સમાજને મહત્તમ લાભ મળે તે હેતુ માટે ઇનોવેશન, ઊચ્ચ શિક્ષણ અને ઉદ્યોગો વચ્ચે સંવાદ સધાય અને તેમનું મજબૂત જોડાણ સ્થપાય તે આવશ્યક છે 

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ખાતે એક એવોર્ડ વિતરણ સમારંભમાં જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ઇનોવેશન આર્થિક પ્રગતિની ચાવી છે અને વધતી જતી જરૂરિયાતો અને પડકારો સામે તે સમાજની પરિપક્વતા દર્શાવે છે. 

નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન (એનઆઇએફ) દ્વારા આયોજિત ડો. એપીજે અબ્દુલ કલામ ઇગ્નાઇટ એવોર્ડ્સ 2015માં 31 આઇડિયા અને ઇનોવેશન માટે ધોરણ 12 સુધીના બાળકોને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા. ભારતના વિવિધ રાજ્યોના વિજેતા બાળકો, શિક્ષણશાસ્ત્રીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, "ગ્રાસરૂટ લેવલ પર કે ઊચ્ચ શિક્ષણસંસ્થાઓમાં થતા કોઇપણ ઇનોવેશનને તેના વ્યાપારીકરણ માટે ઉદ્યોગ-જગત સાથે જોડવું અનિવાર્ય છે. આ માટે મેં 114 સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂશન્સની મુલાકાત દરમિયાન હંમેશા શિક્ષણ-ઉદ્યોગના ઘનિષ્ઠ જોડાણનો આગ્રહ રાખ્યો છે. 

ઇનોવેશનને બજારમાં લાવવાનો આ સરળ માર્ગ છે. આ શક્ય બને તે માટે હું ઊચ્ચ શિક્ષણ સંસ્થાઓને ભારત અને ભારતની બહાર શિક્ષણ સંસ્થાઓ તથા ઉદ્યોગો સાથે જોડાણ કરવાની સલાહ આપું છું, જેથી ઇનોવેશન અને સંશોધનને પ્રાત્સાહન આપતી ઇકોસિસ્ટમ વિકસાવી શકાય. તાજેતરમાં રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલી વિઝિટર્સ કોન્ફરન્સમાં શિક્ષણ સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચે ૪૩ એમઓયુ થયા હતા. હું અપેક્ષા રાખું છું કે આ પ્રકારના ઉદ્યોગ-શિક્ષણના જોડાણના પગલે શેક્ષણિક સંસ્થાઓ ઉદ્યોગો અને સમાજની જરૂરિયાતોને સમજીને તે દિશામાં કાર્ય કરી શકશે."

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર અને સમાજ માટે ઇનોવેશનના મહત્ત્વને ધ્યાનમાં લઇને રાષ્ટ્રપતિ ભવન ખાતે ફેસ્ટિવલ ઓફ ઇનોવેશન્સનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. 

ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા સ્થાપવામાં આવેલા એનઆઇએફ પાસે હાલમાં દેશના 575 જિલ્લામાંથી આવેલા ૨.૨૫ લાખ ટેક્નોલોજીકલ આઇડિયા, ઇનોવેશન અને પરંપરાગત પ્રેક્ટિસનો ડેટાબેઝ છે. 
ફાઉન્ડેશને અત્યાર સુધીમાં ઇનોવેટર્સ માટે 775 પેટન્ટ ફાઇલ કરી છે જે પૈકી ભારતમાં 38 અને અમેરિકામાં પાંચ પેટન્ટ આપવામાં આવી છે. ઇગ્નાઇટ એવોર્ડ સ્પર્ધા માટે દેશભરમાંથી 28,000થી વધુ બાળકોએ પોતાના ઇનોવેશન મોકલ્યાં હતા. 

મૂડીરોકાણ માટેની નબળી માગ તથા વારંવાર દુષ્કાળના લીધે દેશના લાખો ખેડૂતોની આવકમાં ઘટાડો થવાથી ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતમાં સોનાની ખરીદી આઠ વર્ષના સૌથી નીચા સ્તરે સરી પડવાની શક્યતા છે.

આની અસર સોનાની આયાત પર પણ પડી શકે છે. દરમિયાન, ઓલ ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડ ફેડરેશનના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક ભાવમાં તીવ્ર ઘટાડાને પગલે 2015માં ભારતની સોનાની આયાત 1,000 ટનના ઓલ ટાઇમ હાઈ પર પહોંચે તેવી સંભાવના છે. વિશ્વના બીજા મોટા ગ્રાહક ભારતે 2014માં 900 ટન સોનાની આયાત કરી હતી.

સુસ્ત માગના કારણે ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતની સોનાની આયાત ઘટી શકે છે, એવું એક રિટેલર તથા બે બેંક ડીલર્સે જણાવ્યું છે. વૈશ્વિક બજારમાં ચાલુ મહિનાના પ્રારંભે પાંચ વર્ષની નીચી સપાટીને સ્પર્શી ગયેલા સોનાના ભાવ પર આનાથી વધુ દબાણ સર્જાશે.

રોકાણકારોને ભાવમાં ઝડપી રિકવરીની પાંખી શક્યતા જણાતી હોવાથી મૂડીરોકાણની ખરીદી મંદ પડી ગઈ છે. "નવેમ્બરના પૂર્વાર્ધમાં દિવાળીના લીધે માગ સારી હતી, પણ ત્યાર બાદ માગ નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે." એમ કોલકાતાના હોલસેલર જેજે ગોલ્ડ હાઉસના પ્રોપ્રાઇટર હર્ષદ અજમેરાએ જણાવ્યું હતું.

ચાલુ વર્ષે રૂપિયો પાંચ ટકાથી વધુ ઘટ્યો છે, જેના લીધે સોનાના સ્થાનિક ભાવમાં ઘટાડો મર્યાદિત રહ્યો છે. વિદેશમાં સોનામાં યુએસ ડોલરના સંદર્ભમાં 9.3 ટકાનો ઘટાડો થયો છે.

ભારતમાં બ્યુટી અને વેલનેસ ક્ષેત્રે તાલીમબદ્ધ માનવબળની જરૂરિયાતને પગલે એપ્ટેક અને લેક્મે હાથ મિલાવ્યા છે. આ સંયુકત સાહસ દ્વારા એકેડેમી

દેશભરમાં 50,000 જેટલા તાલીમબદ્ધ સ્ટાઇલિસ્ટ તૈયાર કરશે. તેમ એપ્ટેકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનુજ કાકરેએ અમદાવાદમાં જણાવ્યું હતું. 

વૈશ્વિક શૈક્ષણિક અને તાલીમ કંપની એપ્ટેક લિમિટેડે સમગ્ર ભારતમાં બ્યુટી ટ્રેનિંગ એકેડેમી સ્થાપિત કરવા તાજેતરમાં હિંદુસ્તાન યુનિલિવર લિમિટેડની પેટાકંપની લેક્મે લીવર પ્રાઇવેટ લિમિટેડ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની ઔપચારિક શરૂઆત કરી છે. એપ્ટેક લિમિટેડ દ્વારા સંચાલિત લેક્મી એકેડેમીના પ્રથમ સેન્ટરને મંગળવારે અભિનેત્રી સોહા અલીએ ખુલ્લું મૂક્યું હતું. 

ગુજરાતથી જ આ એકેડેમીની શરૂઆત કરવા અંગે એપ્ટેકના અનુરાગ કાકરેએ જણાવ્યું હતું કે, "ગુજરાત એ દેશનાં સમૃદ્ધ રાજ્યો પૈકીનું એક છે અને ભારતની જીડીપીમાં 7.31 ટકા પ્રદાન કરે છે. અર્નસ્ટ એન્ડ યંગના એટ્રેક્ટિવનેસ સર્વ ઇન્ડિયા 2015 રિપોર્ટમાં અમદાવાદ રોકાણ માટે સેકન્ડ ટિયર શહેરોની યાદીમાં ટોચ પર છે. આ કારણે અમદાવાદને એપ્ટેક દ્વારા સંચાલિત પ્રથમ લેક્મી એકેડેમી લોંચ કરવાના પ્રથમ સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું." 

એકેડેમીમાં સ્કિન, હેર અને મેક-અપનાં ક્ષેત્રોમાં અભ્યાસક્રમો ઓફર કરવામાં આવશે. એપ્ટેકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનુજ કાકરે કહ્યું હતું કે, "એપ્ટેક રોજગારી ઊભી કરી શકે તેવી તાલીમ પ્રદાન કરવામાં મોખરે રહી છે. બ્યુટી અને વેલનેસ ઉદ્યોગને વર્ષ 2022 સુધીમાં વધુ 1.42 કરોડ કુશળ વ્યાવસાયિકોની જરૂર પડશે. આ ક્ષેત્રમાં વ્યાવસાયિકો માટેની જરૂરિયાતમાં મોટો વધારો થયો છે. આ નવા કેન્દ્ર અમારા લેક્મે સાથેના જોડાણનું પ્રતીક છે." 

ડિસેમ્બર સુધીમાં વિશ્વમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં અમેરિકાને પાછળ રાખીને ભારત બીજા ક્રમે આવી જશે. હાલમાં ચીન 60 કરોડ કરતાં વધારે ઇન્ટરનેટ વપરાશકારો સાથે પ્રથમ ક્રમે છે. 

ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિયેશન ઓફ ઇન્ડિયા તથા IMRB ઇન્ટરનેશનલ દ્વારા તૈયાર કરવામાં આવેલા વાર્ષિક અહેવાલ 'ઇન્ટરનેટ ઇન ઇન્ડિયા 2015' પ્રમાણે ડિસેમ્બર 2015 સુધીમાં ભારતમાં ઇન્ટરનેટનો વપરાશ કરનારાઓની સંખ્યા 40.2 કરોડ પર પહોંચી જાય તેવી શક્યતા છે જે પાછલા વર્ષની તુલનાએ 49 ટકાનો વૃદ્ધિદર દર્શાવે છે. 

ભારતમાં ઇન્ટરનેટ વપરાશકારોને એક કરોડથી વધીને દસ કરોડ સુધી પહોંચવામાં એક દાયકા જેવો સમય લાગ્યો હતો ત્યારે 10 કરોડથી 20 કરોડ થવામાં ફક્ત ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો. યુઝર્સની સંખ્યા ૩૦ કરોડથી ૪૦ કરોડ થવામાં ફક્ત એક વર્ષનો સમય લાગ્યો છે.  

ગ્રામીણ ઇન્ટરનેટ વપરાશકારોમાં આ વૃદ્ધિને વેગ આપવામાં સૌથી મોટો ફાળો મોબાઇલ ફોનનો છે. ડિસેમ્બર 2015 સુધીમાં ગ્રામીણ મોબાઇલ સક્રિય ઇન્ટરનેટ વપરાશકારોની સંખ્યા 8.7 કરોડ પર પહોંચી જાય તેવી શક્યતા છે તથા જૂન 2016 સુધીમાં તે 10.9 કરોડ પર પહોંચી જશે તેમ અહેવાલ જણાવે છે. 

અહેવાલ જણાવે છે કે, આવા સંભવિત મોબાઇલ ઇન્ટરનેટ વપરાશકારોના જંગી ગ્રામીણ સમુદાયને હાંસલ કરવા માટે કોઈ પણ કંપનીની વ્યૂહરચનામાં તે મુખ્યસ્થાને હોવો જોઈએ.

ગુજરાતની સૌપ્રથમ ગ્રીન બિલ્ડીંગ્સ તરીકેનો એવોર્ડ સંગાથ-IPL ને પ્રાપ્ત થયો છે. ગાંધીનગરમાં
મહાત્મા મંદિર ખાતે આયોજીત ગ્રીન બિલ્ડીંગ્સ કોંગ્રેસના  ત્રિદિવસીય કાર્યક્રમ દરમ્યાન ઇન્ડીયન  
ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ  (આઈજીબીસી) દ્વારા ‘સંગાથ’ને આ ગૌરવવંતો એવોર્ડ આપવામાં આવ્યો
હતો. વર્તમાન સમયમાં ઝડપી શહેરીકરણને કારણે સાધનોની તંગી ઉભી થઈ છે ત્યારે ગ્રીન સીટીઝનું
નિર્માણ જરૂરી બન્યું છે. પર્યાવરણને થતી અસર ઘટે, રહીશોને સંતોષ થાય અને માળખાગત સુવિધાઓ
સાથે બિલ્ડીંગ વ્યવસાયના ઉત્તમ પરિણામો સાંપડે એ માટે ગ્રીન  ચળવાળ શરૂ થઈ છે. સંગાથ POSH 
આ દિશામાં ગંભીરતાથી નક્કર કામગીરી કરી બિલ્ડીંગ ક્ષેત્રે શાખ સાથે અગ્રેસર બની રહ્યું છે.
ટ્રીપલ-આરના REDUCE-REUSE-RECYCLE   ને પ્રમોટ કરતાં સંગાથના પ્રોજેક્ટમાં સારા પ્રમાણમાં
રી - સાયકલ થઈ શકે તેવા સામાનો વધુ માત્રામાં ઉપયોગ કરી, ગરમીનું પ્રમાણ ઓછું રાખવા માટે ધાબા પર
રીફલેક્ટીવ ટાઈલ્સનો ઉપયોગ કરવા ઉપરાંત એરકંડીશનના વપરાશને ઓછો કરવા માટે રીફલેક્ટીવ કાચનો ઉપયોગ
કરવામાં આવી રહ્યો છે. વીજળીનો વપરાશ ઓછામાં ઓછો થાય એ માટે દરેક જગ્યાએ LED લાઈટસનો વપરાશ
 કરવામાં આવ્યો છે. અમદાવાદના એસજી રોડથી એરપોર્ટના હરણફાળ વિકાસ ભરી રહેલા વિસ્તારમાં સંગાથ ગ્રુપ દ્વારા
નિર્માણધીન પ્રોજેક્ટ સમગ્ર રાજ્યનો એકમાત્ર એવો પ્રોજેક્ટ છે જે માટે આપણે ગૌરવ લઈ શકીએ. પર્યાવરણ સુરક્ષા
માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ગ્રીન બિલ્ડીંગ્ઝ, ચળવળ શરૂ થઈ છે. ત્યારે ‘સંગાથ  IPL ’ દ્વારા માળખાગત  સુવિધાઓ 
સાથે વીજપાણીની બચત ઉપરાંત રી-સાયકલીંગ પણ થાય એ પ્રકારની પ્રસંશનીય કામગીરીને ધ્યાને લઈ ઈન્ડીયન
ગ્રીન બિલ્ડીંગ કાઉન્સીલ તરફથી સંગાથ -IPL ને સૌ પ્રથમ ગ્રીન બિલ્ડીંગનો પ્લેટીનમ એવોર્ડ આપવામાં આવ્યો છે. 
 અત્રે ઉલ્લેખનીય છે કે સંગાથ-IPL અન્ય બિલ્ડીંગ માટે સિલ્વર તથા  ગોલ્ડ એવોર્ડસ પણ મેળવી યુક્યુ છે.

ભારત સરકાર દ્વારા બે સપ્તાહ પૂર્વે શરૂ કરાયેલી ગોલ્ડ ડિપોઝિટ સ્કીમને અત્યંત મોળો પ્રતિસાદ સાંપડ્યો છે. આ સ્કીમ લોંચ થઈ તેના 13 દિવસમાં માત્ર 400 ગ્રામ (અંદાજે રૂ.1.04 કરોડ) સોનું જમા થયું છે એમ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલે જણાવ્યું છે. એક અંદાજ પ્રમાણે દેશમાં વિવિધ સ્વરૂપે રૂ.બાવન લાખ કરોડના મૂલ્યના 20,000 ટન સોનાનો નિષ્ક્રિય જથ્થો પડ્યો છે. આમ ભારત સરકારની ગોલ્ડ ડિપોઝિટને નબળો પ્રતિસાદ મળ્યો હતો

નાણામંત્રી અરુણ જેટલીથી માંડીને સીએલએસએના સ્ટ્રેટેજિસ્ટ ક્રિસ વુડ સુધીના નિષ્ણાતો પીએસયુ બેન્કોની બેડ લોન અંગે ચિંતિત છે. પણ તેમણે ચિંતા કરવાની જરૂર નથી. માંડવાળ કરવામાં આવેલી લોનની રિકવરી હવે ઝડપી ગતિએ વધી રહી છે. સરકારી બેન્કોની દૈનિક કામગીરીમાં રાજકીય સત્તાવાળાઓની દરમિયાનગીરી બંધ થવાથી ડિફોલ્ટરો પાસેથી પૈસા કઢાવવામાં બેન્ક ઓફ ઇન્ડિયા અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અગ્રેસર રહી છે.

બેન્કો લોનની રિકવરી નહીં કરી શકે એવું માનવામાં આવતું હતું પણ બેન્કોએ અખબારી જાહેરાતોમાં ડિફોલ્ટર્સનાં નામ છાપવા સહિતની યુક્તિ અપનાવતાં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રિકવરીમાં 51 ટકા વધારો થયો હતો. ટોચની સાત પીએસયુ બેન્કોએ સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતે રૂ.1,845 કરોડની રિકવરી કરી હતી, જ્યારે જૂન ક્વાર્ટરમાં રૂ.1,222 કરોડની રિકવરી થઈ હતી. બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના માંડવાળ ખાતાઓમાંથી રૂ.799 કરોડ રિકવર કર્યા છે, જ્યારે એસબીઆઇએ રૂ.217 કરોડ રિકવર કર્યા છે એમ બેન્કના ડેટા દર્શાવે છે.

ઉડ્ડયન સેક્ટરમાં અયોગ્ય બિઝનેસ પદ્ધતિ વાપરવા સામે સ્પર્ધાપંચ (સીસીઆઇ)એ આકરી કાર્યવાહી કરીને જેટ એરવેઝ, ઇન્ડિગો અને સ્પાઇસજેટને રૂ.258 કરોડનો દંડ ફટકાર્યો છે. આ એરલાઇન્સે કાર્ગોના પરિવહન માટે કાર્ટેલ રચીને ફ્યુઅલ સરચાર્જ નક્કી કર્યા હોવાથી તેમની સામે ફરિયાદ થઈ હતી અને પરિણામે દંડ કરવામાં આવ્યો છે.

જોકે, રાષ્ટ્રીય એરલાઇન એર ઇન્ડિયા અને ખાનગી એરલાઇન ગો એરને ટ્રેડ નિયમનકાર સીસીઆઇ તરફથી કોઈ દંડ કરવામાં આવ્યો ન હતો. એક્સપ્રેસ ઇન્ડસ્ટ્રી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ જે એરલાઇન્સ સામે ફરિયાદ કરી હતી તેમાં આ બે એરલાઇનનાં નામ પણ સામેલ હતાં.

એક સત્તાવાર નિવેદનમાં જણાવાયા પ્રમાણે સીસીઆઇએ જેટ એરવેઝ, ઇન્ટરગ્લોબ એવિયેશન (ઇન્ડિગો) અને સ્પાઇસજેટને ફ્યુઅલ સરચાર્જ ફિક્સ કરવા બદલ દંડ કર્યો છે જે કાર્ગોના પરિવહનને લગતો હતો. જેટ એરવેઝને રૂ.151 કરોડનો દંડ કરવામાં આવી છે જ્યારે ઇન્ડિગોને રૂ.63.74 કરોડ અને સ્પાઇસજેટને રૂ.42.48 કરોડની પેનલ્ટી કરવામાં આવી છે.

ઇન્ટરગ્લોબ એવિયેશન સસ્તાં ભાડાંની એરલાઇન ઇન્ડિગોનું સંચાલન કરે છે. આ એરલાઇન્સને સ્પર્ધાવિરોધી પ્રક્રિયા બંધ કરવા જણાવાયું છે. સીસીઆઇના આદેશ અંગે કોઈ પણ એરલાઇન તરફથી તાત્કાલિક ટિપ્પણી કરવામાં આવી નથી.એક્સપ્રેસ ઇન્ડસ્ટ્રી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ સીસીઆઇમાં ફરિયાદ કરી હતી કે પાંચ એરલાઇન્સે કાર્ટેલ રચી છે અને સ્પર્ધાવિરોધી કરાર કર્યા છે. સીસીઆઇએ જણાવ્યું કે એર કાર્ગો ઉદ્યોગમાં આ પ્રકારની સ્પર્ધાવિરોધી કામગીરીથી દેશના આર્થિક વિકાસ સામે અવરોધ પેદા થાય છે અને અંતિમ વપરાશકાર માટે તે નુકસાનકારક સાબિત થાય છે. જોકે, એરલાઇન્સની નબળી સ્થિતિને ધ્યાનમાં લેતાં એવરેજ ટર્નઓવરના એક ટકા લેખે દંડ કરવામાં આવ્યો છે.

રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ)એ તાજેતરમાં સિસ્ટેમા શ્યામ ટેલિસર્વિસિસ (SSTL)ને ખરીદી લીધી હતી અને તેના કારણે ટેલિકોમ ઉદ્યોગમાં વધુ મર્જર એન્ડ એક્વિઝિશન (M&A) સોદા જોવા મળે તેવી શક્યતા ફિચ રેટિંગ્સે વ્યક્ત કરી છે. ટાટા ટેલિસર્વિસિસ, એરસેલ અને વિડિયોકોન ટેલિકોમ જેવી નાની કંપનીઓ હિસ્સો વેચવા માટે સક્રિયપણે નજર પણ દોડાવી રહી હોવાથી ફિચે આ શક્યતા વ્યક્ત કરી છે.

બિહારની ચૂંટણીનાં પરિણામોથી આર્થિક મોરચે બહુ મોટી અસર નહીં પડે પરંતુ કાયદાકીય સુધારા સામે વિરોધ ટકી રહેવાની શક્યતા છે તેમ રેટિંગ એજન્સી ફિચે જણાવ્યું હતું. ઘણાં બ્રોકરેજ પણ આ વાત સાથે સહમત છે.

ફિચ રેટિંગ્સના એશિયા-પેસિફિક સોવરિન્સના ડાયરેક્ટર થોમસ રુકમાકરે જણાવ્યું હતું કે, "બિહારની ચૂંટણીમાં ભાજપનો પરાજય ભારતના આર્થિક દેખાવ અંગે અમારા મધ્યમ ગાળાના અંદાજમાં ફેરફાર કરતો નથી. ચૂંટણીમાં પરાજયથી કેન્દ્ર સરકાર માટે નીતિઓ જટિલ બની શકે છે. પરંતુ અમારા મતે આર્થિક મોરચે મોટી અસર નહીં પડે."

તેણે જણાવ્યું હતું કે ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીતિવિષયક ફેરફારો આગળ વધારવા માટે રસ્તો શોધે તેવી શક્યતા છે. રુલમાકરે કહ્યું કે, "સતત વિરોધ વચ્ચે સરકાર કામચલાઉ રાજકીય સોદાબાજી દ્વારા કાયદા પસાર કરવાનું ચાલુ રાખે તેવી શક્યતા છે. જો તે પણ કામ નહીં કરે તો તે રાજ્ય સ્તરે સુધારા અમલમાં મૂકે તેવી શક્યતા છે."

તેમણે કહ્યું કે, "કેટલાક મહત્ત્વના સુધારા, જેમ કે જમીન સંપાદન અને જીએસટી ખરડાનો વિરોધ મજબૂત રહેશે. સરકારે સંખ્યાબંધ પહેલ કરી છે અને હવે તે દિશા બદલશે તેવા કોઈ સંકેત નથી."