દેશભરમાં કાળઝાળ ગરમી છતાં રેફ્રિજરેટર્સ અને એર-કન્ડિશનર્સ (AC)નું વેચાણ પ્રમાણમાં ઠંડું છે. જુલાઈથી GSTનો અમલ થવાનો છે ત્યારે ડીલર્સ નુકસાનની આશંકાને લીધે સ્ટોક કરવા તૈયાર નથી. મે મહિનામાં વ્હાઇટ ગૂડ્ઝ ઉદ્યોગની વૃદ્ધિ 20 ટકાના રેકોર્ડ નીચા સ્તરે પહોંચી છે. જૂનમાં સ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા છે.

મે મહિનાના બીજા પખવાડિયામાં રેફ્રિજરેટર્સ, ટીવી અને ACના વેચાણમાં 40 ટકા ઘટાડો નોંધાયો છે. તેને લીધે પેનાસોનિક, વોલ્ટાસ, હિટાચી, ફિલિપ્સ, કેરિયર, બ્લૂ સ્ટાર, સેમસંગ સહિતની બ્રાન્ડ્સે તેમના રિટેલ પાર્ટરનર્સને એડ્વાઇઝરી સર્ક્યુલર જારી કરવાની ફરજ પડી છે.

વ્હાઇટ ગૂડ્ઝ કંપનીઓએ રિટેલર્સને છેલ્લા બે-ચાર મહિનામાં ખરીદેલા માલ પર 'સ્ટોક-ઇન-ટ્રાન્ઝિટ'માં થનારા નુકસાનને સરભર કરવાની ખાતરી આપી છે. વિડિયોકોનના ચીફ ઓપરેટિંગ ઓફિસર સી એમ સિંઘે જણાવ્યું હતું કે, વેપારનું સેન્ટિમેન્ટ બહુ ખરાબ છે. મેના બીજા અર્ધવાર્ષિક ગાળાથી વેચાણ ઘટવાની શરૂઆત થઈ છે અને વેચાણ સંપૂર્ણ ઠપ થઈ ગયું હોવાથી જૂનમાં સ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા છે. ઉદ્યોગ પણ વેચાણના પ્રમાણમાં ઉત્પાદન ઘટાડી રહ્યું છે.

પેનાસોનિક ઇન્ડિયાના સીઇઓ મનીષ શર્માએ જણાવ્યું હતું કે, GST કાઉન્સિલની તાજેતરની બેઠક પછી રિટેલ અને સ્ટોકિંગ ઉદ્યોગમાં ટ્રાન્ઝિશન ઇન્વેન્ટરી અંગે થોડી અનિશ્ચિતતા હતી. એટલે વેપારીઓએ ખરીદી નિયંત્રિત કરી હતી. કેટલીક બ્રાન્ડ્સે એક્સાઇઝ માટે અલગ ઇન્વોઇસ આપવાનું શરૂ કર્યું છે અને અમે તફાવતની રકમ સરભર કરવાની ખાતરી આપી છે, જેથી વેપાર ચાલુ રહે.

સ્વતંત્રતા પછીનો સૌથી મોટો ટેક્સ સુધારો ગણાતો GST કેન્દ્ર અને રાજ્યોના ઘણા ટેક્સનું સ્થાન લેશે અને તેને લીધે સમગ્ર દેશ એક જ બજારમાં પરિવર્તિત થશે. મેન્યુફેક્ચરર્સે રિટેલર્સને હાલના સ્ટોક અને ખાસ કરીને જૂની ઇન્વેન્ટરીનું વેચાણ કરવા જણાવ્યું છે.

જેથી રિટેલર્સ પાસે આ પ્રકારના 'ટ્રાન્ઝિશન' સ્ટોકનો ભરાવો ન થાય. મોટા ભાગની કંપનીઓએ ગયા સપ્તાહથી એક્સાઇઝનું અલગ બિલ બનાવવાનું શરૂ કર્યું છે. તેને લીધે ડીલર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સને એક્સાઇઝની રકમનું સંપૂર્ણ વળતર મળે. કંપનીઓએ એડ્વાઇઝરીમાં આ પ્રકારની ઇન્વેન્ટરી પર કોઈ વળતર નહીં આપવાનું જણાવ્યું છે.

GSTના પ્રસ્તાવિત નિયમો પ્રમાણે VAT ક્રેડિટની સંપૂર્ણ રકમ મળશે. જોકે, આયાત કરવામાં આવતા અથવા એક્સાઇઝનું અલગ ઇન્વોઇસ ન બની શકે એવા સ્ટોકમાં મુશ્કેલી નડશે અને એક્સાઇઝના હિસ્સા પર માત્ર 40 ટકા ક્રેડિટનો દાવો કરી શકાશે.

કંપનીઓએ ટ્રેડ પાર્ટનર્સને જણાવ્યું આવા સ્ટોકની તફાવતની રકમ પર વળતર આપવાની ખાતરી આપી છે. ઉદ્યોગ આવા સ્ટોક પર 75 ટકા ક્રેડિટની માંગણી કરી રહ્યો છે, જેથી ટ્રાન્ઝિશન સ્ટોક પર નુકસાનનું પ્રમાણ ઘટાડી શકાય. GSTની 3 જૂનની બેઠકમાં ઉદ્યોગવર્તુળોને ક્રેડિટના મુદ્દે સાનુકૂળ નિર્ણયની આશા છે.

શુક્રવારે બપોરે મેટલ અને ઓટોમોબાઈલ શેરોમાં એકધારી લેવાલીએ સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ટોચ રચી હતી. ડોલર સામે રૂપિયાની મજબૂતીએ બજારને વધુ ટેકો પૂરો પાડ્યો હતો.

BSE સેન્સેક્સે શુક્રવારે ઈન્ટ્રા ડેમાં સૌપ્રથમવાર 258.21 પોઈન્ટના ઉછાળા સાથે 31,000ની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવી હતી. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઈન્ટ્રા ડેમાં 74.35 પોઈન્ટ અથવા 0.78 ટકા વધીને 9,584.10 પોઈન્ટની ટોચે પહોંચ્યો હતો.

આજે બપોરે મેટલ, ઓટો, કેપિટલ ગૂડ્ઝ, પાવર શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી. શુક્રવારે બપોરે તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.56 ટકા અને 1.46 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

અમદાવાદ:ડિજિટલ ઇન્ડિયામાં યોગદાન આપવા તથા રાજ્યના નાના અને મધ્યમ કદના ઉદ્યોગો (એમએસએમઇ)ને સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવાના હેતુથી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઇ) એક ખાસ એમએસએમઇ મોબાઇલ એપ લોન્ચ કરવા જઈ રહી છે. ચેમ્બરની આ એપમાં એમએસએમઇ ઉદ્યોગકારો વિવિધ યોજના વિશે પોતાના પ્રશ્નો પણ મોકલી શકશે.

જીસીસીઆઇના સિનિયર ઉપપ્રમુખ શૈલેષ પટવારીએ જણાવ્યું હતું કે, અમે રાજ્ય સરકારની એમએસએમઇને લગતી વિવિધ નીતિઓનો આ એપમાં સમાવેશ કર્યો છે. માત્ર એક ક્લિકથી એમએસએમઇ ઉદ્યોગકારોને તેમને જરૂરી માહિતી મળી શકશે. ડિજિટલ એજમાં ચેમ્બર પણ બદલાવ લાવી રહી છે અને તેના ભાગરૂપે અમે ચેમ્બરના તમામ કાર્યક્રમોનું લાઇવ સ્ટ્રિમિંગ પણ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેથી અમારા સભ્યો ગમે ત્યાંથી ચેમ્બરમાં થતા સેમિનારો સહિતના કાર્યક્રમો જોઈ શકે.

ચેમ્બરના કારોબારી સભ્ય અને એમએસએમઇ કમિટીના કો-ઓર્ડિનેટર મીનાબેન કાવ્યાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ઇન્ડસ્ટ્રિયલ પોલિસી હેઠળ ઉદ્યોગો માટે અનેક નીતિ જાહેર કરી છે પરંતુ અમારા ધ્યાનમાં આવ્યું છે કે તે નીતિઓ અને પ્રોત્સાહનો અંગે એમએસએમઇ ઉદ્યોગકારોમાં ઓછી જાગૃતિ હોય છે.

અમે 'ગુજરાત પોલિસી' મોબાઇલ એપ દ્વારા લોકોને સરળ રીતે એક ક્લિકમાં તમામ માહિતી મળે તે સુનિશ્ચિત કરીશું. ગ્રામ્ય વિસ્તારના ઉદ્યોગકારો 2G ઇન્ટરનેટ કનેક્શન સાથે પણ આ એપનો ઉપયોગ કરી શકશે. ઓફલાઇન પણ માહિતી મળી શકે તે પ્રકારે એપ ડેવલપ કરવામાં આવી છે.

ચેમ્બરે આ એપમાં ક્વેરી અને ફીડબેકનો વિભાગ પણ રાખ્યો છે. કોઈ પણ ઉદ્યોગકાર કોઈ પણ નીતિ અંગે કોઈ પ્રશ્ન મોકલે તો ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ અને ચેમ્બરને તે પ્રશ્ન મળશે અને તેનો ઉત્તર આપવામાં આવશે. ચેમ્બર 20 એપ્રિલે એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર આ એપ લોન્ચ કરશે અને ટૂંક સમયમાં એપલ તથા વિન્ડોઝ પ્લેટફોર્મ પર પણ લોન્ચ કરવામાં આવશે. 

નવી દિલ્હી:ટેલિકોમ ઉદ્યોગની નિયમનકાર ટ્રાઇ દેશમાં કોલ ડ્રોપની સ્થિતિમાં સુધારો કરવા માટે સર્વિસ ક્વોલિટીનાં ધારાધોરણોમાં ફેરફાર કરશે. વોઇસ અને ડેટા સર્વિસિસ માટે ઉપયોગમાં લેવામાં આવતી ટેક્‌નોલોજીને બારીકાઈથી તપાસશે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)ના ચેરમેન આર એસ શર્માએ ગુરુવારે જણાવ્યું હતું કે, અમે સર્વિસ ક્વોલિટીના નિયમોની સમીક્ષા કરી રહ્યા છીએ. બે ટકા ગ્લોબલ કોલ ડ્રોપ રેટ યોગ્ય છે કે પછી અમારે વધારે કસ્ટમર-ફ્રેન્ડ્લી થવાની જરૂર છે.

Volte જેવી નવી ટેક્‌નોલોજી આવી છે, તેમના માટેનાં ધારાધોરણો અલગ છે આથી અમારે નિયમોમાં ફેરફાર કરીને અત્યાધુનિક બનવું પડશે. ફેરફાર કરેલા નિયમોને એકાદ બે સપ્તાહમાં ટેરિફ ઓર્ડર તરીકે ઇશ્યૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

ભારતમાં કોલ ડ્રોપમાં સુધારો કરવાના ત્રણ વિકલ્પોમાંથી એક વિકલ્પ સર્વિસ નિયમોની ક્વોલિટીમાં ફેરફારનો છે. TRAIએ સરકારને ગ્રાહકો માટેના કાયદામાં ફેરફાર કરવાની ભલામણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે કોલ ડ્રોપ માટે જે કંપનીઓને TRAI દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો, તેને સુપ્રીમ કોર્ટે પાછો ખેંચી લીધો હતો.

TRAIએ ચાલુ વર્ષના પ્રારંભમાં ટેલિકોમ ઉદ્યોગના હિતધારકો સાથે બંધ બારણે યોજેલી બેઠક બાદ ઉદ્યોગની વૃદ્ધિને અસર કરતા કેટલાક મુદ્દા અલગ તારવ્યા હતા, જેમાં ગ્રાહકોનું રક્ષણ, સર્વિસ ક્વોલિટી, તમામ કંપનીને સમાન તક અને નાણાકીય તંદુરસ્તીનો સમાવેશ થાય છે. 

રિલાયન્સ જીઓની એન્ટ્રી સાથે ટેલિકોમ સેક્ટરમાં હલચલ વધી ગઈ છે. જીઓની સ્પર્ધાને પહોંચી વળવા અગ્રણી કંપનીઓને પણ હાથ મિલાવવાની ફરજ પડી છે. છેલ્લા કેટલાક સમયથી જેનો ગણગણાટ સંભળાતો હતો એ દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન અને ત્રીજા નંબરની કંપની આઇડિયા વચ્ચે આખરે મર્જરની જાહેરાત થઈ છે. બંને કંપનીના મર્જરના પગલે રૂ.1,55,000 કરોડની ટેલિકોમ જાયન્ટ અસ્તિત્વમાં આવશે.

નવી કંપની એરટેલને પછાડી ગ્રાહકોની રીતે ભારતની સૌથી મોટી અને વિશ્વની બીજા નંબરની કંપની બનશે. તેના ગ્રાહકોની સંખ્યા 40 કરોડ થશે. જ્યારે ગ્રાહકોની રીતે બજારહિસ્સો 35 ટકા અને આવકની રીતે હિસ્સો 41 ટકા રહેશે.

આ સાથે માર્કેટ લીડર ભારતી એરટેલ 15 વર્ષના એકચક્રી શાસન પછી બીજા ક્રમે સરકશે. મર્જર પછીની સંયુક્ત કંપની જીઓને વધુ સારી સ્પર્ધા પૂરી પાડશે. સોદો 2018માં પૂરો થવાનો અંદાજ છે.

રિલાયન્સ જીઓની આક્રમક ઓફરથી એરટેલ, વોડાફોન અને આઇડિયાની આવકમાં ગાબડાની શક્યતા છે. વિશ્લેષકો અને નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જીઓની મહિને રૂ.303ની 'પ્રાઇમ' ઓફરને કારણે અગ્રણી કંપનીઓની આવકમાં 16-17 ટકા ઘટાડો થવાની શક્યતા છે.

વિશ્લેષકોના મતે કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલ્સ અને 4G સ્પીડ સાથે 28 જીબી ડેટાની જીઓની ઓફર બજારમાં સૌથી સારી છે અને અગ્રણી કંપનીઓએ સ્પર્ધાને પહોંચી વળવા સમકક્ષ ઓફર લાવવી પડશે. બ્રોકરેજ કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીએ ચેતવણી આપી છે કે, ટેલિકોમ કંપનીઓ જીઓ સામે પ્રીમિયમ પ્રાઇસિંગ લઈ શકવાના ભ્રમમાં રહેશે તો તેમણે તેનું નુકસાન વેઠવું પડશે.

કોટકના અંદાજ પ્રમાણે જીઓની મહિને રૂ.303ની ઓફર ગ્રાહકોમાં આકર્ષણ જમાવશે તો 2017-18માં જીઓની એન્ટ્રીને કારણે ટેલિકોમ ઉદ્યોગની આવકમાં લગભગ 16-17 ટકા ઘટાડો થશે. જોકે, અહીં એ નોંધવું જરૂરી છે કે, રૂ.200થી ઓછા ભાવના સેગમેન્ટમાં ARPUમાં મોટો ફેરફાર નહીં થાય તો આવકનો ઘટાડો 8-10 ટકા પૂરતો મર્યાદિત રહી શકે.

રિલાયન્સ જીઓએ લોન્ચિંગ પછી માત્ર 170 દિવસમાં 10 કરોડ ગ્રાહકોનો આંક વટાવી દીધો છે. ચેરમેન મુકેશ અંબાણીએ મંગળવારે ઘણી નવી ઓફર્સની જાહેરાત કરી હતી. જેમાં એપ્રિલથી હરીફો કરતાં 20 ટકા વધુ ડેટા સહિતની સ્કિમ્સનો સમાવેશ થાય છે.

અંબાણીએ જણાવ્યું હતું કે, જીઓ પહેલી એપ્રિલથી ફ્રી વોઇસ કોલ્સ અને વિના મૂલ્યે નેશનલ રોમિંગ ચાલુ રાખશે.વર્તમાન ગ્રાહકોને નવા ટેરિફ પ્લાન હેઠળ અત્યારના લાભ મળવાનું ચાલુ રહેશે. જોકે, તેમણે રૂ.99ની વન-ટાઇમ જોઇનિંગ ફી અને મહિને રૂ.303 ચૂકવવા પડશે.

મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, જીઓએ ગયા વર્ષે પાંચ સપ્ટેમ્બરે સર્વિસિસ લોન્ચ કરી હતી. માત્ર 170 દિવસ પછી જીઓએ 10 કરોડ ગ્રાહકોનો આંકડો વટાવી દીધો છે.

છેલ્લા દોઢ મહિનામાં નિફ્ટીમાં 8,000થી 8,800ના સ્તર સુધીની આશરે 10 ટકાની તેજી બાદ બજાર હાલમાં બે પરિબળોને કારણે થાક ખાઈ રહ્યું હોય તેમ લાગે છે. પ્રથમ કારણ એ છે કે રિઝલ્ટ સિઝન અત્યાર સુધી સારી રહી છે અને બજાર આ રિઝલ્ટનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

આ ઉપરાંત નાણાનીતિની સમીક્ષામાં રિઝર્વ બેન્ક વ્યાજદરમાં કાપ મૂકે તેવી ધારણા હતી, પરંતુ આવું થયું ન હતું. હવે રિઝર્વ બેન્કનું વલણ ન્યુટ્રલ બન્યું છે. બજાર તેને પચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. કોર્પોરેટ રિઝલ્ટ અત્યાર સુધી ધારણા કરતાં વધુ સારાં રહ્યાં છે. તેનાથી શેરના ભાવ અને બજારની તેજીને તેની અસર થઈ છે.

હવે એવી ધારણા છે કે નોટબંધીની સૌથી ખરાબ સ્થિતિ પસાર થઈ ચૂકી છે અને ચોથા ક્વાર્ટરમાં તેની વધુ થોડી અસર દેખાઈ શકે છે. આગામી વર્ષથી સ્થિતિમાં વધુ સુધારો થવાની ધારણા છે. જો આપણે આગામી ત્રણથી ચાર ક્વાર્ટર્સ માટે અર્નિંગની શક્યતાનો વિચાર કરીએ તો આગામી સમયગાળામાં ઘણી મજબૂત તક છે. જોકે સવાલ એ છે કે બોટમ-અપ બેસિસે મોટા ભાગના શેરનાં વેલ્યુએશન વાજબી લાગે છે અને કેટલાક કિસ્સામાં વેલ્યુએશન ઊંચાં લાગે છે. તેથી બજારમાં અપસાઇડની સંભાવના આપણે ઇચ્છીએ છીએ તેટલી ઊંચી નથી.

ક્રૂડના ભાવમાં ભડકાથી ઘરઆંગણે ઈંધણની પડતર વધતાં જાન્યુઆરીમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો (WPI)ઉછળીને 5.25 ટકાની 30 મહિનાની ઊંચી સપાટીને સ્પર્શી ગયો હતો. ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં પણ મોંઘવારીના દરમાં વધારો નોંધાયો હતો.

ગત ડિસેમ્બર મહિનામાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાનો દર 3.39 ટકા જ હતો. આમ ફુગાવાના દરમાં મોટો ઉછાળો નોંધાયો છે. એક વર્ષ અગાઉના સમાનગાળા દરમિયાન તેમાં 1.07 ટકાની નકારાત્મક વૃદ્ધિ જોવા મળી હતી.

આ અગાઉ જુલાઈ, 2014માં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાનો દર 5.41 ટકાની આટલી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

વાણિજ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર આંકડા પ્રમાણે જાન્યુઆરીમાં ફ્યુઅલ અને પાવર બાસ્કેટમાં લગભગ બમણી વૃદ્ધિ જોવા મળી હતી. ડિસેમ્બરના 8.65 ટકાની સરખામણીમાં ફ્યુઅલ અને પાવર બાસ્કેટમાં જાન્યુઆરીમાં 18.14 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.

નોટબંધીને કારણે ઊભી થયેલી રોકડની ખેંચ ધીમે ધીમે થાળે પડતી જણાય છે. રિઝર્વ બેન્કે બુધવારે જાહેર થયેલી ધિરાણનીતિમાં 20 ફેબ્રુઆરીથી રોકડ ઉપાડની સાપ્તાહિક મર્યાદા હાલના રૂ.24,000થી વધારી રૂ.50,000 કરવાની જાહેરાત કરી છે. ઉપરાંત, 13 માર્ચથી રોકડ ઉપાડ પરની મર્યાદા સંપૂર્ણપણે દૂર થશે.

રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર આર ગાંધીએ જણાવ્યું હતું કે, બચતખાતામાંથી રોકડ ઉપાડની મર્યાદા ચાલુ છે. જોકે, રિમોનેટાઇઝેશનની ઝડપને જોતાં તેને બે તબક્કામાં દૂર કરવાનો નિર્ણય લેવાયો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 20 ફેબ્રુઆરી 2017થી બચતખાતામાંથી રોકડ ઉપાડ પરની સાપ્તાહિક મર્યાદા હાલના રૂ.24,000થી વધારી રૂ.50,000 કરવામાં આવશે. 13 માર્ચ 2017થી તેને સંપૂર્ણ હટાવી લેવાશે.ધિરાણનીતિની જાહેરાત પછી RBI ગવર્નર ઊર્જિત પટેલની કોન્ફરન્સમાં ગાંધીએ આ માહિતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેન્કે અગાઉ ડિમોનેટાઇઝેશન પછી રોકડની ખેંચને લીધે ચાલુ ખાતામાંથી રોકડ ઉપાડ, કેશ ક્રેડિટ એકાઉન્ટ્સ અને ATM દ્વારા ઉપાડ પર નિયંત્રણ મૂક્યા હતા. તેને પહેલી ફેબ્રુઆરીથી હળવા કરવામાં આવ્યા હતા. જોકે, બચતખાતા પર રૂ.24,000ની સાપ્તાહિક મર્યાદા ચાલુ છે. સિસ્ટમમાં રૂ.500ની નવી નોટનો સપ્લાય વધવાથી બચતખાતામાંથી રોકડ ઉપાડના નિયંત્રણ પણ હ‌વે ધીમે ધીમે હળવા થઈ રહ્યા છે.