણાય તો પોલીસ ને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સમાજમિત્ર ચેરિટેબલ ટ્રસ્ટ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે

 

ર્ડા. બાબાસાહેબ આંબેડકરની ૧૨૬મી જન્મજયંતિ નિમિત્તે ’સાહિત્ય અને જીવન પર ર્ડા. આંબેડકર પ્રભાવ’ વિષયક સાહિત્ય

 

વિચાર ગોષ્ઠિનું આયોજન તા. ૧૩મી એપ્રિલ, ૨૦૧૭ ને ગુરૂવારના રોજ સવારના ૧૦.૦૦ કલાકે ર્ડા. આંબેડકર હોલ, સેકટર-

 

૧૨, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. આ વિચાર ગોષ્ઠિ ગુજરાત સાહિત્ય અકાદમીના અઘ્યક્ષ શ્રી ભાગ્યેશ જહાના વરદ

 

હસ્તે ખુલ્લી મુકવામાં આવશે. તેમજ સેવા સંસ્થા ’લક્ષ્ય’ ના અઘ્યક્ષ શ્રી એમ.બી.પરમાર અને જાણીતા સર્જક, ગુજરાત

 

સાહિત્ય અકાદમીના અઘ્યક્ષ શ્રી પ્રવિણ ગઢવી ખાસ ઉપસ્થિત રહેશે.

 

આ વિચારગોષ્ઠિના દ્રિતિય સત્રમાં ગુજરાત દલિત સાહિત્ય અકાદમીના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હરીશ મંગલમૂના

 

અઘ્યક્ષસ્થાને જાણીતા દલિત સાહિત્ય સમીક્ષક ર્ડા. નાથાલાલ ગોહિલ વકતવ્ય આપશે. દલિત કવિ શ્રી અરવિન્દ વેગડા

 

કાવ્યપઠન કરશે. આ સાથે ’સમાજ મિત્ર’ના વિશેષાંક ’મારા જીવનઅંઘકારમાં આંબેડકર પ્રભા’ અને ’ ગાંધીનગર દલિત

 

સાહિત્ય વિમર્શ મંચ’ ના ઉપક્રમે તૈયાર થયેલા ગ્રંથ ’ આંબેડકર વિચાર’ ના લોકાર્પણ થશે. તેવું સમાજ મિત્ર ના તંત્રી

 

શ્રીમતી રસિલાબેન પરમારે જણાવ્યું છે.