ક્રૂડના ભાવમાં ભડકાથી ઘરઆંગણે ઈંધણની પડતર વધતાં જાન્યુઆરીમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો (WPI)ઉછળીને 5.25 ટકાની 30 મહિનાની ઊંચી સપાટીને સ્પર્શી ગયો હતો. ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં પણ મોંઘવારીના દરમાં વધારો નોંધાયો હતો.

ગત ડિસેમ્બર મહિનામાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાનો દર 3.39 ટકા જ હતો. આમ ફુગાવાના દરમાં મોટો ઉછાળો નોંધાયો છે. એક વર્ષ અગાઉના સમાનગાળા દરમિયાન તેમાં 1.07 ટકાની નકારાત્મક વૃદ્ધિ જોવા મળી હતી.

આ અગાઉ જુલાઈ, 2014માં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાનો દર 5.41 ટકાની આટલી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.

વાણિજ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર આંકડા પ્રમાણે જાન્યુઆરીમાં ફ્યુઅલ અને પાવર બાસ્કેટમાં લગભગ બમણી વૃદ્ધિ જોવા મળી હતી. ડિસેમ્બરના 8.65 ટકાની સરખામણીમાં ફ્યુઅલ અને પાવર બાસ્કેટમાં જાન્યુઆરીમાં 18.14 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.

નોટબંધીને કારણે ઊભી થયેલી રોકડની ખેંચ ધીમે ધીમે થાળે પડતી જણાય છે. રિઝર્વ બેન્કે બુધવારે જાહેર થયેલી ધિરાણનીતિમાં 20 ફેબ્રુઆરીથી રોકડ ઉપાડની સાપ્તાહિક મર્યાદા હાલના રૂ.24,000થી વધારી રૂ.50,000 કરવાની જાહેરાત કરી છે. ઉપરાંત, 13 માર્ચથી રોકડ ઉપાડ પરની મર્યાદા સંપૂર્ણપણે દૂર થશે.

રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર આર ગાંધીએ જણાવ્યું હતું કે, બચતખાતામાંથી રોકડ ઉપાડની મર્યાદા ચાલુ છે. જોકે, રિમોનેટાઇઝેશનની ઝડપને જોતાં તેને બે તબક્કામાં દૂર કરવાનો નિર્ણય લેવાયો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 20 ફેબ્રુઆરી 2017થી બચતખાતામાંથી રોકડ ઉપાડ પરની સાપ્તાહિક મર્યાદા હાલના રૂ.24,000થી વધારી રૂ.50,000 કરવામાં આવશે. 13 માર્ચ 2017થી તેને સંપૂર્ણ હટાવી લેવાશે.ધિરાણનીતિની જાહેરાત પછી RBI ગવર્નર ઊર્જિત પટેલની કોન્ફરન્સમાં ગાંધીએ આ માહિતી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેન્કે અગાઉ ડિમોનેટાઇઝેશન પછી રોકડની ખેંચને લીધે ચાલુ ખાતામાંથી રોકડ ઉપાડ, કેશ ક્રેડિટ એકાઉન્ટ્સ અને ATM દ્વારા ઉપાડ પર નિયંત્રણ મૂક્યા હતા. તેને પહેલી ફેબ્રુઆરીથી હળવા કરવામાં આવ્યા હતા. જોકે, બચતખાતા પર રૂ.24,000ની સાપ્તાહિક મર્યાદા ચાલુ છે. સિસ્ટમમાં રૂ.500ની નવી નોટનો સપ્લાય વધવાથી બચતખાતામાંથી રોકડ ઉપાડના નિયંત્રણ પણ હ‌વે ધીમે ધીમે હળવા થઈ રહ્યા છે.

રિઝર્વ બેન્ક 8 ફેબ્રુઆરીએ ધિરાણનીતિની સમીક્ષામાં પોલિસી રેટ 0.25 ટકા ઘટાડે તેવી શક્યતા છે. ETના 18 નિષ્ણાતોના સરવેના તારણ અનુસાર સારી વૃદ્ધિ અને ઘટતા ફુગાવાના ટ્રેન્ડ વચ્ચે સરકારે રાજકોષીય શિસ્ત જાળવવાની કટિબદ્ધતા જાહેર કરી છે.

DBS બેન્કના અર્થશાસ્ત્રી રાધિકા રાવે જણાવ્યું હતું કે, યોગ્ય રાજકોષીય નીતિ, ફુગાવામાં ઘટાડા તરફી ટ્રેન્ડ અને વૃદ્ધિ સામે ટૂંકા ગાળાનાં જોખમો વ્યાજદરમાં વધુ ઘટાડાનો અવકાશ ખુલ્લો રાખશે. સરકાર રાજકોષીય શિસ્તને વળગી રહેવા સક્રિય છે, પણ સાથે તે સર્વસમાવેશી વૃદ્ધિનાં પગલાં માટે માહોલ તૈયાર કરી રહી છે. નાણાપ્રધાન અરુણ જેટલીએ થોડા ફેરફાર સાથે આગામી નાણાકીય વર્ષે રાજકોષીય ખાધને પાટા પર લાવવાની બાંહેધરી આપી છે. ઉપરાંત, સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરનો ખર્ચ વધારવાની યોજના ધરાવે છે.

બજેટની રજૂઆત પછી કરન્સી અને ડેટ માર્કેટ્સના રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે. નાણાપ્રધાને રાજકોષીય ખાધનો 3 ટકાનો લક્ષ્યાંક જાળવવા પ્રતિબદ્ધતા દર્શાવી છે અને રાજ્યોમાં ચૂંટણી છતાં કોઈ લોકરંજક પગલાં જાહેર કર્યાં નથી. તેને લીધે કરન્સી અને ડેટ માર્કેટે રાહતનો શ્વાસ લીધો છે.

રોકાણકારોએ રૂપિયા સામે ડોલર શોર્ટ સેલ કરવાની નીતિ અપનાવી છે ત્યારે ફંડ મેનેજર્સ આગામી કેટલાક મહિનામાં વૈશ્વિક વધઘટને આધારે યીલ્ડના ઘટાડાનો લાભ લેવા સક્રિય છે. DBS બેન્કના ટ્રેડિંગ હેડ આશિષ વૈદ્યએ જણાવ્યું હતું કે, બજેટના કારણે રોકાણકારોમાં ઉત્સાહનો સંચાર થયો છે. વૈશ્વિક અને સ્થાનિક પરિબળોને કારણે રોકાણકારો રાજકોષીય નીતિની ચિંતા ખંખેરી ભારતની લાંબા ગાળાની વૃદ્ધિ પર નજર રાખીને બેઠા છે.

ઇક્વિટી રોકાણ માટે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ, એસટીટી કે બીજા ટેક્સના માળખામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હોવાથી શેરબજાર અને રોકાણકારોને મોટી રાહત થઈ છે. જોકે પહેલી ઓક્ટોબર 2014 પછી અનલિસ્ટેડ કંપનીઓમાં શેર ખરીદનારા પ્રાઇવેટ ઇક્વિટી ફંડ્સે જો ખરીદીના સમયે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ નહીં ભર્યો હોય તો તેમને 10 ટકા લેખે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરવો પડશે.

ભારતે પોતાની ઉર્જા જરૂરિયાતને પહોંચી વળવા માટે બુધવારે યુએઈ સાથે ઓઈલ રિઝર્વ કરવા માટેના મહત્ત્વના કરાર કર્યા હતા. આ અંતર્ગત ભારતની કુલ પેટ્રોલિયમ જરૂરિયાતનો છઠ્ઠો ભાગ ઓઈલ રિઝર્વ તરીકે ઉપલબ્ધ રહેશે. જાણો...યુએઈની ભાગીદારીમાં કેવી હશે આ ઓઈલ રિઝર્વ...

1. ભારત સરકારે યુએઈ સાથેની ડીલમાં કર્ણાટક મેંગલુરુની અંડરગ્રાઉન્ડ ક્રૂડ ઓઈલ સ્ટોરેજ ફેસિલિટીનો અડધો ભાગ ભરવા માટેની બહાલી આપી છે.

2.આ ડીલ ભારત સરકારની વ્યૂહાત્મક પેટ્રોલિયન રિઝર્વ સિસ્ટમનો એક ભાગ છે. આ સિસ્ટમ અંતર્ગત 36.87 મિલિયન બેરલ ક્રૂડને સ્ટોર કરવામાં આવશે. તેનાથી કટોકટીની સ્થિતિમાં 10 દિવસ સુધીની દેશની સરેરાશ ક્રૂડની જરૂરિયાતોને પૂર્ણ કરી શકાશે.

3.યુએઈની અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની મેંગલુરુમાં 6 મિલિયન બેરલ ઓઈલ સ્ટોર કરશે. આ સાઈટ પર કુલ સ્ટોરેજ ક્ષમતાનો આ અડધો હિસ્સો હશે.

4.અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની અને ઈન્ડિયાન સ્ટ્ર્ટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ વચ્ચે ભારતમાં ઓઈલ સ્ટોરેજ અને મેનેજમેન્ટ અંગેનો આ બીજો કરાર છે. 2017ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં અબુધાબીની કંપની તરફથી ભારતને ક્રૂડની સપ્લાય શરૂ કરી દેવામાં આવશે.

5.ત્રણ વર્ષ પહેલાં ભારત સરકારે તેની વ્યૂહાત્મક ક્રૂડ સ્ટોરેજ ક્ષમતાનો એક હિસ્સો દુબઈની આ કંપનીને લીઝ પર આપવા માટે વાટાઘાટ શરૂ કરી હતી.

6.દેશની ઈકોનોમીની સુરક્ષા માટે તેમજ કટોકટીના સમયમાં રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત રાખવાના હેતુથી આ ડીલ ખુબ જ મહ્ત્વપૂર્ણ છે. આ ક્રૂડ ઓઈલ ઈન્વેટ્રીઝને કોઈ પણ દેશની સરકાર અથવા ખાનગી કંપનીઓ દ્વારા સંચાલિત કરવામાં આવે તેવી શક્યતા છે.

7.મેંગલુરુની ઓઈલ સ્ટોરેજ ફેસિલિટીના અડધા ભાગમાં ભારતે 6 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ રિઝર્વ રાખ્યું છે. આ જથ્થો ઈરાનની મદદથી સ્ટોર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારતે આંદ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં પણ 7.55 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ સ્ટોર કરવામાં આવ્યું છે. આ પ્રકારનું ત્રીજું યુનિટ કર્ણાટકના પાડુરણ ખાતે પણ છે જ્યાં, 18.3 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલનું સ્ટોરેજ કરવાની ક્ષમતા છે.

8.અમેરિકા ઉર્જા વિભાગની માહિતી અનુસાર વિશ્વભરના દેશોમાં સ્ટ્રેટેજિક ઓઈલ રિઝર્વંમાં 4.1 બિલિયન બેરલ ક્રૂડ ઓઈલ રિઝર્વ રાખવામાં આવ્યું છે. તેમાથી, 1.4 બિલિયન બેરલ પર સરકારનું નિચંત્રણ છે જ્યારે, બાકીના હિસ્સાનું સંચાલન ખાનગી કંપનીઓ દ્વારા કરવામાં આવે છે.

9.અમેરિકા પાસે વિશ્વની સૌથી વધુ 727 મિલિયન બેરલ ઓઈલ રિઝર્વ છે. જો અમેરિકા તેના રિઝર્વ ફેસિલિટીને સંપૂર્ણ ભરીને રાખે તો કટોકટીના સમયમાં તે 60 દિવસ સુધીની દેશની ઓઈલ જરૂરિયાતને પૂરી કરી શકે છે.

10. ચીને પણ સરકારી નિયંત્રણ હેઠળ સ્ટ્રેટેજિક ઓઈલ રિઝર્વ તૈયાર કર્યું છે. ચીનની યોજના 2020 સુધી 90 દિવસ સુધીનું ઓઈલ રિઝર્વ સ્થાપિત કરવાની છે.

 

દિલ્હી:આવકવેરા વિભાગ અત્યારે ડિમોનેટાઇઝેશનમાં ખાસ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ઘણી સહકારી બેન્કોના ચોપડે જૂની કરન્સીમાં જમા થયેલી રકમ રૂ.500 અને રૂ.1,000ની નોટના ફિઝિકલ સ્ટોક કરતાં વધારે છે. જયપુર, રાજકોટ અને પુણેની સહકારી બેન્કોમાં ડિપાર્ટમેન્ટને આવા ઘણા કિસ્સા ધ્યાનમાં આવ્યા છે.

ટેક્સ સત્તાવાળાને આશંકા છે કે, સમસ્યા વ્યાપક હોવાની આશંકા છે. આવકવેરાની તપાસ શાખાએ રિઝર્વ બેન્કનું આ બાબતે ધ્યાન દોર્યું છે. ટેક્સ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, એવા ઉદાહરણ ધ્યાનમાં આવ્યા છે જ્યાં ફિઝિકલ કરન્સીનું પ્રમાણ ચોપડે નોંધાયેલી રકમ કરતાં ઓછું છે. અધિકારીના જણાવ્યા અનુસાર ટેક્સ વિભાગે સરવે પ્રક્રિયામાં સહકારી બેન્કની રોકડથી ભરેલી ગાડી પકડી ત્યાર પછી સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

એક આવા કેસમાં બેન્કના ચોપડે જૂની કરન્સીમાં નોંધાયેલી રકમ રૂ.242 કરોડ હતી, જેની સામે ફિઝિકલ કરન્સીનું પ્રમાણ રૂ.100 કરોડ જેટલું ઓછું હતું. આવા કિસ્સા અત્યારે તો સહકારી બેન્કો પૂરતા મર્યાદિત જણાય છે, પરંતુ ટેક્સ સત્તાવાળા કોમર્શિયલ બેન્કોની ડિપોઝિટ અને ઉપાડના આંકડા પર પણ નજર રાખી રહ્યા છે. જેથી મની લોન્ડરિંગ માટે સત્તાવાર ચેનલ્સનો ઉપયોગ અટકાવી શકાય. સમસ્યા વધુ વ્યાપક હોવાની ધારણા છે.

રિઝર્વ બેન્કે બેન્કોમાં જમા થયેલી ડિમોનેટાઇઝ્ડ કરન્સીનો આંકડો જાહેર કર્યો નથી. 8 નવેમ્બરે સરકારે નોટબંધીની જાહેરાત કરી ત્યારે રૂ.500 અને રૂ.1,000ની કુલ રૂ.15.44 લાખ કરોડના મૂલ્યની નોટો સર્ક્યુલેશનમાં હતી. રિઝર્વ બેન્ક બેન્કોમાં જમા થયેલી જૂની નોટોનો આંકડો જાહેર કરે એ પહેલાં વિવિધ પ્રકારની અનિયમિતતા ઉકેલવી જરૂરી છે.

બેન્કોને 9 નવેમ્બરથી 30 ડિસેમ્બરના ગાળામાં રૂ.2.5 લાખથી વધુ અને વર્ષે રૂ.10 લાખની ડિપોઝિટની માહિતી આપવા જણાવાયું છે. ઉપરાંત, ક્રેડિટ કાર્ડના રૂ.1 લાખ કે વધુ રકમના પેમેન્ટની માહિતી પણ બેન્કોએ આપવાની રહેશે. અધિકારીએ જણાવ્યું હતું કે, ટેક્સ વિભાગના ધ્યાનમાં એવા ઘણા કિસ્સા આવ્યા હતા જેમાં સંખ્યાબંધ ખાતાં KYC વગર જ ખોલવામાં આવ્યા હતા.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ સહકારી બેન્કો અને પોસ્ટઓફિસ સહિત તમામ બેન્કોને ફેબ્રુઆરી સુધીમાં KYC વગરના ખાતાંને PAN સાથે લિંક કરવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરે રૂ.500 અને રૂ.1,000ની જૂની નોટ બંધ કરવાની જાહેરાત કરી હતી. જૂની કરન્સી બેન્કમાં જમા કરવા 30 ડિસેમ્બર સુધીની મુદત આપવામાં આવી હતી.

IMFએ ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતની GDP વૃદ્ધિના અંદાજમાં એક ટકા ઘટાડો કર્યો છે. ડિમોનેટાઇઝેશનના કારણે ભારતની આર્થિક વૃદ્ધિ અગાઉના 7.6 ટકા સામે 2016-17માં 6.6 ટકા રહેવાનો અંદાજ છે. રસપ્રદ વાત એ છે કે, છેલ્લા કેટલાક સમયથી ભારતની GDP વૃદ્ધિ ચીન કરતાં વધારે હતી, પણ IMFને 2016માં ચીનનો વૃદ્ધિદર ભારત કરતાં થોડો વધારે 6.7 ટકા રહેવાનો અંદાજ છે.

અન્ય એક અહેવાલમાં વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસ અને તેની ભારતીય સબસિડિયરી ICRAએ જણાવ્યું છે કે, ચાલુ વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં GDP વૃદ્ધિ ધીમી પડવા છતાં 2017માં ભારત અગ્રણી અર્થતંત્રોમાં સૌથી ઝડપી વૃદ્ધિ દર્શાવશે.મૂડીઝના અંદાજ પ્રમાણે ભારત ચાલુ નાણાકીય વર્ષે GDPના 3.5 ટકાની રાજકોષીય ખાધનો લક્ષ્યાંક હાંસલ કરશે.

IMFના અહેવાલમાં જણાવ્યા અનુસાર ચાલુ અને આગામી નાણાકીય વર્ષ માટે ભારતની આર્થિક વૃદ્ધિના અંદાજમાં અનુક્રમે એક ટકા અને 0.4 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. જેનું મુખ્ય કારણ ડિમોનેટાઇઝેશનને કારણે વપરાશમાં ટૂંકા ગાળા માટે નોંધાયેલો ઘટાડો કહી શકાય.

ઉલ્લેખનીય છે કે, 9 નવેમ્બરથી ભારતમાં રૂ.500 અને રૂ.1,000ની જૂની નોટ બંધ થઈ હતી. રોકડની ખેંચના કારણે માંગમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનો અંદાજ છે. જોકે, અત્યાર સુધીના સત્તાવાર આંકડા પ્રમાણે ભારતીય અર્થતંત્રએ આશંકા કરતાં સારી કામગીરી દર્શાવી છે.

નવેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદન 5.7 ટકા વધ્યું છે, ડિસેમ્બરમાં નિકાસ માર્ચ 2015 પછીની ઊંચી સપાટીએ પહોંચી છે અને ટેક્સ કલેક્શન પ્રોત્સાહક રહ્યું છે. વિશ્વ બેન્કે ગયા સપ્તાહે 2016-17માટે ભારતની આર્થિક વૃદ્ધિનો અંદાજ 7.6 ટકાથી ઘટાડી 7 ટકા કર્યો છે.

IMFના અહેવાલ પ્રમાણે નોટબંધીની અસર આગામી નાણાકીય વર્ષમાં પણ ચાલુ રહેશે. તેણે 2017-18 માટે GDP વૃદ્ધિનો અંદાજ 0.4 ટકા ઘટાડી 7.2 ટકા કર્યો છે. જોકે, 2018-19ના 7.7 ટકાની વૃદ્ધિનો અંદાજ યથાવત્ રાખવામાં આવ્યો છે. એટલે ટૂંક સમયમાં ભારત ચીન પાસેથી સૌથી ઝડપે વધી રહેલા અર્થતંત્રનું સ્ટેટસ પાછું મેળવી લેશે. કારણ કે IMFના અંદાજ પ્રમાણે ચીન 2017માં 6.5 ટકા અને 2018માં 5 ટકાના દરે વૃદ્ધિ દર્શાવશે.

IMFને વૈશ્વિક અર્થતંત્રમાં 2017 અને 2018માં સુધારાની ધારણા છે. ખાસ કરીને ઊભરતાં બજારો અને વિકાસશીલ દેશો સૂચિત ગાળામાં સારી કામગીરી દર્શાવશે. 2017માં વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ 3.4 ટકા રહેવાનો અંદાજ છે, જે 2016માં 3.1 ટકા હતી. જોકે, અમેરિકાના નવા પ્રેસિડન્ટ ટ્રમ્પની પોલિસી અંગે અનિશ્ચિતતા અને તેની વૈશ્વિક અસરો વૈશ્વિક વૃદ્ધિ સામે મોટું જોખમ છે.

IMFના અંદાજમાં ક્રૂડના ભાવમાં વૃદ્ધિની ગણતરી કરી લેવામાં આવી છે. અહેવાલ પ્રમાણે અમેરિકા કે ચીન અંદાજ કરતાં મોટું પોલિસી સ્ટિમ્યુલસ જાહેર કરશે તો વૈશ્વિક વૃદ્ધિમાં સરપ્રાઇઝની શક્યતા છે.

ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્‌ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રેણીબદ્ધ ઐતિહાસિક પગલાં દ્વારા સંપૂર્ણ પરિવર્તન લાવવાની પોતાની મહત્ત્વાકાંક્ષા જાહેર કરી હતી અને જણાવ્યું હતું કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વૃદ્ધિ પામી રહેલી અર્થવ્યવસ્થા બની છે ત્યારે સરકાર સુધારા લાવવા અને વૈશ્વિક મંદીના માહોલમાં ભારતને 'બ્રાઇટ સ્પોટ' તરીકે પ્રોજેક્ટ કરવા કટિબદ્ધ છે.

આઠમી વાઇબ્રન્ટ સમિટના ઉદ્‌ઘાટન પ્રસંગે 100થી વધુ દેશોના ડેલિગેશન સહિતના રોકાણકારોને સંબોધતાં મોદીએ જણાવ્યું હતું કે, આપણને દુનિયા વૈશ્વિક વિકાસના એન્જિન તરીકે જોઈ રહી છે. વર્લ્ડ બેન્ક, આઇએમએફ અને અન્ય સંસ્થાઓએ આગામી દિવસોમાં હજુ વધુ સારી વૃદ્ધિની આગાહી કરી છે. સરકાર ભારતને બિઝનેસ કરવા માટે વિશ્વમાં સૌથી સરળ દેશ બનાવવા માંગે છે અને રોકાણકારોને આકર્ષવા માંગે છે.

મોદીએ જણાવ્યું હતું કે, રાજનીતિ અને અર્થતંત્રમાં મહત્ત્વનું પરિવર્તન લાવવું એ અમારું વિઝન અને મિશન છે. આ દિશામાં અમે શ્રેણીબદ્ધ પગલાં લીધાં છે. અમે સંબંધ આધારિત શાસનના બદલે પદ્ધતિ આધારિત શાસન, આપખુદ વહીવટના બદલે નીતિ આધારિત વહીવટ, વહાલા-દવલાની નીતિના બદલે સમાન તકની સ્થિતિ અને અનૌપચારિક અર્થતંત્રમાંથી ઔપચારિક અર્થતંત્ર તરફનો બદલાવ લાવી રહ્યા છીએ. આ પરિવર્તનમાં ડિજિટલ ટેક્‌નોલોજી મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે.

મોદીએ કહ્યું હતું કે, આપણે વિશ્વની સૌથી વધુ ડિજિટાઇઝ્ડ અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યા છીએ. તમારા પૈકી મોટા ભાગના ભારતમાં આ બદલાવ ઇચ્છતા હતા. મને એ કહેતાં ગર્વ થાય છે કે તે તમારી સામે થઈ રહ્યું છે. છેલ્લાં અઢી વર્ષમાં અમે ભારતની ક્ષમતા દર્શાવવા અને અર્થતંત્રને પાટે ચઢાવવા અથાક પરિશ્રમ કર્યો છે. તેનાં પરિણામો પ્રોત્સાહક છે. જીડીપી વૃદ્ધિ, ફુગાવો, ફિસ્કલ ડેફિસિટ, ચાલુ ખાતાંની ખાધ અને વિદેશી રોકાણ જેવા માઈક્રોઇકોનોમિક નિર્દેશોમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે.

તેમણે કહ્યું હતું કે ઇ-ગવર્નન્સ સરળ અને અસરકારક ગવર્નન્સ છે. અમારી સરકારને સિસ્ટમને સ્વચ્છ બનાવવાનો મેન્ડેટ મળ્યો હતો. અમારી સરકાર સ્વચ્છ શાસન પૂરું પાડવાના અને ભ્રષ્ટાચાર તથા સગાંવાદ નાબૂદ કરવાના વચન પર ચૂંટાઈ છે. વૈશ્વિક મંદીના માહોલમાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી અર્થવ્યવસ્થા તરીકે ભારત એક 'બ્રાઇટ સ્પોટ' છે.

સરકારનાં ઐતિહાસિક પગલાંમાં તેમણે ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી), ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્ટ્સી રુલ્સ, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ અને સુધારેલા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કાનૂન ગણાવ્યા હતા અને કહ્યું હતું કે રોકાણ માટે યોગ્ય વાતાવરણ બનાવવું એ મુખ્ય પ્રાથમિકતા છે.

ભારત અગાઉ કરતાં વધુ સ્પર્ધાત્મક બન્યું છે એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે, ભારત આજે વિશ્વની સૌથી મુક્ત અર્થવ્યવસ્થા પૈકી એક છે. સ્થાનિક અને વિદેશી રોકાણકારો પણ આ વાત સ્વીકારી રહ્યા છે. મારી સરકાર ભારતીય અર્થતંત્રમાં સુધારા ચાલુ રાખવા કટિબદ્ધ છે.

તેમણે કહ્યું હતું કે ભારતે એશિયા-પેસિફિક રિજનમાં સર્વાધિક રોકાણ મેળવ્યું છે અને સીધા વિદેશી રોકાણના મામલે વિશ્વના ટોચના 10 દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. ઉપરાંત વર્ષ 2015માં બેઝલાઇન પ્રોફિટેબિલિટી ઇન્ડેક્સમાં ભારતે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ભારત રોકાણકારોને અભૂતપૂર્વ તક આપે છે તેમ જણાવીને તેમણે કહ્યું હતું કે તેમાં હાર્ડવેરથી લઈને સોફ્ટવેર, સોફ્ટ સ્કિલ્સથી લઈને સાયન્ટિફિક ટેમ્પર અને ડિફેન્સ સિસ્ટમ્સથી સાઇબર સિક્યોરિટી તથા દવાઓથી લઈને પ્રવાસન સુધીનાં ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

તેમણે કહ્યું કે, વર્ષ 2020 સુધીમાં ભારતના પ્રત્યેક ગરીબ પાસે પોતાનું ઘર હોય એ મારું સપનું છે. આ સપનું સાકાર કરવા પ્રત્યેક યેાજનાઓના લાભ શહેરોની સાથોસાથ ગામડાંમાં પણ સંતુલિત રીતે પહોંચવા જોઈએ.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં રાજ્યમાં આવનારા દેશ-વિદેશના બિઝનેસમેનના જમાવડાને કારણે રાજ્યની અમદાવાદ-ગાંધીનગરની હોટેલમાં ભાગ્યે જ કોઈ રૂમ ઉપલબ્ધ છે. મોટા ભાગની હોટેલ પેક થઈ છે. સાથે સાથે કેટલીક હોટેલના સ્વીટ રૂમના ભાવ તો રૂ.55,000 થઈ ગયા છે. કેટલીક હોટેલના રૂમ રૂ.20,000-રૂ.25.000ના ભાવે બુક થઈ રહ્યા છે. આ વખતે વિદેશી ડેલિગેટ વધુ આવવાને પગલે પ્રીમિયમ હોટેલના રૂમનાં બુકિંગ ફુલ થઈ ગયાં છે.

વાઇબ્રન્ટ સમિટમાં આ વખતે 12 જેટલા દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાઈ રહ્યા હોવાથી દરેક દેશોમાંથી વિદેશી ડેલિગેટ આવી રહ્યા છે, કેટલાક દેશોમાંથી તો 200 જેટલા સભ્યો ડેલિગેશનમાં આવવાના હોવાનું રાજ્ય સરકારનાં સૂત્રો જણાવી રહ્યાં છે. આને કારણે સારી પ્રીમિયમ હોટેલમાં રૂમનાં બુકિંગ અગાઉથી જ થઈ ગયાં છે. ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશનના ચેરમેન તુલસીભાઈ ટેકવાનીએ જણાવ્યું હતું કે, હજુ કેટલીક મધ્યમ કક્ષાની હોટેલમાં રૂમની માંગ છે. અને કેટલાંક સ્પોટ બુકિંગ પણ આવી નાની હોટેલમાં છેલ્લા દિવસોમાં બુકિંગ વધી જશે. વાઇબ્રન્ટ જેવી ઇવેન્ટ હોય એટલે મન ફાવે તેમ ભાવ લઈ લેવાય તેવું નથી હોતું. પરંતુ એક વાત નિશ્ચિત છે.


સામાન્ય સંજોગોમાં રૂમની માંગ ન હોય ત્યારે અમે રૂમ દીઠ 25 ટકા ડિસ્કાઉન્ટ રૂમ આપીએ, જે અત્યારની સ્થિતિમાં નથી હોતું. જોકે કેટલીક હોટેલો ઓછું ડિસ્કાઉન્ટ પણ આપી દે છે. પરતું પ્રીમિયમ હોટેલના તો પોતાના દર હોય તેમાં બાંધછોડ નથી કરતા.

રાજ્ય સરકારની વાઇબ્રન્ટ ગુજરાતની સાઇટ દ્વારા વિદેશથી કે અન્ય રાજ્યમાંથી સીધા જ બુકિંગ કરાવી શકાય તે માટે અલાયદી વ્યવસ્થા ગોઠવી છે. શહેરના કયા વિસ્તારમાં કઈ સારી હોટેલ મળી શકે તેની વિગતો ઓનલાઇન મૂકવામાં આવી છે. આટલું જ નહીં કેટલીક પ્રીમિયમ હોટેલના સ્વીટ રૂમ તો રૂ.55,000ના (નોવોટેલ હોટેલ-માસ્ટર સ્વીટ), હયાત રિજન્સીમાં સ્વીટ રૂ.20,000ના ભાવે વેચાઈ રહ્યા છે. આ ઉપરાંત કેટલીક ફાઇવ સ્ટાર હોટેલમાં રૂ.10થી 20 હજારના વચ્ચેના ભાવે રૂમ ઓફર કરાઈ રહ્યા છે.