ગાંઘીનગર: મકાન ભથ્થા અને 7મા પગાર પંચના લાભ સહિતના મુદ્દે એસ.ટી કર્મચારી મંડળની રાજકોટ ખાતે મળેલી બેઠકમાં 16મી માર્ચથી એક સાથે માસ સીએલ પર ઉતરી જવાનો નિર્ણય લેવાયો હતો. તેના પગલે ગાંધીનગર એસ.ટી ડેપોના કર્મચારીઓ પણ આંદોલનમાં જોડાવા તત્પર બન્યાં છે.  જેથી  15મી માર્ચની મધરાતથી ગાંધીનગર ડેપોની એસ.ટી બસના પૈડા થંભી જશે. તેના કારણે જાહેર પરિવહન સેવા ખોઇ જવાની દહેશત વર્તાઇ રહી છે. 
 
બુધવારે ગાંધીનગર ડેપો ખાતે ત્રણેય યુનિયનના આગેવાનોની બેઠક મળી હતી. તેમાં  આવતી કાલ ગુરૂવારથી ડેપોમાં સૂત્રોચ્ચાર સાથે દેખાવાના કાર્યક્રમો ઘડી કાઢવામાં આવ્યા હતાં. આંદોલનમાં ડેપોના તમામ વિભાગના મળી કુલ 500 કર્મચારીઓ જોડાવાના છે.  એસ.ટી નિગમના કર્મચારીઓ દ્વારા પગાર વધારા સહિતની માગણીઓ સરકાર સમક્ષ વારંવાર કરવામાં આવી હોવા છતાં કોઇ નિર્ણય લેવામાં આવતો નથી. તેના કારણે નારાજ થયેલા કર્મચારી મંડળની સંકલન સમિતિની એક બેઠક તાજેતરમાં રાજકોટ ખાતે મળી હતી. તેમાં એસટી નિગમના અંદાજે 50 હજાર કર્મચારીઓને હજુ સુધી 3 વર્ષના મકાન ભથ્થાના તફાવતની રકમ તેમજ 7મા પગાર પંચનો લાભ આપવામાં આવ્યો નથી. તેમજ અનેક ડ્રાયવરોને કન્ડક્ટરની ફરજનો બાજ નાંખી દઇ ડબલ ડ્યૂટીની જવાબદારીઓ નાંખી શોષણ કરવામાં આવી રહ્યું છે.  બસમાં જીપીએસ સિસ્ટમ નંખાઇ હોવાથી ડ્રાયર-કન્ડક્ટરોને લાંબા રૂટની બસમાં વચ્ચે જમવા માટેનો સમય મળતો નથી. 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ગાંધીનગર આગમનને લઇને સમગ્ર સરકારી તંત્ર હાઇએલર્ટની સ્થિતીમાં આવી ગયુ છે. પીએમ સોમનાથ દર્શન બાદ બપોરે  મહાત્મા મંદિરે પહોચીને ‘સ્વચ્છ શક્તિ 2017’ કાર્યકર્મમાં દેશભરમાંથી આમંત્રીત 6 હજાર મહિલા–ને સંબોધન કરશે. પીએસનાં પાટનગરમાં આગમનને લઇને સમગ્ર શહેર પોલીસ છાવણીમાં તબદીલ થઇ ગયુ છે. ત્યારે નાગરીકોને પણ સામાન્ય હાલાકી વેઠવી પડશે. મંગળવાર સવારથી જ શહેરનાં માર્ગો તથા મહાત્મા મંદિરે કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
 

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહાત્મા મંદિરે યોજાનાર વડાપ્રધાનનાં આ કાર્યક્રમને લઇને ઘણા દિવસથી તૈયારી– ચાલી રહી હતી. વ્યવસ્થા માંડીને સુરક્ષાને લઇને સરકારી તંત્રની સતત દોડધામ ચાલી હતી. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હોમસ્ટેટ ગુજરાતમાં તેમની આ મુલાકાત તંત્ર માટે વધારે પરસેવો પાડનારી બની છે. કારણે કે તેમનાં દિલ્હી ગયા બાદ ગુજરાતમાં નિર્માણ થયેલા વિવિધ આંદોલનો તથા મોરચાની વિરોધ પ્રદર્શનની સ્થિતી સરકારી તંત્રનાં નાકે દમ લાવી રહી છે. ત્યારે વડાપ્રધાનનાં કાર્યક્રમમાં ધ્યાન આપવાની સાથે સાથે આ દિશામાં પણ બુધ્ધી અને બળથી કામ લેવાની જરૂરીયાત ઉભી થઇ છે.

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષમ બોર્ડ દ્વારા લેવાનાર ધો.10 અને 12 ની પરીક્ષા આગામી તા.15મી માર્ચથી શરુ થશે.જેમાં ગાંધીનગર જિલ્લામાં ધો.10 ના 23 હજારથી વધુ તથા ધો.12 ના 19હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીકશા આપશે.શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા આયોજનની તૈયારીઓ લગભગ પૂર્ણ થઇ છે.જયારે બોર્ડ બોર્ડ પરીક્ષાર્થીઓ પણ અંતિમ તૈયારીઓમાં વ્યસ્ત છે.

ગાંધીનગરમાં વિધાનસભા સત્ર વચ્ચે ગૃહની બહાર મિડીયાને માહિતી આપવા આવેલા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર જુતુ ફેકનાર ગોપાલ ઇટાલીયાની અટકાયત બાદ રેન્જ આઇજી સહિતનાં અધિકારીઓ દ્વારા તેમની પુછપરછ કરવામાં આવી હતી. જેમાં સેકટર 30 સ્થિત એસઓજી કચેરીએ સાંજે 8 વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો. જયારે બીજી તરફ બજેટ સત્રનાં પગલા પોલીસનાં કડક બંદોબસ્ત છતા ગોપાલ વિધાનસભા સુધી પહોચી જતા સલામતી વ્યવસ્થા પર પણ સવાલો ઉભા થયા છે.
 

રાજયની સુરક્ષાની જવાબદારી સંભાળતા ગૃહમંત્રી પર હુમલાની ઘટનાના કારણે સુરક્ષાની જવાબદારી સંભાળતી ગાંધીનગર પોલીસની આબરૂના તો લીરા ઉડ્યા જ છે. પરંતુ ઇન્ટેલીજન્ટ બ્યુરોની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે. સુત્રોનાં જણાવ્યાનુંસાર ડેપ્યુટી સીએમ સાથેની વાતચિત સોશીયલ મિડીયામાં વાઇરલ થયા બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગોપાલની ધરપકડ કરાઇ હતી અને જામીન પર મુક્ત કર્યો હતો. ત્યારબાદ ગોપાલ કોના ઇશારે કામ કરે છે ? કયાં જાય છે? કોને મળે છે ? જેવી વિગતો રાખવા માટે આઇબીનાં 3 માણસો તેની પાછળ લગાડવામાં આવ્યા હતા.
ગાંધીનગર ગુજરાતનાં સરકારી અને વેલ પ્લાન્ડ સીટી ગણાતા પાટનગર ગાંધીનગરમાં પણ કાચા અને પાકા દબાણોનો તોટો નથી. ત્યારે સેકટર 11નાં કોમર્શીયલ વિસ્તારમાં સરકારી જમીન પર હોટેલ હવેલી દ્વારા 4 પાકી દુકાનો તોડવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. સાથે સાથે પાલિકા તંત્ર શહેરનાં અન્ય વિસ્તારોમાં ઉભા થયેલા પાકા દબાણો દુર કરવા પણ સજ્જ થયુ છે.  સેકટર 11નાં બહુમાળી શોપીંગ વિસ્તારમાં મનપાની દબાણ ટીમ દ્વારા ગત દિવસોમાં ફુટપાથો પર જામેલા 30 જેટલા કાચા દબાણો દુર કર્યા બાદ હવેલી આર્કેડ પાસે ગેરકાયદે સરકારી જમીન પર બંધાઇ ગયેલી 4 પાકી દુકાનો સામે હવેલી આર્કેડ એશોશીએસન દ્વારા ફરીયાદ ઉઠાવવામાં આવી હતી.
 
 
મનપાએ તપાસ કરતા હોટેલ હવેલીનાં સંચાલકો દ્વારા જ ખુલ્લી જગ્યા જોઇને ટ્રાન્ફોર્મર રાખવા માટે ગેરકાયદે બાંધકામ કરી દેવામાં આવ્યુ હોવાનું સામે આવ્યુ હતુ. જેને લઇને દબાણ હટાવી લેવા માટે મનપા દ્વારા નોટીસો આપવામાં આવી હતી. પરંતુ નોટીસોનો કોઇ જવાબ ન આપતા કે દબાણ દુર ન કરવામાં આવતા કમિશનર દ્વારા દબાણ ટીમને આદેશ કરવામાં આવતા બુધવારે દુકાનો તોડવા મશીન તથા મજુરોને કામે લગાડી દેવામાં આવ્યા હતા. દબાણ અધિકારી મહેશભાઇ મોડે જણાવ્યુ હતુ કે દબાણ તોડવાનો ખર્ચ પણ સંચાલકો પાસેથી વસુલાશે.
શહેરના છેવાડે આવેલા સંસ્કૃતિકૃંજ ખાતે વસંતોત્સવમાં વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ કહ્યું હતું કે, છેલ્લા બે દાયકાથી ગાંધીનગરમાં વસંતોત્સવ ઉજવેછે. દેશભરના કલાકારો પોતાની ઉત્તમ કલાકૃતિઓ રજૂ કરે છે. પ્રજાજનોને દસ દિવસ સુધી રાજ્ય અને દેશની લોક સંસ્કૃતિ માણવાનો અનેરો અવસર છે. આ પ્રસંગે રમતગમત યુવા સાંસ્કૃતિક રાજ્ય મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી,મહિલા બાળ વિકાસ રાજયમંત્રી નિર્મલાબેન વાધવાણી, વિધાનસભાના ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
 

મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે, પ્રકૃતિના ખોળામાં બેસીને કલાકારોને માણવાનો આ અનેરો કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં 300થી વધુ કલાત્મક ચીજવસ્તુઓ અને હસ્તકલાની અદભૂત આકર્ષક સુશોભનની વસ્તુઓના સ્ટોલ છે, તેને ખરીદવા લોકો દુરથી આવે છે. ગુજરાતની લોકસંસ્કૃતિ વર્ણવવાનો આ અનેરો અવસર છે. વસંતોત્સવ-2017ના લોકનૃત્યમાં ભાવનગરના મૂકબધિર બાળકોએ કૃષ્ણ લીલાનો કાર્યક્રમ રજુ કર્યો હતો.

જ્યારે આસામના કલાકારોએ બીહુ નૃત્ય, લડાખનું ઝેબ્રો, મણીપુરનું પુંગ ઢોલ, રાજસ્થાનનું ભપંગ વાહન, મહારાષ્ટ્રનું લાવણી, ગોવાનું દખણી સહિત વિવિધ નૃત્યોએ આકર્ષણ જમાવ્યું હતું. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ ગાંધીનગરના કમિશનર એમ વાય દક્ષિણી, જિલ્લા કલેકટર સતીશ પટેલ અને સચિવ વી પી પટેલ સહિત મોટી સંખ્યામાં પ્રજાજનોએ વસંતોત્સવના કાર્યક્રમને માણ્યો હતો.
પાટનગર ગાંધીનગરમાં સંસ્કૃત્તિક કુંજમાં પ્રકૃત્તિના ખોળે ઋતુરાજ વસંતના મંગલ આગમનના વધામણા કરતો વિખ્યાત અને પારંપારિક વસંતોત્સવ આગામી તા. 27 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી યોજાશે. તેમાં છેલ્લા બે દિવસ અહીં તૂરી-બારોટ સમાજના કલાકારો તેની નેત્ર દિપક કલાના ઓજસ પાથરશે. રાજ્યની સાંસ્કૃત્તિક વિરાસત ઉપરાંત દેશના વિવિધ પ્રદેશોની સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓનો રૂપકડો છબીગાર બની રહતો વસંતોત્સવ પ્રકૃત્તિના બદલાવનો ઉત્સવ છે.
 
 
વસંત પંચમીના આરંભ સાથે વસંત વિધિવત પગરણ માંડે છે. જેના ઉમંગ-ઉત્સાહ અને ચેતનાનો ઉન્મેષ વસંતોત્સવના વિવિધ કાર્યક્રમોમાં થાય છે. જે સાચા અર્થમાં કલા રસિકો માટે નવલુ નજરાણું બની રહે છે. રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિ વિભાગના માર્ગદર્શન અને યુવક સેવા સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓના સંકલનથી યોજાતા કાર્યક્રમમાં રાજ્ય સંસ્કૃત્તિ કુંજ પ્રતિષ્ઠાન અને વેસ્ટર્ન કલ્ચરલ ઝોન, ઉદેપુરનો પણ સહયોગ હોય છે.
 
વસંતોત્સવ પ્રસંગે રાજ્યની વિવિધ હસ્તકલાઓ અને ક્રાફ્ટ્સના પ્રદર્શન કમ વેચાણ સ્ટોલ્સનું આકર્ષણ પણ અનેરૂ રહે છે. ગાંધીનગરમાં વસંતોત્સવનો પારંપારિક કાર્યક્રમ વર્ષ 1996થી પ્રતિવર્ષ યોજાય છે. જેમાં રાજ્યકક્ષાની પ્રાચીન અર્વાચીન ગરબા સ્પર્ધા અને રાસ સ્પર્ધામાં 1થી 3 ક્રમાંકે વિજેતા બનેલા વૃંદોના માહેર કલાકારો પણ તેમની કૃત્તિઓ રજૂ કરે છે. રાજ્યના આદિજાતિ વિસ્તારના કલાવૃંદો દ્વારા કહાડીયા-ડાંગી-તલવારી-મેવાસી-રાઠવા-જવારા જેવા પારંપારિક લોકનૃત્યો રોજે રોજ રજૂ કરાશે.
ગાંધીનગર મહાનગરપાલિકા કર રકમના બાકીદારોને તાળાબંધીના આકરા પગલાં લેવા પૂર્વે નોટિસ ફટકારવા સજ્જ થઇ ગયું છે.જેના ભાગરૂપે 50 હજારથી વધુ મોટા બાકીદારોનું હોટ લિસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે.સમગ્ર અભિયાન માટે કર વિભાગને કામે લગાડી સજ્જ રેહવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.
 મનપા દ્વારા પ્રથમ તબક્કે વસુલાતની કામગીરી બાદ ચૂકવણીમાં બેદરકાર રહેલ બાકીદારોના એકમોને અપીલ કરવા સુધીના પગલાં ભારવામમાં આવ્યા હતા.જેના પરિણામ રૂપે જંગી રકમની કર વસુલાત થઇ હતી.આગામી મહિને નાણાકીય વર્ષ પૂરું થવામાં છે ત્યારે કાયદેસરની આવક મેળવવાની અનિવાર્યતા હોઈ વસુલાતની કામગીરી ગંભીરતાથી લઇ બેદરકારોને નોટિસ મોકલવાનું યુદ્ધ ના ધોરણે શરુ કરાશે.
ગાંધીનગર મહાપાલિકાને કાર્યરત કરવામાં આવી તે પહેલા આ શહેરની વહીવટી પ્રક્રિયા વિવિધ તંત્ર વચ્ચે વહેચાયેલી હતી. પરિણામે ગાંધીનગરની મિલકતો સહિતની તમામ દસ્તાવેજી માહિતીનું ડિજીટાઇઝેશન થયું નથી. તેવી માહિતીને રક્ષિત કરવા માટે તેનું ડિજીટાઇઝેશનનો નિર્ણય લેવાયો છે.

મહાપાલિકાએ પણ રાજ્ય સરકાર તરફથી સેવવામાં આવતા ઇ ગવર્નન્સના આગ્રહ પ્રમાણે વધુને વધુ કોમ્પ્યુટરાઇઝેશન અને ઓનલાઇન સુવિધાઓ ઉભી કરવાની બાબત પર વિશેષ ભાર મુકવાનું શરૂ કર્યું છે. સ્થાયી સમિતની આગળની બેઠકમાં પણ ચેરમેન અને સભ્યોએ રેકર્ડનું ડિજીટાઇઝેશન કરવાનો મુદ્દો ચર્ચામાં લીધો હતો.  ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે બી બારૈયાના જણાવવા પ્રમાણે મહાપાલિકાએ કરવેરાની ઓનલાઇન ચૂકવણી સહિતની સુવિધાની શરૂઆત કરી છે.

દસ્તાવેજોનું ડિજીટાઇઝેશન કરવાનું અનિવાર્ય બની ગયું છે. વેબ પોર્ટલમાં મહાપાલિકા દ્વારા અનેકવિધ બાબતો સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાથી મિલકત સંબંધિ સહિતના દસ્તાવેજોનું ડિજીટલ સ્કેનિંગ કરવામાં આવશે. સાથો સાથ જ ઇ ગવર્નન્સ પ્રોજેક્ટ હેઠળ જ મહાપાલિકાની વિવિધ માહિતી ઓનલાઇન કરી દેવામાં આવશે.
માન્યતા વગર સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ)નો અભ્યાસક્રમ ચલાવવાનું કૌભાંડ આચરતી ગાંધીનગર જિલ્લામાંથી 7 સ્કૂલો ઝડપાઇ હતી. તે પૈકી 6 સ્કૂલના સંચાલકો દ્વારા આખરે દંડની રકમ ભરપાઇ કરવાની ફરજ પડી હતી. જેથી સરકારને દંડની આવક પેટે કુલ રૂ.2.85 લાખની આવક થવા પામી છે. જો કે કલોલની તમન્ના ઇન્ટર નેશનલ સ્કૂલના સંચાલકે દંડ ભરપાઇ કરવાનો ઇનકાર કરી અપિલમાં જવા તૈયારી દર્શાવી છે.

જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ 7 સ્કૂલોને શરૂઆતમાં કારણદર્શક નોટિસ ફટકારાયા બાદ 7મી જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન  મોટાભાગના સંચાલકો પુરતા આધાર પુરાવા વગર હાજર થયા હતાં. જેથી કડક તાકિદ કરાતાં અધુરા પુરાવા અને દસ્તાવેજો અઠવાડિયા સુધીમાં રજૂ કરી દેવાયા હતાં. તેના હિયરીંગમાં અનેક ગેરરીતિઓ જણાઇ આવી હતી. તેના આધારે 7 શાળાના સંચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. તે અંગેની નોટિસમાં 7 દિવસમાં દંડ ભરપાઇ કરી દેવા તાકિદ કરાઇ હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નટવરસિંહ રાઠોડે જણાવ્યુ હતું.