મોટી ચલણી નોટો રદ થવાના કારણે દેશભરમાં પ્રિપેઇડ મોબાઇલ ગ્રાહકો પાસે પૂરતી રોકડ ન હોવાથી છેલ્લા એક સપ્તાહમાં ભારતી એરટેલ, વોડાફોન ઇન્ડિયા અને આઇડિયા સેલ્યુલર સહિતની ટેલિકોમ કંપનીઓના મોબાઇલ રિચાર્જ બિઝનેસમાં તીવ્ર ઘટાડો થયો છે. આ સ્થિતિમાં હમણાં સુધારો થવાની કોઈ શક્યતા લાગતી નથી.

અગ્રણી ટેલિકોમ બ્રાન્ડ્સના રિચાર્જ વાઉચર અને ઇલેક્ટ્રોનિક ટોપ-અપ બિઝનેસમાં સંકળાયેલા દિલ્હી, કોલકાતા અને મુંબઈના ટ્રેડ અને રિટેલ આઉટલેટ્સના માલિકોએ ઇકોનોમિક ટાઇમ્સને જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહમાં મોબાઇલ રિચાર્જ કરાવવા આવતા લોકોની હાજરીમાં 70-80 ટકાનો ઘટાડો થયો છે. દેશની ટોચની ચાર ટેલિકોમ કંપનીના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું હતું કે, રૂ.500 અને રૂ.1,000ની નોટ બંધ થઈ જવાથી પ્રિપેઇડ ગ્રાહકો તેમનું બેલેન્સ બચાવી રાખવા માટે બહુ ઓછા આઉટગોઇંગ કોલ કરી રહ્યા હોવાથી મોબાઇલ રિચાર્જ બિઝનેસને ફટકો પહોંચ્યો છે અને જો આ ટ્રેન્ડ લાંબો સમય ચાલશે તો કંપનીઓની એવરેજ રેવન્યુ પર યુઝર (ARPUs) પર અસર પડશે.


રેટિંગ એજન્સી ફિચના ડિરેક્ટર નીતિન સોનીએ કહ્યું હતું કે, ડિમોનેટાઇઝેશન અને રિલાયન્સ જીઓની ફ્રી ઓફરને કારણે ડિસેમ્બર ક્વાર્ટરમાં ટેલિકોમ કંપનીઓની એકંદર આવકમાં ઘટાડો થશે, જેથી ARPUsમાં બે ટકાનો ઘટાડો જોવા મળશે.

આ અંગે અમે એરટેલ, વોડાફોન, આઇડિયા, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને ટેલિનોરને મોકલેલા ઇ-મેઇલનો કોઈ જવાબ મળ્યો નહોતો. કોલકાતા અને મુંબઈના મોબાઇલ રિચાર્જ વેન્ડર્સે દિલ્હીના વેન્ડર્સ કરતાં વધારે ચિંતા વ્યક્ત કરી હતી.

જેકમ, કોલકાતામાં એરટેલ, વોડાફોન, આઇડિયા, એરસેલ, આરકોમ, ટાટા ટેલિના મોબાઇલ રિચાર્જ અને ઇલેક્ટ્રોનિક ટોપ-અપનો બિઝનેસ કરતા સ્ટોર શ્રી ગોપાલ કોપિયર્સના મૃણાલ ઘોષ અને ગ્રીન કોર્નરના નંતુ સહાના દૈનિક વેચાણમાં 60 ટકા જેટલો ઘટાડો થયો છે.

ઘોષે કહ્યું હતું કે, લોકો રૂ.440, રૂ.555 અને રૂ.1,111નાં ઊંચા મૂલ્યનાં વાઉચર લેવાનું ટાળી રહ્યા છે અને તેના સ્થાને રૂ.10, 20, 30 કે રૂ.50ના ઓછી કિંમતનાં વાઉચર લે છે. પહેલાં અમે રિચાર્જ સેલ્સમાં દરરોજ રૂ.10,000 સુધીનો બિઝનેસ કરતા હતા જે હવે ઘટીને રૂ.4,000 થઈ ગયો છે. મુંબઈના ક્રોફોર્ડ માર્કેટમાં ગૂડ લક સેલ્સ નામના સ્ટોરના માલિક મોહમ્મદ મુલ્ફૈઝે કહ્યું હતું કે, તેમના ગ્રાહકોની સંખ્યામાં 50 ટકા ઘટાડો થયો છે.

સરકારે રૂ.500, રૂ.1,000ની નોટ રદ કર્યા પછી રોકડની ખેંચને હળવી કરવા નવાં પગલાં જાહેર કર્યાં છે. વિવિધ કેટેગરીમાં ઉપાડની મર્યાદા 24 નવેમ્બર સુધી લંબાવાઈ છે. ઉપરાંત, ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં માઈક્રો ATM વધારવામાં આવશે. ATMsને નવી નોટો માટે અપગ્રેડ કરવાની પ્રક્રિયા (રિકેલિબરેશન)ને ઝડપી બનાવવા ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. ઉપરાંત, રાજ્યો પર નજર રાખવા સંયુક્ત સચિવોનું જૂથ પણ બનાવાયું છે.

રવિવારે મોડી રાત્રે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી સમીક્ષા બેઠક પછી આર્થિક બાબતોના સચિવ શક્તિકાંતા દાસે પત્રકારોને જણાવ્યું હતું કે, અમે તમામ વિકલ્પો દ્વારા રોકડ પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મુખ્ય હેતુ લોકોની સગવડ અને જનતાને રોકડ મળવાની પ્રક્રિયા સરળ બનાવવાનો છે.તેમણે કહ્યું હતું કે, RBIએ બેઠકમાં કોઈ ગભરાટ નહીં કરવા જણાવ્યું હતું. રિઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર સિસ્ટમમાં પૂરતી રોકડ ઉપલબ્ધ છે.

શહેરી વિસ્તારો માટે દાસે જણાવ્યું હતું કે, ATMsનું રિકેલિબરેશન શરૂ થઈ ચૂક્યું છે અને સોમ કે મંગળવારથી ATMs પર નવી રૂ.2,000ની નોટ મળવા માંડશે.તેમણે સ્પષ્ટતા કરી હતી કે, રોકડ ઉપાડની વધારેલી રૂ.૨,૫૦૦ની મર્યાદા માત્ર રિકેલિબરેટેડ ATMsને જ લાગુ પડશે. રૂ.500ની નવી નોટનું વિતરણ રવિવારથી શરૂ થઈ ચૂક્યું છે.

તેમણે કહ્યું હતું કે, બેન્ક ખાતામાંથી ઉપાડની સાપ્તાહિક મર્યાદા અગાઉના રૂ.20,000થી વધારી રૂ.24,000 કરવામાં આવી છે. ઉપરાંત, ટ્રાન્ઝેક્શન દીઠ રૂ.10,000ની ઉપાડ મર્યાદા રદ કરવામાં આવી છે.દાસે વધુમાં જણાવ્યું હતું કે, રૂ.500 અને રૂ.1,000ની જૂની સિરીઝની નોટ એક્સ્ચેન્જ કરવાની મર્યાદા હાલના રૂ.4,000થી વધારી રૂ.4,500 કરવામાં આવી છે. જેનો હેતુ લોકોને નાના ચલણની નોટ સરળતાથી ઉપલબ્ધ બનાવવાનો છે.

દાસે જણાવ્યું હતું કે, સરકારે 1.2 લાખ બેન્કિંગ કોરસપોન્ડન્ટ્સ (BCs)ની કેશ હોલ્ડિંગ મર્યાદા વધારીને રૂ.50,000 કરી છે અને બેન્કોને જે તે કેસના આધારે મર્યાદા વધુ વધારવાની મંજૂરી આપવામાં આવી છે.

ઉપરાંત, BCsને અગાઉ દિવસમાં એક વખત રોકડ આપવામાં આવતી હતી, જે મર્યાદા વધારી એકથી વધુ વખત કરવામાં આવી છે. પોસ્ટ ઓફિસની 1.3 લાખ શાખાને રોકડનો પુરવઠો વધારવામાં આવશે. જેથી લોકોને ચલણી નોટ સરળતાથી મળી શકે. આ સાથે મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોનાં કુલ 2.5 લાખ રોકડ આપતાં કેન્દ્રો જનતાને વધુ પ્રમાણમાં રોકડ આપી શકશે.

દાસે જણાવ્યું હતું કે, રિઝર્વ બેન્કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને નેશનલ ફાઇનાન્શિયલ સ્વિચ દ્વારા થતાં તમામ ટ્રાન્ઝેક્શન પર તેના ટ્રાન્ઝેક્શન ચાર્જિસ દૂર કરવા જણાવ્યું છે, સુવિધા 31 ડિસેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે.તેમણે કહ્યું હતું કે, બેન્કોમાં વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે અલગ લાઇન રાખવાનો નિર્દેશ આપ્યો છે.

સરકારે 500 અને 1,000 રૂપિયાની કરન્સી નોટ પાછી ખેંચી લીધી તેને પગલે ગેરકાયદેસર રીતે આ નોટ વટાવીને કરચોરી કરનારા અને કમાણી કરનારા વ્યાપારીઓ પર આવકવેરા વિભાગે ગુરુવારે દરોડા પાડ્યા હતા. દિલ્હી, મુંબઈ અને અન્ય અનેક શહેરોમાં આઇ-ટી વિભાગે સપાટો બોલાવ્યો હતો. ગુરુવારે મોડી સાંજે અનેક પેમેન્ટ કાઉન્ટર પર અધિકારીઓએ મોટા પાયે કેશ કબજે કરી હતી.

કેન્દ્રીય મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ આવકવેરાના આ પગલાને આવકવેરા કાયદા હેઠળ સરવે તરીકે ગણાવ્યું છે. અધિકારીઓએ કહ્યું હતું કે દિલ્હીમાં કારોલબાગ, દરિબા કલાન અને ચાંદની ચોક સહિત ચાર સ્થળે આવકવેરા અધિકારીઓ ત્રાટક્યા હતા. આ ઉપરાંત મુંબઈમાં ત્રણ સ્થળે અને ચંડીગઢ તથા લુધિયાણામાં પણ તેમણે ઓપરેશન હાથ ધર્યું હતું. દક્ષિણ ભારતનાં બે શહેરોમાં પણ દરોડા પાડવામાં આવ્યા હોવાના અહેવાલ છે.

આવકવેરા વિભાગને નક્કર માહિતી મળી હતી કે કેટલાક વેપારીઓ, જ્વેલર્સ, કરન્સી એક્સ્ચેન્જની કામગીરી કરતા લોકો અને હવાલા ડીલર્સ સરકારના નિર્ણયનો ગેરલાભ લઈને ઓછા દરે 500 અને 1,000ની નોટોનો ગેરકાયદે વહીવટ કરી રહ્યા છે, જેને પગલે ઓપરેશન હાથ ધરાયું હતું.

કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (સીબીડીટી)ના ચેરમેન સુશીલ ચંદ્રએ બુધવારે જ તમામ ઇન્વેસ્ટિગેશન યુનિટ્સને આવી જંગી કેશની શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા આદેશ કરી દીધો હતો, જેને પગલે ગુરુવારે અધિકારીઓ ત્રાટક્યા હતા. 100થી વધુ ટેક્સ અધિકારીઓ પોલીસ અધિકારીઓની મદદથી વિવિધ સ્થળે ત્રાટક્યા હતા.

કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ લોકોને ખાતરી આપી છે કે ઓછી માત્રામાં નોટો બદલનારા સામાન્ય લોકોને આવકવેરા વિભાગ હેરાન નહીં કરે, પરંતુ જંગી માત્રામાં નોટો બદલીને બેનામી સંપત્તિ જમા કરાવનારાઓએ ટેક્સના કાયદા મુજબ પરિણામ ભોગવવાં પડશે.

ટોચના અધિકારીઓએ કહ્યું હતું કે સરકારે તેમને સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે કરચોરી અને કાળાં નાણાંના મામલે કડકાઈથી જ કામ લેવાનું છે. ખાસ કરીને સરકારે કાળું નાણું જાહેર કરવા માટે બે યોજનાઓ જાહેર કરીને બે તક આપ્યા પછી પણ જેમણે કાળું નાણું જાહેર નથી કર્યું તેવા લોકો સામે આકરાં પગલાં લેવા કહ્યું છે.

ટ્રમ્પના વિજય અને કાળા નાણાં પરની સર્જિકલ સ્ટ્રાઈકના બેવડા ઘા પચાવીને ગુરુવારે વૈશ્વિક રાહે શેરબજારમાં તેજી તરફી ચાલ જોવા મળી હતી. આજે બપોરે 12 વાગ્યે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 451.94 પોઈન્ટ વધીને 27,704.47 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 156.05 પોઈન્ટના ઉછાળા સાથે 8,588.05 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 2.29 ટકા અને 2.67 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે બપોરે મેટલ, રિયલ્ટી, બેન્ક, ટેલિકોમ અને ફાર્મા સહિતના તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

અમેરિકન પ્રમુખપદની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ વિજેતા બનશે કે હિલેરી ક્લિન્ટન તે અંગે સટ્ટાબજારમાં જોરદાર દાવ ખેલાઈ રહ્યા છે. યુએસના લેટેસ્ટ પોલ પ્રમાણે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ટ્રમ્પ અને ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી વચ્ચેનો ગાળો સાંકડો થઈ રહ્યો છે.

તેના કારણે મંગળવારે મુંબઈ અને દિલ્હીના સટ્ટાબજારમાં પણ સમીકરણ બદલાઈ ગયા હતા. ગયા સપ્તાહ સુધી ટ્રમ્પના વિજય પર એક રૂપિયાના દાવ સામે પાંચ રૂપિયાનો ભાવ ચાલતો હતો જ્યારે મંગળવારે આ દર ઘટીને માત્ર અઢી રૂપિયા થઈ ગયો હતો.

બુકીઓએ જણાવ્યું કે યુએસ પ્રમુખપદની ચૂંટણી માટે મુંબઈ અને દિલ્હીમાં અત્યાર સુધીમાં રૂ.૫૦૦ કરોડથી વધારે રકમનો જુગાર ખેલવામાં આવ્યો છે. બુકીઓએ આપેલી માહિતી પ્રમાણે તેઓ આંતરરાષ્ટ્રીય બેટિંગ સાઇટ્સ Betfair.com અને PaddyPower.com પરથી યુએસની ચૂંટણીના ભાવ મેળવે છે.

ટેલિકોમ ક્ષેત્રે 2G, 3G અને 4G ટેકનોલોજીમાં વિશ્વની સાથે તાલ મિલાવ્યા પછી ભારત સરકાર 5G અપનાવવામાં પણ વહેલાસર પગલાં લેવા માંગે છે. 2020 સુધીમાં 5G કમર્શિયલી લોન્ચ થવાની અપેક્ષા છે.

સરકારે 5G ટેકનોલોજી પર કામ કરવા એક રિસર્ચ ટીમ રચી છે જેણે અત્યાર સુધીમાં 100 પેટન્ટ ફાઇલ કરી છે અને તેમાંથી ૧૦ પેટન્ટ મંજૂર કરવામાં આવી છે. 5G એ વાયરલેસ નેટવર્ક્સની પાંચમી પેઢીની ટેકનોલોજી છે જે એન્ડ યુઝર્સને અનેકગણી ઇન્ટરનેટ સ્પીડ ઓફર કરશે. તેની મદદથી ડ્રાઇવર રહીત કાર અને ઘરગથ્થુ એપ્લાયન્સિસ જેવા અબજો ડિવાઇસને કનેક્ટ કરી શકાશે જે નજીકના ભવિષ્યમાં ઇન્ટરનેટ દ્વારા સંચાલિત થશે.

રિસર્ચ પ્રોજેક્ટ ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો અને સપ્ટેમ્બર 2015માં તેને મંજૂરી મળી હતી. તેના માટે રૂ.36.51 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

રિસર્ચ ટીમ સંયુક્ત રીતે સિમ્યુલેટર્સ અને ટેકનોલોજી પ્રોટોટાઇપ્સ પણ વિકસાવશે. આ પ્રોજેક્ટમાં વિકસાવાયેલ આઇપી 5G સ્ટાન્ડર્ડાઇઝેશન માટે ફાળવાશે તેમ આઇટી મંત્રી રવિશંકર પ્રસાદે સંસદમાં જણાવ્યું હતું. અધિકારીઓએ કહ્યું કે વિશ્વભરમાં ચીન, યુકે અને અન્ય દેશો ફાઇવજીમાં ભારે રોકાણ કરી રહી છે. આપણે પણ તેમાં પાછળ રહી ન શકીએ.

ઇક્વિટી માર્કેટમાં ઓક્ટોબર મહિનાની શરૂઆત પ્રમાણમાં સ્થિર જોવા મળી છે. પીઓકેમાં ભારતીય લશ્કરની સર્જિકલ સ્ટ્રાઇક્સ પછીની છ સેશનમાંથી સેન્સેક્સ ત્રણમાં વધ્યો છે અને ત્રણમાં ઘટ્યો છે.

સામાન્ય રીતે ઊંચી વોલેટિલિટી દર્શાવતા તેમજ નેગેટિવ રિટર્ન દર્શાવતો ઓક્ટોબર હજુ શરૂ થયો છે ત્યારે આગામી ટ્રેડિંગ સત્રો કેવાં રહેશે તેને લઈને ટ્રેડર્સને ચિંતા સતાવતી રહેશે. છેલ્લાં બે ટ્રેડિંગ સત્રો દરમિયાન સ્થાનિક બજાર ફરી એકવાર નેગેટિવ બંધ દર્શાવી રહ્યું છે અને તેથી આ ચિંતા ગેરવાજબી નથી.

ઐતિહાસિક ડેટા પર નજર નાખીએ તો 1990થી 2015 સુધીના 26 કેલેન્ડર વર્ષ દરમિયાન 17માં ઓક્ટોબર મહિનાએ નેગેટિવ રિટર્ન દર્શાવ્યું છે. માત્ર 9માં પોઝિટિવ રિટર્ન મળ્યું છે. તમામ 26 ઓક્ટોબરમાં સરેરાશ વળતર ગણીએ તો પણ (-)1.56 ટકાનું નેગેટિવ રિટર્ન જ જોવા મળ્યું છે. આમ ઓક્ટોબર ટ્રેડર્સ માટે ઊંચા જોખમવાળો મહિનો છે તે નિર્વિવાદ છે. કેલેન્ડર 1992થી 2000 સુધીના 9 વર્ષના તમામ ઓક્ટોબરમાં માર્કેટે નેગેટિવ રિટર્ન દર્શાવ્યાં હતાં. એટલે કે અભ્યાસમાં આવરી લીધેલા કુલ 26માંના શરૂઆતના 11 કેલેન્ડરમાંના 10 દરમિયાન તો ઓક્ટોબર મોટી બહુમતી સાથે નેગેટિવ જ રહ્યો હતો. જ્યારે કેલેન્ડર 2000 બાદ તેના દેખાવમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. એટલે કે 2000થી 2015ના 15 કિસ્સામાં 8માં નેગેટિવ રિટર્ન અને 7માં પોઝિટિવ રિટર્ન મળ્યું હતું.


ઓક્ટોબર દરમિયાન બજારમાં માસિક ધોરણે સૌથી ખરાબ કહી શકાય એવો દેખાવ પણ જોવા મળ્યો છે. જેમ કે કેલેન્ડર 2008માં ઓક્ટોબરમાં બેન્ચમાર્કમાં 24 ટકાનો ઘટાડો અને ઓક્ટોબર 1992માં 14 ટકાનો ઘટાડો થયો હતો.

ઋણ લેનારાઓને કદાચ ટૂંક સમયમાં જ નીચા વ્યાજદર ધરાવતી લોન ઉપલબ્ધ થશે. નવી રચાયેલી મોનેટરી પોલિસી કમિટીનું પીઠબળ ધરાવતી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા મંગળવારે તેની દ્વિમાસિક ક્રેડિટ પોલિસીની જાહેરાત કરશે જેમાં વ્યાજના દરમાં કાપની આશા છે.બજારમાં ભાગ લેનારાઓમાથી મોટા ભાગના નિષ્ણાતો (14) અપેક્ષા રાખે છે કે સેન્ટ્રલ બેન્ક પોલિસી રેટમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરશે. 18 બેન્ક-નાણા સંસ્થાઓમાં હાથ ધરવામાં આવેલા ઇટી પોલમાં આમ જોવાયું હતું.

એક્સિસ બેન્કના ચીફ ઇકોનોમિસ્ટ સૌગાતા ભટ્ટાચાર્યાએ જણાવ્યું હતું કે કિંમતની સ્થિરતા માટે તેમાં માળખાગત પરિબળો છે જેઓ વ્યાજના દરમાં કાપ માટે પ્રેરિત કરે છે. એક સામાન્ય ચોમાસુ કિંમતોને સ્થિર કરે તેવું દેખાય છે ત્યારે નીચી ક્રેડિટ માંગ સાથે મૂડીખર્ચ હજુ પણ નબળા જળવાઈ રહેશે.

તેમણે જણાવ્યું હતું કે, વાસ્તવમાં ફુગાવામાં વધારાનું જોખમ છે. પછી તે રાજ્યો દ્વારા સાતમા પગાર પંચની ચુકવણીના કારણે હોય કે પછી વૈશ્વિક કોમોડિટી કિંમતમાં ધીમા વધારાના કારણે હોય પરંતુ ફુગાવાના છ ટકાના ઉપરના લક્ષ્યાંકથી આગળ લઈ જવાની શક્યતા જણાતી નથી.

વ્યાજના દરમાં ઘટાડો કરવા માટે મધ્યસ્થ બેન્ક માટે ચાવીરૂપ ટ્રિગર ગણાતો રિટેલ ફુગાવો ઓગસ્ટમાં 5.05 ટકા હતો જે છ મહિનાની નીચી સપાટી હતી. એક મહિના અગાઉ ભારતે આગામી પાંચ વર્ષમાં ચાર ટકાના ફુગાવાનો લક્ષ્યાંક મૂક્યો છે. 31 માર્ચ 2021 સુધીમાં આરબીઆઇ માટે કન્ઝ્યુમર ફુગાવાનો લક્ષ્યાંક ઉપરમાં છ ટકા તથા નીચામાં બે ટકા રાખવામાં આવ્યો છે.

આરબીઆઇ બોન્ડની ખરીદી મારફત ઓપન માર્કેટ ઓપરેશન્સ હાથ ધરી રહી છે. આ એક એવું પગલું છે જે બેન્કિંગ સિસ્ટમમાં રોકડ ઉમેરે છે જે હવે લાંબા ગાળાની ખાધ બાદ સરપ્લસમાં રૂપાંતરિત થયું છે.

પેપ્સિકોએ ભારતની વન ડે ટીમના તથા ટ્વેન્ટી20 ક્રિકેટ ટીમના કેપ્ટન એમએસ ધોની સાથેના તેના 11 વર્ષ જૂના કોન્ટ્રાક્ટનો અંત કર્યો હતો કે જે નિર્દેશ કરે છે કે જાહેરાતકારો સાથેના આ ધમાકેદાર ક્રિકેટરના સંબંધો કદાચ ધીમા પડી રહ્યા છે.

35 વર્ષના ક્રિકેટર કે જે સતત આગળ વધીને ભારતના સૌથી સફળ કપ્તાનોમાંનો એક બન્યો છે તે પેપ્સી કોલા તથા લેય્ઝ ચિપ એમ બન્ને માટે જાહેરાત કરે છે. તેનો પેપ્સિકો સાથેનો સંબંધ 2005થી ચાલી રહ્યો છે.નિષ્ણાતો જણાવે છે કે, યુવાનીનો ઉત્સાહ ધરાવતો કોહલી એક આઈકોન તરીકે ઊભરી રહ્યો છે ત્યારથી જાહેરાત આપનારાઓ સાથેના ધોનીના સંબંધો કદાચ ઢીલા પડી રહ્યા છે, અને કહેવાય છે કે ધોની રોજના 1.5 કરોડ વસૂલ કરે છે તેની સામે હાલમાં કોહલી રોજના રૂ.બે કરોડ વસૂલ કરે છે. વાર્ષિક કરારના સંદર્ભમાં જોઈએ તો ધોની રૂ.8 કરોડની માંગણી કરે છે તેને સ્વીકારનારા કદાચ વધારે મળતા નથી, તેમ નિષ્ણાતો કહે છે.


એન્ટરટેઇનમેન્ટ માર્કેટિંગ કંપની પર્સેપ્ટના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર શૈલેન્દ્ર સિંઘે જણાવ્યું હતું કે, પેપ્સી જેવી બ્રાન્ડ્સ વાઇબ્રન્ટ તથા યુથફુલ છે. યુથફુલ બ્રાન્ડ્સ સાથેના જાહેરાતકારો હવે ધોનીનો સૂર્ય અસ્ત થવા તરફ છે ત્યારે વિરાટ જેવા યુવાનો સાથે કામ કરવા આતુર છે.

ટાટા અને ડોકોમો વચ્ચે 1.2 અબજ ડોલરની ચુકવણીના વિવાદમાં બંને કંપનીઓના અધિકારીઓ ચાલુ સપ્તાહે બેઠક યોજશે. આ મુદ્દે કાનૂની ગૂંચવણ ઉકેલવા ટાટા અને એનટીટીટી ડોકોમોના ટોચના મેનેજમેન્ટ વચ્ચે બેઠક મળવાની છે તેમ સૂત્રોએ કહ્યું હતું.

એક વ્યક્તિના જણાવ્યા પ્રમાણે ગુરુવારે મુંબઈમાં જ બેઠક યોજાઈ હોય તે શક્ય છે, પરંતુ તેની ચકાસણી થઈ શકી ન હતી. ટાટાએ ડોકોમોને જે રકમ ચૂકવવાની છે તેનો રસ્તો કાઢવા માટે વાતચીત થશે. ડોકોમોએ ટાટા સન્સ સામે 3 જાન્યુઆરી 2015ના રોજ આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન કાર્યવાહી કરી હતી.

યુકેના ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે જગુઆર લેન્ડ રોવર અથવા ટાટા સ્ટીલ જેવી એસેટ્સ એટેચ કરી શકાય છે, જોકે આ કામ બહુ મુશ્કેલ હશે તેવું બને પક્ષ કબૂલે છે કારણ કે તે અલગ લિસ્ટેડ કંપનીઓનો હિસ્સો છે. જાપાનની નિક્કીએ કહ્યું કે ડોકોમો યુએસની કોર્ટને ટાટાની એસેટ્સ જપ્ત કરવા જણાવી શકે છે.

ત્રણ સભ્યોની આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન પેનલે કોન્ટ્રાક્ટની શરતોના ભંગ બદલ ડોકોમોને 1.7 અબજ ડોલર ચૂકવવા ટાટાને આદેશ આપ્યો હતો. આ વિશે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે ટાટા સન્સના પ્રવક્તાએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો