સિટીગ્રૂપ, CLSA, મોર્ગન સ્ટેન્લી અને BofA-ML જેવી વૈશ્વિક બ્રોકરેજ કંપનીઓએ નિફ્ટી-50માં સામેલ કેટલાક સ્ટોક્સ માટે 'બાય' અથવા તો 'ઇક્વલ વેઇટ' રેટિંગ જાળવી રાખ્યા છે અને તેમાં એક વર્ષમાં 20 ટકા સુધીનું વળતર મળવાનો લક્ષ્યાંક આપ્યો છે.

નિફ્ટી50 ઇન્ડેક્સ 7,927થી 8,728 સુધીની સફરમાં 800 પોઇન્ટ્સ જેટલો વધ્યો છે અને છેલ્લાં સતત સાત સપ્તાહમાં હાયર લો બનાવી છે, જે મોમેન્ટમ મજબૂત હોવાના સંકેત આપે છે. જોકે, ગયા સપ્તાહે, આ ઇન્ડેક્સમાં 188 પોઇન્ટ્સનું કરેક્શન આવ્યું હતું પરંતુ પ્રોફિટ બુકિંગથી સર્જાયેલી આ ઘટાડાની ચાલ થંભી ગઈ છે અને તેણે 8,700 તરફ આગેકૂચ શરૂ કરી દીધી હોવાનું નિષ્ણાતો જણાવે છે.

આનંદ રાઠીના ડેરિવેટિવ અને ટેક્‌નિકલ એનાલિસ્ટ ચંદન તાપરિયા કહે છે કે, નિફ્ટીએ પહેલાં 8,844 અને પછી 9,000ના લેવલ્સ તરફ આગેકૂચ કરવા માટે 8,700-8,720ના લેવલને વટાવીને ત્યાં ટકી રહેવું જરૂરી છે. જ્યાં સુધી તે 8,550થી ઉપરનું લેવલ જાળવશે ત્યાં સુધી એકંદરે પોઝિટિવ ટોન જળવાઈ રહેશે પરંતુ એક વખત તે 8,700-8,720થી ઉપરના ઝોનમાં પ્રવેશીને ટકશે તો નવી આગેકૂચનું બળ મળશે. ટોચની વૈશ્વિક બ્રોકરેજિસે નિફ્ટી-50ના આ સ્ટોક્સ માટે કરેલી ભલામણ નીચે મુજબ છે:


1)હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ

હિન્દાલ્કોએ જૂન ક્વાર્ટરનાં પરિણામ જાહેર કર્યાં ત્યારથી સિટીગ્રૂપે તેના માટે 'બાય' રેટિંગ જાળવ્યું છે અને ટાર્ગેટ ભાવ પણ અગાઉના રૂ.120થી સુધારીને રૂ.170 કર્યો છે. આ વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ બેન્કે ઊંચા ભાવ અને નીચા ખર્ચને ધ્યાનમાં રાખીને હિન્દાલ્કોના કોન્સોલિડેટેડ Ebitdaમાં FY17 માટે 14 ટકા અને FY18 માટે 12 ટકાનો વધારો કર્યો છે.

હિન્દાલ્કોનો શેર સપ્ટેમ્બર 2017 EV/Ebitdaના 6.5 ગણાએ ટ્રેડ થઈ રહ્યો છે જ્યારે વૈશ્વિક હરીફો 5-10 ગણાએ ટ્રેડ થાય છે. આગળ જતાં ક્ષમતા વધવાથી તેના શેરના ટાર્ગેટ ભાવમાં વધારો પણ થઈ શકે છે.

2)બેન્ક ઓફ બરોડા

CLSAએ જૂન ક્વાર્ટરના પરિણામ બાદ આ બેન્ક માટેનું 'આઉટપર્ફોર્મ' રેટિંગ સુધારીને 'બાય' કર્યું છે તેમજ ટાર્ગેટ ભાવ પણ રૂ.170થી વધારીને રૂ.175 કર્યો છે. CLSAએ લખ્યું છે કે, બેન્ક ઓફ બરોડાનું નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (NIM) સુધરવાનો અવકાશ છે. નીચો NPL રેશિયો તથા કેપિટલાઇઝેશનની સારી સ્થિતિને જોતાં અન્ય PSU બેન્કોમાં BoBની પોઝિશન મજબૂત હોવાનું CLSAનું માનવું છે.

3)સન ફાર્મા

જૂન ક્વાર્ટરનાં પરિણામ બાદ સન ફાર્મા માટે મોર્ગન સ્ટેન્લીએ 'ઇક્વલ વેઇટ' રેટિંગ જાળવ્યું છે પરંતુ 12 મહિનાનો ટાર્ગેટ ભાવ અગાઉના રૂ.805થી વધારીને રૂ.846 કર્યો છે. બે વર્ષના ફોરવર્ડ EPSને જોતાં આ ભાવ હાંસલ થવો વાજબી હોવાનું વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ બેન્કનું માનવું છે. રેનબેક્સીથી સન ફાર્માને 30 કરોડ ડોલરનો ફાયદો મળશે. આ શેર આગામી 12 મહિના માટે રૂ.750-850ની રેન્જમાં મૂવમેન્ટ કરશે.

4)સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા

જૂન ક્વાર્ટરના પરિણામ બાદ SBI માટે BofA-MLએ 'બાય' રેટિંગ જાળવી રાખ્યું છે પરંતુ એક વર્ષનો ટાર્ગેટ ભાવ રૂ.265થી વધારીને રૂ.300 કર્યો છે. એસેટ ક્વોલિટીમાં તીવ્ર સુધારો થવાથી અને કૃષિ, રિટેલ, કોર્પોરેટ, SME સહિતના તમામ સેગમેન્ટ્સમાં સ્લિપેજિસમાં નોંધપાત્ર ઘટાડો થવાથી વૈશ્વિક ઇન્વેસ્ટમેન્ટ બેન્કે 2017-18 સુધી અર્નિંગ્સ ગ્રોથ માટે 43 ટકા સુધીનો અંદાજ બાંધ્યો છે.
 
 

બેન્ક ઓફ ઇંગ્લેન્ડ (BoE)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ના સભ્યોએ આશ્ચર્યજનક રીતે નાણાનીતિને યથાવત્ રાખવાનો બહુમતી સાથે નિર્ણય કર્યો છે. નાણાનીતિને યથાવત્ રાખવા આઠ સભ્યોએ મતદાન કર્યું હતું અને માત્ર એક સભ્યએ તેની વિરુદ્ધમાં મત આપ્યો હતો. તેનાથી બ્રિટનમાં સત્તાવાર પોલિસી રેટ ૦.૫ ટકાએ સ્થિર રહ્યા છે. 

બેંક ઓફ ઇંગ્લેન્ડના ગર્ટજેન લીગે એકમાત્ર એક સભ્ય હતા કે જેમને વ્યાજદરમાં 25 બેસિસ પોઇન્ટ્સનો ઘટાડો કરવાની તરફેણ કરી હતી. મોનેટરી પોલિસી કમિટીના તમામ સભ્યો (9-0)એ 375 અબજ પાઉન્ડની એસેટ પર્ચેઝ યોજનાને યથાવત્ રાખવાની તરફેણ કરી હતી. જોકે બેઠકની કાર્યનોંધમાં સંકેત મળે છે કે મોટા ભાગના સભ્યો ઓગસ્ટમાં એસેટ પર્ચેઝમાં વધારો કરવા માટે સંમત છે. 

ડિફોલ્ટના કિસ્સામાં પ્રમોટર્સની પર્સનલ ગેરંટીનો ઉપયોગ કરવાની નીતિથી ઉદ્યોગસાહસિકતાને મોટો ફટકો પડશે એવી ચેતવણી બેન્કર્સે આપી છે. નાણામંત્રાલયે NPAની સમીક્ષા માટે રચેલી સમિતિની બેઠકમાં બેન્ક એક્ઝિક્યુટિવ્સે આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.

સમિતિમાં એક્સિસ બેન્કનાં એમડી શિખા શર્મા, RBIના નવા ડેપ્યુટી ગવર્નર N S વિશ્વનાથન્, યુનિયન બેન્કના ચેરમેન અરુણ તિવારી અને નાણામંત્રાલયના અધિકારીઓનો સમાવેશ થાય છે. બેન્કો વિજય માલ્યાનું ઉદાહરણ ટાંકી પ્રમોટર્સ પાસેથી કડક ઉઘરાણી કરી રહી છે. માલ્યા બેન્કોનું રૂ.9,000 કરોડથી વધુનું ઋણ બાકી રાખી વિદેશ ભાગી ગયા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, "આપણે દરેક કેસમાં પર્સનલ ગેરંટી માંગીશું તો ઉદ્યોગસાહસિકો જોખમ લેવાનું પસંદ નહીં કરે. તે દેશના બિઝનેસ માહોલ પર ગંભીર અસર કરશે."


સમિતિએ અત્યાર સુધીમાં ત્રણ બેઠક કરી છે. અગાઉ ચાલુ વર્ષે નાણામંત્રાલયે બેન્કો માટે નિર્દેશ જારી કરી લોન ચૂકવવા ડિફોલ્ટ બેન્કોની પર્સનલ ગેરંટીનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. સર્ક્યુલરમાં જણાવ્યા અનુસાર "કંપનીઓનું ધિરાણ મંજૂર કરતી વખતે પ્રમોટર ડિરેક્ટર્સ પાસેથી પર્સનલ ગેરંટી મેળવવાની પ્રક્રિયા સામાન્ય છે."

ભારતની બેન્કો બેડ લોનના ઉકેલની દિશામાં મહત્ત્વનું પગલું ભરવાની તૈયારી કરી રહી છે. સ્થાનિક બેન્કો અટવાયેલા રોકાણને છૂટું કરવા બે સ્પેશિયલ ફંડ્સની રચના કરવાની યોજના ધરાવે છે. જેમાં ઇક્વિટી કે ડેટ ફંડ્સ દ્વારા રોકાણ કરાશે. પ્રસ્તાવિત બે ફંડનાં નામ સ્ટ્રેસ્ડ એસેટ્સ ઇક્વિટી ફંડ અને સ્ટ્રેસ્ડ એસેટ્સ લેન્ડિંગ ફંડ રહેશે.

સરકારના એક વરિષ્ઠ અધિકારીએ વાતને સમર્થન આપ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર બેન્કો, નાણામંત્રાલય અને રિઝર્વ બેન્ક વચ્ચે વાટાઘાટ ચાલુ છે. ઇન્ડિયન બેન્ક્સ એસોસિયેશન ફંડ્સની રચના માટેની વિગતો તૈયાર કરી રહ્યું છે.રૂ.500 કરોડથી વધુનું ધિરાણ મેળવનારા અને કોમર્શિયલ કામગીરી શરૂ કરી દેનારા પ્રોજેક્ટ્સને કેટલીક શરતોને આધીન નવી સ્કીમનો લાભ મળશે. ઇન્ડિયન બેન્ક્સ એસોસિયેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, "રૂ.500 કરોડનું ધિરાણ મેળવનાર અને બેમાંથી કોઈ એક ફંડ હેઠળ રિફાઇનાન્સની પાત્રતા ધરાવતા પ્રોજેક્ટનો કેસ આખરી નિર્ણય પહેલાં ઓવરસાઇટ કમિટીને સોંપવામાં આવશે.


આ પગલું સમગ્ર પ્રક્રિયાને વિશ્વસનીયતા અને પારદર્શિતા આપશે." રિઝર્વ બેન્કે S4A માર્ગરેખામાં પણ જણાવ્યું હતું કે, ધિરાણકારોએ રજૂ કરેલા પ્લાન માટે ઓવરસાઇટ કમિટીની મંજૂરી જરૂરી બનશે, જે તમામ ધિરાણકારોને બંધનકર્તા રહેશે.

અમૂલ બ્રાન્ડ દૂધના ભાવમાં શનિવારથી અમલમાં આવે તે રીતે લિટરે રૂ.બેનો વધારો કરવામાં આવશે. નવા ભાવવધારા મુજબ અમૂલના વિવિધ પ્રકારના દૂધનાં 500 મિલિનાં પાઉચના ભાવમાં રૂ.1નો વધારો થયો છે. 

એટલે હવે અમૂલ ગોલ્ડ મિલ્કનું 500 મિલીનું પાઉચ રૂ.24ને બદલે રૂ.25ના ભાવે, અમૂલ શક્તિનું 500 મિલીનું પાઉચ હવે રૂ.22ને બદલે રૂ.23ના ભાવે મળશે. અમૂલ તાજાનું 500 મિલીનું પાઉચ રૂ.18ને બદલે રૂ.19ના ભાવે મળશે. અમૂલ સ્લિમ-ટ્રીમ મિલ્કનું 500 મિલીનું પાઉચ રૂ.17ને બદલે રૂ.18ના ભાવે મળશે. 

ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના મેનેજિંગ ડિરેક્ટર આર એસ સોઢીએ જણાવ્યું હતું કે છેલ્લે 2015 જૂનમાં દૂધનો ભાવ વધારવામાં આવ્યો હતો. એ પછી અત્યારે વધારાઈ રહ્યા છે. આ ભાવવધારા માટેનાં કારણો આપતાં તેમણે કહ્યું હતું કે દૂધની ઉત્પાદન કિંમતમાં 20 ટકાનો વધારો થયો છે, તેની સામે અમારો ભાવવધારો માત્ર 4 ટકા જેટલો છે. 

સ્માર્ટફોન કંપનીઓ માટે ભારત એક રણભૂમિ બની ગયું છે ત્યારે એપલના CEO ટીમ કૂકની ભારતની મુલાકાતને લઈને હરીફ કંપની સેમસંગમાં ખળભળાટ મચી ગયો છે. દક્ષિણ કોરિયામાં વડુંમથક ધરાવતી સેમસંગ દ્વારા કૂકની પ્રત્યેક હિલચાલની અને ભારત માટે ભાવિ વ્યૂહરચનાની નોંધ લેવામાં આવી રહી છે.

સેમસંગની ભારતની ટીમ રોજે રોજના રિપોર્ટ દક્ષિણ કોરિયા મોકલે છે, જેમાં કૂક કોને મળ્યા, કેવી ટિપ્પણી કરી, કોની સાથે ભાગીદારીમાં રસ છે, ભારત માટે તેઓ કેવી વ્યૂહરચના અપનાવવા વિચારી રહ્યા છે વગેરેનો સમાવેશ થાય છે એમ ઘણા પરિચિત લોકોએ અમને જણાવ્યું હતું.તાજેતરનાં સપ્તાહોમાં કૂક ઘણીવાર ભારત વિષે ટિપ્પણી કરી ચૂક્યા છે. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે, ભારતમાં હાઈ-સ્પીડ 4G સર્વિસિસ શરૂ થઈ જવાથી આઇફોનના વેચાણને જોરદાર વેગ મળશે. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં સેમસંગ ભારતના રૂ.30,000થી વધુ કિંમતના સ્માર્ટફોન માર્કેટમાં એપલ કરતાં આગળ નીકળી ગઈ હતી.

ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC) ગેસ બ્લોકનો હિસ્સો વેચવા ONGC સાથે ચર્ચામાં છે. કંપની ડીપ વોટર ફિલ્ડને સક્રિય કરવા પૂર્વ કિનારાનું ગેસ ફિલ્ડ વેચવાની યોજના ધરાવે છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે GSPCના બ્લોકમાં 2005માં ગેસ મળ્યો હોવાની જાહેરાત થઈ હતી. બ્લોકમાં કોમર્શિયલ ઉત્પાદન 2011માં શરૂ થવાનું હતું, પરંતુ ડ્રિલિંગમાં મુશ્કેલીને કારણે યોજના પાંચ વર્ષ પાછી ઠેલાઈ હતી.

ગુજરાત સરકારની માલિકીની GSPCએ બ્લોકના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એક્સ્પ્લોરેશનમાં 3.6અબજ ડોલરનું રોકાણ કર્યું છે. જોકે, હજુ સુધી ખાસ સફળતા મળી નથી. હવે કંપની ONGC સાથે નાણાકીય અને ડ્રિલિંગમાં સહાય કરવા વાટાઘાટ કરી રહી છે. GSPCના જણાવ્યા અનુસાર તે ચાલુ વર્ષે કે જી બેસિનમાં દૈનિક 7-8 કરોડ ઘન ફૂટના પ્રારંભિક આઉટપુટ સાથે કોમર્શિયલ ઉત્પાદન શરૂ કરવાની યોજના ધરાવે છે.GSPCએ કહ્યું હતું કે, "ડ્રિલિંગ પછી લગભગ ઓક્ટોબરના આખરી ભાગમાં કોમર્શિયલ ઉત્પાદન શરૂ થવાની ધારણા છે." GSPCએ ઓગસ્ટ ૨૦૧૪થી ત્રણ કૂવામાંથી પરંપરાગત પદ્ધતિ પ્રમાણે ૨૩ mcfd ગેસ કાઢ્યો છે. ચોથા કૂવામાંથી ચાલુ વીક-એન્ડમાં ફ્રેકિંગ પદ્ધતિથી ઉત્પાદન શરૂ થશે. દરેક કૂવામાંથી ઉત્પાદનનો ખર્ચ 6-7 કરોડ ડોલર થશે. GSPCને બીપી તરફથી વિના મૂલ્યે તેની ડ્રિલિંગ એક્ટિવિટીની સમીક્ષામાં મદદ મળે છે.

દેશભરના જ્વેલર્સ ભલે લાંબા સમયથી સોના પર એક્સાઈઝ ડ્યૂટી લાદવાનો વિરોધ કરી રહ્યા હોય પણ નાણા પ્રધાન અરુણ જેટલીએ ગુરુવારે સ્પષ્ટતા કરી હતી કે સરકાર સોના પર લાદવામાં આવેલી એક્સાઈઝ ડ્યૂટી પાછી નહીં ખેંચે. 


ગત માર્ચ મહિનામાં સરકારે સોના પર 1 ટકા એક્સાઈઝ ડ્યૂટી લાદવાનો નિર્ણય કર્યો હતો. લોકસભામાં એક પ્રશ્નનો ઉત્તર આપતાં તેમણે કહ્યું હતું કે સરકાર સોના પરની એક્સાઈઝ ડ્યૂટી પાછીં નહીં ખેંચે. દેશભરના જ્વેલેર્સ દ્વારા સરકારના આ નિર્ણયનો ભારે વિરોધ થઈ રહ્યો છે. સોના પર 1ટકા એક્સાઈઝને કારણે જ્વેલર્સની પડતર વધશે અને તેને કારણે સોનાના દાગીના મોંઘા થશે. આ ઉપરાંત સરકારના આ પગલાંથી જ્વેલર્સમાં માત્ર વેચાણમાં ઘટાડાનો જ નહીં પણ, ઈન્સ્પેક્ટર રાજ વધવાનો પણ ભય છે. 


આ અગાઉ યુપીએ સરકારે 2012માં સોના પર એક્સાઈઝ લાદી હતી પણ જ્વેલર્સની 22 દિવસની હડતાળ પછી એક્સાઈઝ ડ્યૂટી પાછી ખેંચી લેવામાં આવી હતી.

ગુજરાત સરકારે સવર્ણોમાં આર્થિક રીતે પછાત લોકોને 10 ટકા અનામત આપવા માટે વટહુકમ બહાર પાડ્યો છે. સરકારે બે દિવસ અગાઉ જ આ પ્રકારના અનામત માટે નિર્ણય લીધો હતો.

ગુજરાત અનરિઝર્વ્ડ ઇકોનોમિકલી વીકર સેક્શન ઓર્ડિનન્સ, 2016 રાજ્યના સ્થાપના દિવસે જાહેર કરાયો હતો. તેમાં વાર્ષિક છ લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા અને બિનઅનામત વર્ગમાં આવતા હોય તેવા આર્થિક રીતે નબળા લોકોને 10 ટકા અનામતનો લાભ મળશે. આ વટહુકમમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આર્થિક રીતે નબળા વર્ગ (ઇડબલ્યુએસ) ને મળતું અનામત એ એસસી, એસટી અને એસઇબીસીને મળતા અનામતની નીતિથી અલગ છે.

વટહુકમમાં જણાવાયું હતું કે, "સમાજના બિનઅનામત વર્ગના આર્થિક રીતે નબળા લોકો આર્થિક રીતે સદ્ધર સમુદાય સાથે હરીફાઇ કરવામાં મુશ્કેલી અનુભવે છે. તેથી શૈક્ષણિક સંસ્થાઓમાં અને સરકારી નોકરીઓમાં તેમને પ્રતિનિધિત્વની બાબતમાં નુકસાન થતું હતું."

ગયા શુક્રવારે ભાજપના કોર જૂથની બેઠક મળી હતી જેમાં સવર્ણોમાં આર્થિક રીતે નબળા લોકોને 10 ટકા અનામત આપવા નિર્ણય લેવાયો હતો. ભાજપના પ્રમુખ અમિત શાહે તેમાં હાજરી આપી હતી.ગુજરાતમાં પાટીદારોના અનામત આંદોલનના કારણે ભાજપે સ્થાનિક ચૂંટણીઓમાં નુકસાન સહન કરવું પડતા સમાધાનનો માર્ગ અપનાવાયો છે.

દેશનાં 75 પ્રાદેશિક એરપોર્ટ્સને પુનર્જીવિત કરવા તથા વિકસાવવા માટે સરકાર આ નાણાકીય વર્ષમાં રૂ.6,000 કરોડનું રોકાણ કરવાની દરખાસ્ત પર વિચારણા કરી રહી છે. આ સેક્ટરમાં અત્યાર સુધી ઘણી ઓછી પ્રવૃત્તિ જોવા મળી પરંતુ હવે તેમાં ઝડપ આવશે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલય ટૂંક સમયમાં નાણામંત્રાલયને એક અનૌપચારિક દરખાસ્ત મોકલશે. બન્ને મંત્રાલયો વચ્ચે તાજેતરની એક બેઠકમાં આ બાબતે ચર્ચા થઈ ચૂકી છે, તેમ ઉડ્ડયન મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે અધિકારીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટનો અમલ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવશે.

પાછલા વર્ષના અંતમાં જેની જાહેરાત કરવામાં આવી હતી તે એવિએશન નીતિના મુસદ્દામાં દર્શાવવામાં આવેલી યોજનાની રૂપરેખા અનુસાર આ દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. સરકાર ઇચ્છે છે કે પ્રાદેશિક ઉડ્ડયનોમાં ભાડાના દર ફિક્સ હોય તથા એક કલાકની મુસાફરી માટેનાં ઉડ્ડયન ભાડાં વધુમાં વધુ રૂ.2,500 હોવાં જોઈએ જેથી વધુ ને વધુ લોકો આ પ્રવાસ માટે આકર્ષિત થાય.

બાકીનો ખર્ચ વાયેબિલિટી ગેપ ફંડ મારફત એકત્ર કરી શકાય. નેશનલ સિવિલ એવિએશન પોલિસી 2016ને આ સપ્તાહે કેન્દ્રીય કેબિનેટ મારફત મંજૂરી માટે હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.