થોડા સમય પહેલાં હિઝાબ પહેરેલી પત્નીનો અડધો દેખાતો ચહેરાનો ફોટો શૅર કરવા બદલ તેના પર ટીકાઓનો વરસાદ થયો હતો ટીમ ઇન્ડિયામાંથી લાંબા સમયથી બહાર ઇરફાન પઠાણ ગઈ કાલે ફરી સોશ્યલ મીડિયામાં છવાઈ ગયો હતો. ઇરફાને સોમવારે ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર રાખડી બાંધેલા હાથ સાથેનો સેલ્ફી પોસ્ટ કરીને બધાને રક્ષાબંધનની શુભકામના આપી હતી. ઇરફાનની આ પોસ્ટ બાદ સોશ્યલ મીડિયામાં તેના ફૉલોઅર્સ વચ્ચે રીતસરનું ઘમસાણ મચી ગયું ગયું હતું. કેટલાક ચાહકોએ તેનાં વખાણ કર્યા હતાં તો કેટલાકે તેના આ કૃત્યને ઇસ્લામ ધર્મ વિરુદ્ધનું ગણાવ્યું હતું. એક ચાહકે લખ્યું હતું કે એટલું પણ ખબર નથી કે રાખડી બાંધવી એ ઇસ્લામ ધર્મમાં હરામ છે. બીજા એ લખ્યું હતું કે તારા પિતા મૌલવી છે એમ છતાં તું આવું કૃત્ય કરે છે. એક જણે ત્યાં સુધી લખી નાખ્યું હતું કે ઇરફાન જેવા મુસ્લિમને જોઈને મને મુસલમાન હોવાનો અફસોસ થાય છે.
થોડા સમય પહેલાં ટ્વિટર પર પત્ની સફા બેગનો ફોટો શૅર કરવા જતાં પણ ટીકાઓનો ભોગ બન્યો હતો અને અમુક લોકોએ એ ફોટોને ગેરઇસ્લામિક ગણાવ્યો હતો, કારણ કે એમાં તેની પત્નીનો અડધો ચહેરો દેખાતો હતો અને નખ પર નેઇલ-પૉલિશ પણ લગાવી હતી.

શ્રીલંકા સરકારે ૨૦૧૧ના વર્લ્ડ કપની ફાઇનલ મૅચમાં ફિક્સિંગની તપાસનો આદેશ આપ્યો છે.કેટલાક મહિના પહેલા શ્રીલંકાને ૧૯૯૬માં વર્લ્ડ ચૅમ્પિયન બનાવનાર કૅપ્ટન અર્જુન રણતુંગાએ આરોપ લગાવ્યો હતો કે ૨૦૧૧માં રમાયેલા વર્લ્ડ કપમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ફાઇનલ મૅચ ફિક્સ હતી. ફાઇનલ દરમ્યાન મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કૉમેન્ટેટર તરીકે હાજર રહેલા રણતુંગાએ કહ્યું હતું કે એ દિવસે શ્રીલંકાની ટીમના પ્રદર્શન પર સવાલ ઊઠે છે. એની તપાસ થવી જોઈએ. શ્રીલંકાના સ્પોર્ટ્સ મિનિસ્ટર દયાસિરિ જયાસેકરાએ કહ્યું હતું કે અમારી પાસે લેખિત ફરિયાદ આવવા દો. હું તપાસનો આદેશ આપવા તૈયાર છું. આ સ્ટેટમેન્ટના થોડાક કલાક બાદ જ મૅચ-ફિક્સિંગના આરોપના તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

ભારતીય ટીમનો નવો કોચ બન્યો રવિ શાસ્ત્રી, વીરેન્દર સેહવાગ હતો સ્પર્ધામાં પણ કૅપ્ટન કોહલીનો આગ્રહ જીત્યો,ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે રવિ શાસ્ત્રીને ભારતીય ક્રિકેટ ટીમનો નવો કોચ બનાવવામાં આવ્યો હોવાની ઘોષણા કરી હતી. ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનની બે વર્ષ માટે બોલિંગ-કોચ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ક્રિકેટ બોર્ડના કાર્યકારી અધ્યક્ષ સી. કે. ખન્નાએ ગઈ કાલે કહ્યું હતું કે ક્રિકેટ સલાહકાર સમિતિની ભલામણના આધારે અમે શાસ્ત્રીને ટીમના કોચ અને ઝહીર ખાનની બે વર્ષ માટે બોલિંગ-કોચ તરીકે નિમણૂક કરીએ છીએ. 


પંચાવન વર્ષનો શાસ્ત્રી ભારતીય ટીમ સાથે ત્રીજી વખત જોડાયો છે. ૨૦૦૭ના બંગલા દેશના પ્રવાસ દરમ્યાન તે ક્રિકેટ મૅનેજર હતો તો ૨૦૧૪થી ૨૦૧૬ દરમ્યાન  ટીમ ડિરેક્ટર હતો જ્યારે ભારતીય ટીમ શ્રીલંકામાં ટેસ્ટ-સિરીઝ જીતવા ઉપરાંત ૨૦૧૫ના વર્લ્ડ કપ અને ૨૦૧૬ના વ્૨૦ વર્લ્ડ કપમાં સેમી ફાઇનલ સુધી પહોંચી હતી. કોચ માટે શાસ્ત્રી અને વીરેન્દર સેહવાગ વચ્ચે સ્પર્ધા હતી, પરંતુ કૅપ્ટન વિરાટ કોહલીના આગ્રહને કારણે પલડું શાસ્ત્રી તરફ ઝૂક્યું હતું. 

દરમ્યાન ભારતીય ક્રિકેટ ટીમનો આગામી કોચ કોણ બનશે એને લઈને ચાલી રહેલી વિવિધ અટકળો વચ્ચે નાટકીય ઘટનાક્રમમાં ભારતીય ક્રિકેટ બોર્ડે આખા દિવસ દરમ્યાન રવિ શાસ્ત્રીને કોચ બનાવાયો હોવાના સમાચારોને ન તો નકારી કાઢ્યા હતા ન તો એને સમર્થન આપ્યું હતું. સુપ્રીમ ર્કોટ દ્વારા ક્રિકેટ બોર્ડના કામકાજ પર દેખરેખ રાખવા માટે બનાવવામાં આવેલી વહીવટદારોની સમિતિએ ગઈ કાલે ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટ સલાહકાર સમિતિને કોચના નામને જાહેર કરવા જણાવ્યું હતું. ક્રિકેટ બોર્ડના કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરીએ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે કોચને મામલે હજી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. સલાહકાર સમિતિ હજી ચર્ચા ખરી રહી છે. કેટલાક સમય બાદ નિર્ણય આવશે, પરંતુ એ પહેલાં એવા સમાચારો આવ્યા હતા કે સલાહકાર સમિતિ અને ક્રિકેટ બોર્ડે કૅપ્ટન વિરાટ કોહલી સાથે વાતચીત કર્યા બાદ શાસ્ત્રીના નામને નક્કી કરી લીધું છે. 

કોચ રમાકાન્ત આચરેકરને યુવા સચિન તેન્ડુલકરની કરીઅરને ચમકાવવા માટે આપેલા યોગદાન બદલ યાદ કરવામાં આવે છે.સ્ટુડન્ટમાંથી કોચ બનેલા બલવિન્દર સિંહ સંધુ, ચંદ્રકાન્ત પંડિત, પ્રવીણ આમરે અને સમીર દિઘે તથા તેના સાથીખેલાડી પાંડુરંગ સાલગાવકરના મતે આચરેકર એના કરતાં પણ વિશેષ છે. ગઈ કાલે રવીન્દ્ર નાટ્ય મંદિરમાં ભૂતપૂર્વ રણજી ટ્રોફી ખેલાડી અને આચરેકરના દત્તક પુત્ર નરેશ ચૌરી દ્વારા ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે આયોજિત કાર્યક્રમમાં તમામ ખેલાડીઓએ તેમના કોચના યોગદાનને યાદ કર્યું હતું. 


ભૂતપૂર્વ વિકેટકીપર ચંદ્રકાન્ત પંડિતે કહ્યું હતું કે ‘મને યાદ છે કે એક દિવસ સર રાતે ૧૨.૩૦ વાગ્યે મારા ઘરે આવ્યા હતા અને મારા પપ્પાને કહ્યું કે શા માટે તમે દીકરાને ક્રિકેટ રમવા નથી મોકલતા? તો મારા પપ્પાએ મારા શિક્ષણ અને ભવિષ્યની નોકરીની વાત કરી ત્યારે સરે તરત ૧૦૦૦ રૂપિયા મારા પપ્પાને આપતાં કહ્યું હતું કે જ્યાં સુધી તમારા દીકરાને પગાર નહીં મળે ત્યાં સુધી આ તેનો પગાર છે.’ 

ભૂતપૂર્વ બૅટ્સમૅન પ્રવીણ આમરેના મતે આચરેકર યોગ્ય નિર્ણય લેવામાં પણ મદદ કરતા હતા. તેણે કહ્યું હતું કે ‘મને જ્યારે રેલવે દ્વારા ઑફર મળી ત્યારે હું મુંબઈ તરફથી રણજી ટ્રોફી રમતો હતો. સરે મને કહ્યું કે જો ભારત તરફથી રમવું હોય તો મુંબઈ છોડી દે. ત્યારે હું ૧૮ વર્ષનો હતો. જોકે તેમનો નિર્ણય સાચો ઠર્યો.’

૧૯૮૩ના વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝના ઓપનર ગૉર્ડન ગ્રિનિજને આઉટ કરનાર ભૂતપૂર્વ ફાસ્ટ બોલર સંધુએ કહ્યું હતું કે ‘એક વખત સમર કૅમ્પ દરમ્યાન મને બોલિંગ કરતા જોઈને તેમણે કહ્યું હતું કે તું સ્વિંગ સારી રીતે કરે છે. એને વિકસાવવાનો પ્રયાસ કર. ત્યાર બાદ હું મારી રમત પ્રત્યે ગંભીર બન્યો હતો. હું ઑફ સ્પિન અને ફાસ્ટ એમ બન્ને પ્રકારની બોલિંગ કરતો હતો.’

ભારતીય ટીમના કોચપદેથી અનિલ કુંબલેના રાજીનામા બાદ નવો કોચ કોણ? એ વિશે ચાલતી અટકળો વચ્ચે ટીમના ભૂતપૂર્વ ડિરેક્ટર રવિ શાસ્ત્રીએ કોચ બનવા માટે અરજી કરવાનો નિર્ણય લીધો છે. ક્રિકેટ બોર્ડનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે શાસ્ત્રી કોચ બનવા માટે અરજી કરશે. આ પહેલાં શાસ્ત્રીએ એવી સ્પષ્ટતા કરી હતી કે જો તેને એવી ખાતરી આપવામાં આવે કે કોચની જવાબદારી તેને જ સોંપવામાં આવે તો જ તે અરજી કરશે. વળી તેણે ૨૦૧૯ના વર્લ્ડ કપ સુધીનો કૉન્ટ્રૅક્ટ આપવામાં આવે એવી પણ ખાતરી માગી હતી.

શાસ્ત્રીએ અરજી કરતાં વીરેન્દર સેહવાગ, ટૉમ મૂડી, રિચર્ડ પાયબસ, લાલચંદ રાજપૂત અને ડોડા ગણેશ માટે માર્ગ સરળ નહીં હોય. વળી કોચની પસંદગી માટે ક્રિકેટ સલાહકાર સમિતિ પણ વધુ સમય લે એવી શક્યતાને નકારી શકાય નહીં. નવા કોચના નામની ઘોષણા શ્રીલંકા સિરીઝ પહેલાં કરવામાં આવશે. રવિ શાસ્ત્રી કોચ બને એવું કોહલી પણ ઇચ્છે છે. તેણે ક્રિકેટ સલાહકાર સમિતિને પણ રવિ શાસ્ત્રીના નામ પર વિચાર કરવા અગાઉ જણાવ્યું હતું. 

યુવા ઓપનર રાહુલ ત્રિપાઠીએ બાવન બૉલમાં ૭ સિક્સર અને ૯ ચોગ્ગાની મદદથી ફટકારેલા ૯૩ રનના પરિણામે ગઈ કાલે ઈડન ગાર્ડન્સમાં રમાયેલી મૅચમાં પુણેએ કલકત્તાને ૪ વિકેટથી હરાવ્યું હતું. આ જીતને કારણે પુણે ૧૧ મૅચમાં ૭ જીત સાથે ૧૪ પૉઇન્ટ મેળવી પ્લેઑફની વધુ નજીક પહોંચ્યું હતું.પુણેએ ગઈ કાલે અસરકારક બોલિંગને કારણે કલકત્તાને ૮ વિકેટે ૧૫૫ સુધી સીમિત રાખ્યું હતું. કલકત્તાએ ઘરઆંગણે જ તેમની આ સીઝનની સૌથી ખરાબ શરૂઆત કરતાં પહેલી ૧૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને માત્ર પંચાવન રન જ કર્યા હતા.

આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક કમિટીમાં પહેલી ભારતીય મહિલા સભ્ય નીતા અંબાણીને આ વૈશ્વિક સંચાલન સંસ્થાના બે મહત્વપૂર્ણ કમિશનના મેમ્બર બનાવવામાં આવ્યાં છે જેમાં પ્રતિષ્ઠિત ઑલિમ્પિક ચૅનલનો સમાવેશ થાય છે.આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક કમિટીએ પોતાના ૨૬ કમિશનના સભ્યોની ઘોષણા કરી છે. ૫૩ વર્ષનાં નીતા અંબાણીને ઑલિમ્પિક ચૅનલ ઉપરાંત ઑલિમ્પિક શિક્ષા કમિશનનાં પણ સભ્ય બનાવવામાં આવ્યાં છે. ઑલિમ્પિક ચૅનલ કમિશનના ૧૬ સભ્યોમાં નીતા અંબાણી પણ સામેલ છે જેના અધ્યક્ષ અમેરિકા ઑલિમ્પિક કમિટિના ચૅરમૅન લૉરેન્સ ફ્રાન્સિસ પ્રોબ્સ્ટ છે.

Archived News

.