સરકારના આગ્રહને પગલે બેન્કો આગામી કેટલાક દિવસમાં વ્યાજદરમાં તીવ્ર ઘટાડો કરવાની તૈયારીમાં છે. 8 નવેમ્બરે ડિમોનેટાઇઝેશનની જાહેરાત પછી લાંબી લાઇનોમાં ઊભા રહેનારા આમઆદમીને રાહત આપવા અને લોન ધારકોના સેન્ટિમેન્ટમાં સુધારો કરવા ટૂંક સમયમાં રેટ કટની શક્યતા છે.

બેન્કર્સના જણાવ્યા અનુસાર ધિરાણદરમાં ઘટાડા સાથે બેન્કો FDના રેટમાં પણ ઘટાડો કરે તેવી શક્યતા છે. હાલના તબક્કે મોટી કોમર્શિયલ બેન્કોમાં એક વર્ષની મુદતની FDનો વ્યાજદર 7 ટકા અને એક વર્ષની લોનનો દર 8.90 ટકા છે.

બેન્કોના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, રોકાણનું સેન્ટિમેન્ટ ખરાબ છે અને વિરોધપક્ષો ડિમોનેટાઇઝેશનના લાભ દર્શાવવા સરકાર પર દબાણ વધારી રહ્યા છે. આમઆદમીને આશા છે કે, નોટબંધીના 50 દિવસની મુશ્કેલી પછી તેને સમગ્ર કવાયતનો લાભ મળશે. તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને સરકાર બેન્કો સાથે રોકાણને વધારવાનાં પગલાં માટે ચર્ચા કરી રહી છે. એક વરિષ્ઠ બેન્ક અધિકારીએ જણાવ્યું હતું કે, ડિમોનેટાઇઝેશનને કારણે બેન્કોના ભંડોળની પડતરમાં ઘટાડો નોંધાયો છે. તેના લીધે સરકાર બેન્કોને વ્યાજદર ઘટાડવાનું જણાવી રહી છે. કારણ કે વપરાશને વૃદ્ધિ આપવા ડિમોનેટાઇઝેશનનો લાભ ગ્રાહકોને આપવો જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, રૂ.500 અને રૂ.1,000ની નોટ બંધ થયાના એક મહિનામાં જ બેન્કોને રૂ.12.44 લાખ કરોડની રોકડ મળી છે, જે સમગ્ર નાણાકીય વર્ષમાં મળતી રકમ કરતાં લગભગ બમણી છે.

 5000 રૂપિયાથી વધુ જુની નોટો જમા કરવા પર લગાવવામાં આવેલી શરતો બે દિવસ બાદ જ આરબીઆઈ દ્વારા પાછી લેવાઈ છે.

આરબીઆઈ (રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા)એ આ સબંધમાં જાહેર નોટિફિકેશન પાછું લેતાં કહ્યું કે જે ખાતાઓ સાથે નો યોર કસ્ટમર (કેવાયસી)

જોડાયેલા છે તેવા ખાતામાં રૂ.5000થી વધુ રકમ જમા કરવા પર કોઈ પ્રતિબંધ નહીં રહે. ઉલ્લેખનીય છે કે આરબીઆઈના આ નિર્ણયની ઘણી

આલોચનાઓ થઈ હતી. જાહેર કરાયેલા નોટિફિકેશનમાં એવું પણ કહેવાયું છે કે, કેવાયસી ખાતા પર સંપુર્મ જમા વાળા નીયમ પણ લાગુ નહીં થાય.

સ્પષ્ટીકરણનો મતલબ એ છે કે જે ખાતામાં કેવાયસી ડોક્યુમેન્ટ ઉપલબ્ધ છે તેમાં જેટલી રકમ, જેટલી વખત ચાહો તેટલી વખત જમા કરાવાઈ શકે છે.

 

અગાઉ સોમવારે આરબીઆઈ તરફથી નોટિફિકેશન જાહેર કરાયું હતું કે જે લોકો પાસે જુની નોટો છે તેઓ વારંવાર બેન્ક નહીં જઈને એક જ વખત નાણાં

એકાઉન્ટમાં જમા કરાવી દે. જોકે તેના માટે શરત પણ મુકવામાં આવી હતી કે જમાકર્તાઓએ લેખિતમાં જણાવવું પડશે કે આખરે તેમણે અત્યાર સુધી

નાણાં કેમ ન હતા ભર્યા. આ નિર્ણય બાદ બેન્કોમાં 5000થી વધુ રમક જમા કરાવનારાઓની ભીડ થવા લાગી. ઘણા લોકોએ આ સવાલનો જવાબ પણ

ઘણો તીખી રીતે આપ્યો હતો. આખરે આજે આ નિર્ણયને આરબીઆઈ દ્વારા પાછો લેવામાં આવ્યો છે.

રાજય સરકારની દર બે વર્ષે યોજાતી ફલેગશિપ ઇવેન્ટ વાઇબ્રન્ટ સમીટ 2017માં તારીખ 9 થી 13મી જાન્યુઆરી દરમિયાન યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-2017 એકઝીબીશનને આ વખતે મોળો પ્રતિસાદ મળ્યો છે. 2015ની વાઇબ્રન્ટ સમીટ સાથે યોજાયેલું ગ્લોબલ ટ્રેડ શો એકઝીબીશન દેશમાં સૌથી મોટું 1.25 લાખ મીટર ક્ષેત્રફળમાં યોજાયું હતું, જેને ભરવા માટે હાલમાં ફાંફા પડી રહ્યા છે.

સમીટ આડે માંડ 24 દિવસ બાકી છે, તેવા સંજોગોમાં સરકારી મશીનરી દોડતી થઇ છે અને રાજય અને કેન્દ્ર સરકારના વધુ જાહેર સાહસોને આ એકઝીબીશનમાં જોતરવાની કવાયત હાથ ધરાઇ છે. 2017 માટે કોઇ ટેન્ડર વગર જ સીઆઇઆઇને કામગીરી આપી દેવાઇ છે.

વાઇબ્રન્ટ સમીટ સાથે યોજાતા એકઝીબીશનની તૈયારી સામાન્ય રીતે એક વર્ષથી વધુ સમય પહેલાં શરૂ થતી હોય છે, પરંતુ આ વખતે દોઢ મહિના અગાઉ કામગીરી કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (સીઆઇઆઇ)ને સોંપવામાં આવી છે. રાજય સરકારના ઇન્ડેક્ષ્ટ-બીના અધિકારીએ જણાવ્યું હતું કે, છેલ્લાં બે વખતથી એકઝીબીશન ક્ષેત્રમાં જ કાર્યરત કંપનીને કામ સોંપવામાં આવ્યું હતું પરંતુ આ વખતે છેક છેલ્લી ઘડી સુધી નિર્ણય ન લેવાતાં છેલ્લે સીઆઇઆઇને આ કામ સોંપવામાં આવ્યું છે, જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઇ છે.

રાજય સરકારના ઉદ્યોગ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે, આ વખતે સીઆઇઆઇને મોડું કામ સોંપાયું છે. જો કે હવે જે કંપનીઓએ સરકાર સાથે એમઓયુ કર્યા છે, અને જે કંપનીઓએ સફળતાપુર્વક રોકાણ કરી દીધું હોય તેવી કંપનીઓને શો કેસ કરવા ઓછા ભાવે ડિસ્કાઉન્ટથી એકઝીબીશનમાં સમાવવાની કાર્યવાહી કરવાની દિશામાં આયોજન કરાયું છે. ગુરૂવારે યોજાયેલી રીવ્યુ મીટીંગમાં પણ એકઝીબીશન એરીયા વધારવા કામે લાગવા હાલની ટીમને તાકીદ કરવામાં આવી હતી.

2003માં પ્રથમ વાઇબ્રન્ટ સમીટની સાથે વર્ષ માત્ર 36 સ્ટોલથી એકઝીબીશન શરૂ થયું હતું જે વર્ષ 2015માં 1200થી વધુ સ્ટોલ સુધી પહોંચ્યું હતું. વિસ્તાર મુજબ વાત કરીએ તો વર્ષ 2015ની વાઇબ્રન્ટ સમીટમાં 25 જેટલા ઓદ્યોગિક સેકટરમાંથી તે 1.25 લાખ સ્કવેર મીટર સુધી પહોંચ્યું હતું. એ સમયે સરકારે દેશમાં દિલ્હીના એકઝીબીશન કરતા સૌથી મોટું હોવાનો યશ સરકારે લીધો હતો.

તેનાથી વિપરીત, હાલમાં રાજય સરકાર અને સીઆઇઆઇ સંયુકત કવાયતમાં લાગી છે કે એકઝીબીશનને ભરવું કેવી રીતે? હાલમાં રાજય સરકારના જાહેર સાહસો, ઉપરાંત કેન્દ્ર સરકારના જાહેર સાહસો, બેંકો, સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, ડીઆરડીઓ, ગેઇલ, શિપીંગ મંત્રાલય, કંડલા પોર્ટ ટ્રસ્ટ જેવા સાહસોએ તો એકઝીબીશનમાં ભાગીદાર થવા સહમતિ તો આપી દીધી છે. જો કે સરકારે મહિલાઓ, ઉદ્યોગસાહસિકો અને એમએસએમઇને પણ ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે.

સોનાના ભાવ 10 મહિનાના તળિયે હોવા છતાં જ્વેલર્સ અને બુલિયન ડીલર્સ નવું સોનું ખરીદતા ખચકાઈ રહ્યા છે. માંગમાં ધીમી રિકવરી છતાં ગ્રામીણ ભારતની ઠંડી ખરીદીને કારણે સોના માટેનું સેન્ટિમેન્ટ હજુ સાનુકૂળ થયું નથી. ગામડાંમાં સોનાના મોટા ભાગના વ્યવહારો રોકડેથી થાય છે અને રોકડની તંગીને કારણે તેમાં મંદી છે.ભારતીય બજારની માંગમાં ઘટાડાને કારણે સોનામાં હાલ પ્રતિ ટ્રોય ઔંસ 3-4 ડોલરનું ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. મંગળવારે હાજર બજારમાં સોનાનો ભાવ રૂ.27,800 (1 ટકા VAT સિવાય)ની સપાટીએ હતો. જ્યારે વાયદા બજારમાં 10 ગ્રામ સોનું 0.4 ટકાના ઘટાડા સાથે રૂ.27,540ની સપાટીએ હતું. એન્જલ બ્રોકિંગના ચીફ એનાલિસ્ટ (બિનકૃષિ કોમોડિટી અને કરન્સી) પ્રથમેશ માલ્યાએ જણાવ્યું હતું કે, 8 નવેમ્બરે અમેરિકાની ચૂંટણીના પરિણામ પછી સોનાના ભાવ પર દબાણ છે અને વેપારીઓ ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. તેમણે હાલ સોનું વેચવાની નીતિ અપનાવી છે.

નોટબંધીથી ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતની સંખ્યાબંધ કંપનીના શેર દીઠ કમાણી (EPS)ના અંદાજમાં ઘટાડો થયો છે. આઠ નવેમ્બર પછીથી બ્રોકરેજ એનાલિસ્ટ્સે ટોચની 300 કંપનીઓમાંથી આશરે 50 ટકા કંપનીઓના અર્નિંગના અંદાજમાં ઘટાડો કર્યો છે, એમ બ્લૂમબર્ગના ડેટામાં જણાવાયું છે.

ફંડ મેનેજર્સ અને એનાલિસ્ટ્સે જણાવ્યું હતું કે ડિસેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટની જાહેરાત બાદ જાન્યુઆરીમાં અર્નિંગ ડાઉનગ્રેડમાં વેગ મળવાની ધારણા છે. કેટલીક મિડ-કેપ અને સ્મોલ-કેપ કંપનીઓના શેરમાં ભારે વેચવાલીનું જોખમ આવી શકે છે.

આઠ નવેમ્બરે નોટબંધીની જાહેરાત પછીથી બીએસઇ 500 ઇન્ડેક્સની 148 કંપનીઓની શેર દીઠ કમાણીના અંદાજ (ઇપીએસ)માં કાપ મૂકવામાં આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષ માટે આ કંપનીઓની ઇપીએસમાં આ ઘટાડો થયો છે. માત્ર 68 કંપનીઓના ઇપીએસના અંદાજમાં વધારો જોવા મળ્યો છે.

આઠ નવેમ્બરે નોટબંધીની જાહેરાત બાદ સેન્સેક્સમાં પાંચ ટકાનો ઘટાડો થયો છે. તાજેતરમાં ડોએચ્ચ બેન્કે વર્ષના અંત માટેન સેન્સેક્સના ટાર્ગેટને 27,000થી ઘટાડીને 25,000 કર્યો હતો. બીજી વિદેશી બ્રોકરેજ કંપની ગોલ્ડમેન સૅક્સે ડિસેમ્બર 2017 માટે નિફ્ટીના અંદાજને 9,500થી ઘટાડીને 9,000 કર્યો છે.

કોટક સિક્યોરિટીઝના રિસર્ચ વડા દીપેન શાહે જણાવ્યું હતું કે, રિયલ એસ્ટેટ, જ્વેલરી, ઓટો, સિમેન્ટ અને હોમ ઇમ્પ્રુવમેન્ટ સેક્ટરની કંપનીઓના ચાલુ નાણાકીય વર્ષના બીજા છ મહિનાના રિઝલ્ટને નેગેટિવ અસર થવાની ધારણા છે.નોટબંધીને કારણે નવેમ્બર 2016માં મોટા ભાગની ઓટો કંપનીઓના વેચાણને અસર થઈ હતી. ટુ વ્હીલર્સ સેગમેન્ટમાં હીરો મોટોકોર્પ અને બજાજ ઓટોના વેચાણવૃદ્ધિદરમાં વાર્ષિક ધોરણે ઘટાડો થયો હતો.

છ સભ્યની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ની બે દિવસની બેઠકનો પ્રારંભ મંગળવારે થયો હતો. વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. ડિમોનેટાઇઝેશનને કારણે સાવચેતીનો માહોલ રહ્યો છે ત્યારે માગને વધારવા માટે રિઝર્વ બેન્ક તરફથી કેવાં પગલાં લેવામાં આવે છે તેની પર નજર રહી હતી. નોટબંધીથી અર્થતંત્રને કેટલો સમય અને કેવી અસર થશે એ અંગે રિઝર્વ બેન્ક તરફથી શી પ્રતિક્રિયા આપવામાં આવે છે તે મહત્ત્વનું બનશે એમ ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોએ જણાવ્યું હતું.

રિઝર્વ બેન્કના ગવર્નર તરીકે ઊર્જિત પટેલે ચાર્જ સંભાળ્યો ત્યાર પછી એમપીસીની રચના કરવામાં આવી હતી અને ઓક્ટોબર પછી બીજી બેઠક મળી રહી છે. ઓક્ટોબરમાં રેપો રેટ એટલે કે શોર્ટ ટર્મ લેન્ડિંગ રેટ 0.25 ટકા ઘટાડીને 6.25 ટકા કરવામાં આવ્યો હતો. આરબીઆઇએ જાન્યુઆરી 2015થી પોલિસી રેટમાં 1.75 ટકાનો ઘટાડો કર્યો છે. આ વખતની એમપીસીની બેઠક અગત્યની ગણવામાં આવે છે કારણ કે ડિમોનેટાઇઝેશનના નિર્ણય પછીની આ પ્રથમ બેઠક છે.

નોટબંધીને કારણે બેન્કો પાસે મોટી સંખ્યામાં ડિપોઝિટનાં નાણાં જમા થતાં રિઝર્વ બેન્ક વ્યાજદરમાં ધારણા કરતાં વધુ ઘટાડો કરીને બેન્કો પરનો બોજો ઘટાડવાનું પગલું ભરે તેવી શક્યતા બેન્કિંગ સૂત્રોએ વ્યક્ત કરી હતી.

એક દિવસના વિરામ પછી સોમવારે ખુલેલી બેન્કોમાં ચલણી નોટ્સની અછત જળવાઈ રહી હતી જેના કારણે દેશની ઘણી બેન્ક શાખાઓને ગ્રાહકોની માંગને પહોંચી વળવા માટે રોકડનું રેશનિંગ કરવું પડ્યું હતું તથા ઘણા એટીએમમાં પણ ચલણી નોટ્સ ખલાસ થઈ ગઈ હતી.

ઘણા સ્થળોએ ગ્રાહકોએ માસિક બિલ ભરવા તથા અન્ય જરૂરીયાતો માટે પોતાનો પગાર ઉપાડવા બેન્ક શાખાઓની બહાર લાઈનો લગાવવાની શરૂઆત કરી દીધી હતી. પરંતુ તેમની નિરાશા વચ્ચે બેન્ક શાખાઓ રોકડની અછત હોવાનું કારણ ટાંકીને તેમની જરૂરીયાત સામે બહુ ઓછા રૂપિયા આપતી હતી. દેશભરના 2.2 લાખ એટીએમના 90 ટકા કરતાં વધારેનું રિકેલિબ્રેશન થઈ ગયું હોવા છતાં પણ આ મશીનો ડિમોનેટાઈઝેશનના એક મહિના બાદ પણ કરન્સી વગરના છે.

કેટલીક બેન્ક શાખાઓ વ્યક્તિદીઠ ફક્ત રૂ.2,000નું વિતરણ કરી રહી છે જ્યારે જે શાખાઓ પાસે રોકડની ઉપલબ્ધી સારી છે તેવી શાખાઓ રૂ.24,000ની ઉપાડની મર્યાદા સામે રૂ.10,000-12,000ની ઓફર કરી રહી છે, તેમ બેન્ક અધિકારીઓએ જણાવ્યું હતું. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ માટે વધારાની રોકડ માટે ઘણી બેન્કોએ આરબીઆઈને એસઓએસ કોલ્સ કર્યા હતાં.

બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિંચ ખાતેના ચીફ ઇન્ડિયા ઇકોનોમિસ્ટ ઇન્દ્રનિલ સેનગુપ્તાએ જણાવ્યું હતું કે, આગામી સપ્તાહમાં આરબીઆઇ દ્વારા ચાવીરૂપ દરમાં ઘટાડો લગભગ નિશ્ચિત છે.

તેમણે કહ્યું કે, વ્યાજના દરમાં ઘટાડાને સીઆરઆરના વધારા સાથે કોઈ ઘર્ષણ નહીં હોય કારણ કે આ વધારો અંતે તો પરત ખેંચી લેવાનો છે. અર્થતંત્ર હાલમાં થંભી ગયું છે તેથી આપણે વ્યાજના દરમાં કાપની અપેક્ષા રાખી શકીએ.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બેન્કો પાસેથી તેની વધારાની પ્રવાહિતા શોષી લેવા સીઆરઆર વધારવાની જાહેરાત કરી ત્યાર બાદ તરત એક ફંડ હાઉસના ચીફ એક્ઝિક્યુટિવે તેના વોટ્સએપ જૂથના સભ્યોને લખેલા સંદેશમાં કેશ રિઝર્વ રેશિયોમાં કરવામાં આવેલા વધારાને ઉચિત ગણાવ્યો હતો. એક દિવસ બાદ જ્યારે આરબીઆઇના ગવર્નરે જણાવ્યું કે તે ફક્ત કામચલાઉ પગલાં હતાં ત્યારે તેમણે તેને ટેકો આપ્યો હતો. તેઓ જાણે છે કે વૃદ્ધિમાં ઘટાડો તથા થાપણોમાં વધારો મધ્યસ્થ બેન્કને વ્યાજના દરમાં વહેલામોડા ઘટાડો કરવા ફરજ પાડશે.


આ એક એવું પગલું છે જે બોન્ડની કિંમતમાં વધારો કરશે તથા બોન્ડ યીલ્ડને હળવી કરશે. અર્થતંત્ર માટે જે ખરાબ સમાચાર છે તે બોન્ડ માર્કેટ માટે સારા સમાચાર છે. ગયા શનિવારના સીઆરઆરના વધારાના આંચકામાંથી મોટા ભાગનું નુકસાન બોન્ડ માર્કેટે વસૂલ કરી લીધું છે.

રૂ.500 અને રૂ.1,000ની જૂની નોટ રદ થયા પછી થોડા દિવસ સુધી સોના માટે લોકોના ધસારાના અહેવાલો ભારે ચર્ચામાં રહ્યા હતા. જોકે, તમને ખબર છે કે, સોના ઉપરાંત ડિમોનેટાઇઝેશન પછી શેનું ધૂમ વેચાણ થયું હતું? આઇફોન. વેપારીઓના અંદાજ પ્રમાણે ડિમોનેટાઇઝેશન પછીના ત્રણ દિવસમાં જ લગભગ એક લાખ આઇફોન વેચાયા હતા, જે વેચાણની માસિક સરેરાશના 75 ટકા છે.

ઘણા ગ્રાહકો માટે જૂની નોટો વાપરવા આઇફોન સૌથી સુરક્ષિત ખરીદી હતી. વેપારીઓએ પણ દિવાળી પછીના મંદ વેચાણમાં આવેલી આ તકને ઝડપી લીધી હતી અને ગ્રાહકોને જૂની તારીખોમાં બિલ બનાવી આપ્યા હતા. જૂની તારીખનું બિલિંગ હવે તો થઈ શકે તેમ નથી, પણ રિટેલર્સના જણાવ્યા અનુસાર ડિમોનેટાઇઝેશનને કારણે ગ્રે માર્કેટ 'ગુમ' થવાથી ભારતીય બજારમાં હજુ પણ આઇફોનનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.

નોટબંધી પછી મોટા ભાગના સ્ટોર્સમાં આઇફોનનો સ્ટોક ખાલી થઈ ગયો હતો. ડિમોનેટાઇઝેશનની જાહેરાતના દિવસે જ ઘણા સ્ટોર્સે મધ્યરાત્રિ સુધી આઇફોનનું વેચાણ કર્યું હતું. નવી દિલ્હીના અગ્રણી સેલફોન સ્ટોરના માલિકના જણાવ્યા અનુસાર કેટલાકે તો પ્રીમિયમ ભાવ પણ લીધા હતા. તાજેતરમાં લોન્ચ થયેલા આઇફોન 7 પ્લસના પૂરતા સપ્લાયને કારણે નવેમ્બરમાં વેચાણને વેગ મળ્યો હતો. ચાલુ મહિને આઇફોન 7 પ્લસની માંગ સૌથી વધુ રહી હતી. લગ્નની સિઝનને કારણે પણ આઇફોનની માંગને વેગ મળ્યો હતો. 450 સ્ટોર્સની માલિકી ધરાવતા સુભાશિષ મોહંતીએ જણાવ્યું હતું કે, ઓક્ટોબર કરતાં નવેમ્બરમાં વધુ આઇફોન વેચાયા છે.


હોંગકોંગની કાઉન્ટરપોઇન્ટ ટેક્‌નોલોજી માર્કેટ રિસર્ચના સિનિયર એનાલિસ્ટ તરુણ પાઠકે જણાવ્યું હતું કે, નોટબંધીને કારણે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતના સ્માર્ટફોન માર્કેટમાં 10 ટકા ઘટાડો નોંધાશે. એપલ ઇન્ડિયા 10 લાખ આઇફોનનો વેચાણ લક્ષ્યાંક હાંસલ કરશે.

મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસિસે ગુરુવારે જણાવ્યું હતું કે ઊંચા દરની ચલણી નોટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તેના કારણે નજીકના ભવિષ્યમાં આર્થિક પ્રવૃત્તિ નોંધપાત્ર પ્રમાણમાં ખોરવાશે તથા તેને પરિણામે વૃદ્ધિ નબળી પડી શકે, પરંતુ લાંબા ગાળે તેના કારણે ટેક્સની આવકમાં વેગ આવશે તથા વધારે ઝડપી રાજકોષીય મજબૂતાઈમાં પરિણમી શકે.

તેણે જણાવ્યું હતું કે, રૂ.500 તથા રૂ.1,000ની નોટ્સ રદ કરવાના કારણે દેશમાં ચલણમાં ફરતી 86 ટકા નોટ્સ બજારમાંથી ફેંકાઈ ગઈ છે. તેના કારણે ઘર-પરિવારો અને બિઝનેસ કેટલાક મહિના સુધી પ્રવાહિતાની મુશ્કેલીનો સામનો કરી શકે. તેણે ઉમેર્યું હતું કે, નોટબંધી કેટલાક ત્રિમાસિક ગાળા માટે જીડીપી વૃદ્ધિ પર અસર કરી શકે, સરકારની આવકને મંદ બનાવી શકે.

પરંતુ મધ્યમ ગાળામાં રદ કરવામાં આવેલ ચલણી નોટ્સને પગલે ઊંચી આવક જાહેર કરવાના કારણે સરકારની કર આવકને વેગ મળશે જે સરકારના મૂડીખર્ચ કાર્યક્રમને વેગ આપી શકશે તથા રાજકોષીય મજબૂતાઈને ટેકો આપશે.

'ઇન્ડિયન ક્રેડિટ- ડિમોનેટાઇઝેશન ઇઝ બેનિફિસિયલ ફોર ઇન્ડિયન ગવર્નમેન્ટ એન્ડ બેન્ક્સ: ઇમ્પ્લિમેન્ટેશન ચેલેન્જિસ વર્સિસ ડિસરપ્ટ ઇકોનોમિક એક્ટિવિટી' નામના અહેવાલમાં મૂડીઝે જણાવ્યું હતું કે ડિમોનેટાઇઝેશનનું પગલું અર્થતંત્રનાં તમામ સેક્ટરને વિવિધ તીવ્રતા સાથે અસર કરી રહ્યું છે, જેમાં બેન્કો ચાવીરૂપ લાભ મેળવનાર બનશે.

મૂડીઝના સોવરિન ગ્રૂપ એસોસિયેટ એમડી મેરી ડિરોને જણાવ્યું હતું કે, આ પગલાં નજીકના ભવિષ્યમાં જીડીપી વૃદ્ધિદર પર દબાણ લાવી શકે અને તેના કારણે સરકારની આવક પર દબાણ લાવી શકે, લાંબા ગાળે તેના કારણે કરની આવકમાં વેગ મળશે તથા તેને પગલે વધારે ઊંચો સરકારી મૂડીખર્ચ થશે તથા રાજકોષીય મજબૂતી વધારે ઝડપી બની શકે છે.

મૂડીઝે ઉમેર્યું હતું કે, કાળાં નાણાં ધરાવતા વ્યક્તિઓ તથા કોર્પોરેટ્સ માટે આના કારણે સંપત્તિનું નુકસાન થશે કારણ કે કેટલાક લોકો આ ભંડોળનો સોર્સ જાહેર કરવો ન પડે તે માટે તેને અગાઉની ફાઇનાન્શિયલ સિસ્ટમમાં પરત મૂકવાનું પસંદ નહીં કરે.

તત્કાળ સમયગાળામાં ડિમોનેટાઇઝેશન આર્થિક પ્રવૃત્તિ પર નોંધપાત્ર અસર કરી શકે જેને કારણે કામચલાઉ નબળા વપરાશ તથા જીડીપી વૃદ્ધિદરમાં પરિણમી શકે. ઘર-પરિવારો તથા ઉદ્યોગો પ્રવાહિતાની ખેંચનો અનુભવ કરશે કેમ કે રોકડને સિસ્ટમમાંથી બહાર ખેંચી લેવામાં આવી છે, જેમાં જૂની નોટ્સની સામે નવી નોટ્સ બદલી આપવા માટે દૈનિક મર્યાદા બાંધવામાં આવી છે.

મૂડીઝના કોર્પોરેટ ફાઇનાન્સ ગ્રૂપના એમડી લૌરા એક્રેસે જણાવ્યું હતું કે નીચા વેચાણ વોલ્યુમ તથા રોકડ પ્રવાહ સાથે કોર્પોરેટ સેક્ટર તેમની આર્થિક પ્રવૃત્તિમાં ઘટાડો જોશે અને રિટેલ સેલ્સ સાથે સીધી રીતે જોડાયેલાને સૌથી વધારે અસર થશે.

તેણે ઉમેર્યું હતું કે, આર્થિક પ્રવૃત્તિ સંતુલિત થતાં અંતે તો ટેક્સ બેઝને વધારે વ્યાપક બનાવવામાં મદદ કરશે અને ફાઇનાન્શિયલ સિસ્ટમનો ઉપયોગ વિસ્તારવામાં મદદ કરશે જે ક્રેડિટ પોઝિટિવ હોઈ શકે છે.

એક અલગ અહેવાલમાં S&P ગ્લોબલ રેટિંગે પણ જણાવ્યું હતું કે, ડિમોનેટાઇઝેશન લાંબા ગાળે હકારાત્મક અસર કરી શકે પરંતુ ટૂંકા ગાળામાં તે વૃદ્ધિ પર વિપરીત અસર કરી શકે તથા તે બેન્કોની અસ્કામતોની ગુણવત્તાને નુકસાન કરી શકે.