આ ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ એની ગણતરી નફો કરતી ફિલ્મમાં કરવામાં આવી રહી છે. ‘ફિલ્લૌરી’ને ૨૧ કરોડ રૂપિયાના બજેટ હેઠળ બનાવવામાં આવી હતી અને આ ફિલ્મના મ્યુઝિક અને સૅટેલાઇટ રાઇટ્સને ૧૨ કરોડ રૂપિયામાં વેચી દેવામાં આવ્યા છે. તેથી આ શુક્રવારે રિલીઝ થઈ રહેલી ફૅમિલી ફિલ્મ બૉક્સ-ઑફિસ પર સારો એવો નફો કરશે એવી શક્યતા છે.

‘ધ કપિલ શર્મા’ શોમાં ડૉક્ટર મશહૂર ગુલાટીનું પાત્ર ભજવનાર સુનીલ ગ્રોવરે કપિલ શર્માને કહ્યું કે તે ભગવાન બનવાનું છોડી દે. કપિલ અને સુનીલ વચ્ચે હાલમાં જ ઝઘડો થઈ ગયો હતો. આ ઝઘડામાં કપિલે સુનીલ સાથે અપશબ્દનો ઉપયોગ કરીને બોલાચાલી કરી હતી. ઝઘડા બાદ કપિલે ફેસબુક અને ટ્વિટર પર સુનીલની માફી પણ માગી હતી. કપિલે દારૂના ત્રણ-ચાર પેગ પીધા બાદ સુનીલ સાથે ઝઘડો કર્યો હતો. કપિલે સોશ્યલ મીડિયા પર માગેલી માફીનો જવાબ આપતાં સુનીલે ઘણાંબધાં ટ્વીટ કરતાં કહ્યું હતું કે ‘ભાઈ જી. તેં મને ખૂબ જ દુ:ખ પહોંચાડ્યું છે. તારી સાથે કામ કરવું અમારો શીખવા માટેનો શ્રેષ્ઠ અનુભવ હતો. હું તને એક જ સલાહ આપવા માગું છું કે પ્રાણીઓની સાથે માણસોને પણ રિસ્પેક્ટ કરવાનો શરૂ કર. દરેક વ્યક્તિ તારા જેટલી સફળ નથી હોતી. દરેક વ્યક્તિ તારા જેટલી ટૅલન્ટેડ પણ નથી હોતી. જો દરેક વ્યક્તિ તારા જેટલી ટૅલન્ટેડ હોત તો તારું કોઈ મહત્વ ન હોત. તેથી આવી વ્યક્તિના અસ્તિત્વનો તારે આભાર માનવો જોઈએ. જો કોઈ તારી કોઈ પણ બાબતમાં સુધારો કરે તો તેની સાથે અપશબ્દનો ઉપયોગ કરીને વાત ન કરવાની હોય. મહિલાઓની સામે યોગ્ય ભાષાનો ઉપયોગ કરીને વાત કરવી જોઈએ. કૉમેડીમાં તું ખૂબ જ શ્રેષ્ઠ છે. જોકે તારે ભગવાન બનવાની કોશિશ ન કરવી જોઈએ. તારી કાળજી રાખજે. તને વધુ સફળતા મળે એવી આશા રાખું છું.’

કિંગ ખાન કહે છે કે મારી જિંદગીનાં આગામી ૨૦-૨૫ વર્ષ હું અબરામ, આર્યન અને સુહાના સાથે પસાર કરવા ઇચ્છું છું એથી વ્યસનો છોડવાં છે શાહરુખ ખાન તેનાં ત્રણેય સંતાનો અબરામ, આર્યન અને સુહાનાનો પ્રેમાળ પિતા છે એમાં કોઈ શંકા નથી. શેડ્યુલ અત્યંત વ્યસ્ત હોવા છતાં બાળકો સાથે સમય પસાર કરવાનું શાહરુખ ક્યારેય ચૂકતો નથી. 


તાજેતરમાં એક કાર્યક્રમમાં શાહરુખને પૂછવામાં આવ્યું હતું કે તારા ચાર વર્ષના દીકરા અબરામ સાથે પૂરતો સમય પસાર કરી ન શકવાનો ભય તને સતાવે છે ખરો? એના જવાબમાં શાહરુખે કહ્યું હતું કે ‘હા. આ વિચાર ગઈ કાલે રાતે જ મારા દિમાગમાં આવ્યો હતો. બાળકો સાથે સમય પસાર કરવાનો એક રસ્તો ખુદને સ્વસ્થ રાખવાનો છે. તમે ૫૦ વર્ષના હો ત્યારે તમારા ઘરમાં નાનું બાળક હોય એ સારી વાત છે. એનાથી હું તરવરાટ અનુભવું છું. એને કારણે હું નિર્દોષતા તથા પ્રેમને અલગ દૃષ્ટિથી નિહાળી શકું છું.’

જિંદગીનાં આગામી ૨૦-૨૫ વર્ષ પોતાનાં બાળકો સાથે ગાળવા ઇચ્છતો હોવાથી સિગારેટ તથા દારૂ પીવાનું છોડવાની વેતરણમાં હોવાનું જણાવતાં શાહરુખે ઉમેર્યું હતું કે ‘મારાં બન્ને મોટાં બાળકો સાથે મેં જે કર્યું હતું એ બધું અબરામ સાથે પણ કરીશ કે કેમ એ ચિંતા મને સતાવે છે એથી હું ઓછું સ્મોકિંગ તથા ડ્રિન્કિંગ કરું છું અને એક્સરસાઇઝ વધારે કરું છું. હું સ્મોકિંગ અને ડ્રિન્કિંગ વગેરે છોડી દેવાની વેતરણમાં છું અને વધારે સ્વસ્થ, વધારે ખુશ રહેવાનો પ્રયાસ કરી રહ્યો છું.’

શાહરુખ ૧૫ વર્ષનો હતો ત્યારે તેણે તેના પેરન્ટ્સ ગુમાવી દીધા હતા એ વાતનો તેને રંજ છે કે નહીં એવું પૂછવામાં આવ્યું ત્યારે શાહરુખે કહ્યું હતું કે મારાં બાળકોને એવો રંજ થાય એવું હું નથી ઇચ્છતો.

આ વર્ષે ૧૭થી ૨૮ મે દરમ્યાન યોજાનારા ૭૦મા વાર્ષિક કાન ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણ હાજરી આપશે.દીપિકા બીજી વખત આ ફિલ્મ ફેસ્ટિવલ અટેન્ડ કરશે. રોહિત બાલે ડિઝાઇન કરેલી સાડી પહેરીને દીપિકાએ ૨૦૧૦માં આ ફિલ્મ ફેસ્ટિવલમાં અગાઉ હાજરી આપી હતી. આ વખતે દીપિકાનું સ્થાન એક કંપનીની બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર કૅટરિના કૈફ લેશે એવી વાત સાંભળવા મળી હતી, પણ એ ખોટી છે. હકીકત એ છે કે કૅટરિના રીટેલ બિઝનેસ સાહસ શરૂ કરવાની હોવાથી તે જે કંપનીની બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર હતી એની સાથેનો કરાર કૅટરિનાએ ગયા વર્ષે તોડી નાખ્યો હતો.

આલિયા ભટ્ટને ગઈ કાલે ચોવીસમું વર્ષ બેઠું હતું અને તેના ડિરેક્ટર-પ્રોડ્યુસર પપ્પા મહેશ ભટ્ટ કહે છે કે આલિયા તેમનો ખરો માસ્ટરપીસ છે. 

૬૮ વર્ષના મહેશ ભટ્ટે દીકરીને તેના બર્થ-ડે નિમિત્તે શુભેચ્છા પાઠવવા માટે ટ્વિટરનો સહારો લીધો હતો. એ ટ્વીટમાં તેમણે તેમની સાથેનો આલિયાનો બાળપણનો ફોટો મૂક્યો હતો અને લખ્યું હતું કે ‘હૅપી બર્થ-ડે પ્રિન્સેસ. તું મારો માસ્ટરપીસ છે.’

સલમાન ખાને થોડા સમય પહેલાં તેની મોબાઇલ ઍપ્લિકેશન ‘બીઇંગ ટચ’ લૉન્ચ કરી હતી અને હવે તે સ્માર્ટફોન બ્રૅન્ડ ‘બીઇંગ સ્માર્ટ’ લૉન્ચ કરવા જઈ રહ્યો છે.સલમાને આ માટે ડિઝાઇન અને પ્લાન પણ તૈયાર કરી દીધાં છે. માઇક્રોમૅક્સ અને સૅમસંગ જેવી કંપનીઓ સાથે કામ કરી ચૂકેલા કર્મચારીઓને સલમાને આ માટે પસંદ કર્યા છે. ઍન્ડ્રૉઇડ ઑપરેટિંગ સિસ્ટમ હેઠળ બની રહેલા આ ફોનની કિંમત પંદરથી ૨૦ હજારની વચ્ચે હશે.

ગઈ કાલે ઇન્ટરનૅશનલ વિમેન્સ ડે હોવાથી આ વિશે પ્રિયંકાએ કહ્યું હતું કે ‘હું કંઈ મશાલ લઈને એવું કહેવા નથી માગતી કે લાઇફ એક યુદ્ધ છે. જોકે હું એટલું કહેવા માગીશ કે કોઈ પણ વ્યક્તિએ લાઇફમાં જે કરવું હોય એ કરવા માટે તેના પર કોઈ શરત મૂકવામાં ન આવવી જોઈએ. ભારતીય મહિલાઓ પર પણ આ વાત લાગુ પડવી જોઈએ. ભારતમાં એવી ઘણી ઓછી મહિલાઓ છે જેમના પર તેમણે જે કરવું હોય એના પર કોઈ શરત મૂકવામાં ન આવી હોય. હું નસીબવાળી છું કે આવી મહિલાઓમાં મારો સમાવેશ થાય છે. જ્યારે હું એક સારી મહિલા બનવા વિશે વિચારું છું ત્યારે હું મારું એકદમ શ્રેષ્ઠ વર્ઝન બનવા માગું છું. એ માટે મારા રસ્તામાં આવતી તમામ તકને હું ઝડપી લઉં છું. તમામ મહિલાઓએ જે બનવું હોય એ બનવા માટે તેમને મળતી તમામ તક ઝડપી લેવા હું તેમને કહીશ. એ ખૂબ જ દુ:ખની વાત છે કે એ માટે મહિલાઓએ કિંમત ચૂકવવી પડે છે. જોકે આ ભારતમાં જ નહીં, દુનિયાના ઘણા દેશોમાં મેં જોયું છે. મહિલાઓએ તેમના દિલનું કરવા માટે કિંમત કેમ ચૂકવવી પડે છે એ મને સમજ નથી પડતી.’

અનુષ્કા શર્મા કહે છે કે મારા માટે ફક્ત મારી ફિલ્મો અને પ્રોડક્શન-હાઉસ મહત્વનાં છે.અનુષ્કા શર્મા કોઈ ફિલ્મ-ફૅમિલીમાંથી નથી આવી, પરંતુ તેણે બૉલીવુડમાં ખૂબ જ સફળતા મેળવી હોવા છતાં તેને બૉલીવુડનો હિસ્સો બનવાની ઇચ્છા નથી થતી. અનુષ્કાએ ૯ વર્ષ પહેલાં ૨૦૦૮માં ‘રબ ને બના દી જોડી’ દ્વારા બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. અનુષ્કાએ શાહરુખ, સલમાન ખાન અને આમિર ખાન સાથે કામ કર્યું છે. તે હાલમાં તેની આગામી ફિલ્મ ‘ફિલ્લૌરી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ વિશે વધુ જણાવતાં અનુષ્કા કહે છે, ‘હું ૧૯ વર્ષની હતી ત્યારે મેં બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. એ દિવસે મારે ઇન્ડસ્ટ્રીનો એક હિસ્સો બનવું હતું. જોકે આજે ઘણી બધી ફિલ્મો કર્યા બાદ મને એવો અહેસાસ થાય છે કે બૉલીવુડે મને અપનાવી છે, પરંતુ મને એવી જરાય ઇચ્છા નથી થતી કે હું બૉલીવુડનો હિસ્સો બનીને રહું. મારા માટે બૉલીવુડ એક કામ કરવાની જગ્યા છે અને મને એનાથી બ્રેક જોઈએ છે. હું એક ફૅમિલી પર્સન છું અને મારું પોતાનું પણ એક જીવન છે. કામ પ્રત્યે હું સંપૂર્ણ ડેડિકેશન રાખું છું, પરંતુ હું સતત કામ જ કરતી રહું અથવા તો સંપૂર્ણ રીતે કામ કરવાનું છોડી દઉં એવું મારાથી નથી થતું. મારી ફિલ્મો અને મારું પ્રોડક્શન-હાઉસ મારા માટે મહત્વનાં છે, પરંતુ એ સિવાય મને બૉલીવુડનો હિસ્સો બનીને રહેવાનું ગમતું નથી.’

શાહિદ કપૂર અને સૈફ અલી ખાનની ‘રંગૂન’ બૉક્સ-ઑફિસ પર પિટાઈ ગઈ છે. તેમ છતાં શાહિદ કહે છે કે તેને તેની ઍક્ટિંગ પર વિશ્વાસ છે અને તે પોતાને ઇન્સિક્યૉર નથી માનતો. ‘રંગૂન’ બાદ શાહિદ ફરી સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવતી’માં અન્ય ઍક્ટર રણવીર સિંહ સાથે કામ કરી રહ્યો છે. બે હીરોવાળી ફિલ્મમાં કામ કરીને તે પોતાને ઇન્સિક્યૉર માને છે કે નહીં એ વિશે પૂછતાં શાહિદ કહે છે, ‘જો તમે એક વ્યક્તિ તરીકે ઇન્સિક્યૉર હો તો તમે લાઇફમાં કોઈ પણ પરિસ્થિતિમાં ઇન્સિક્યૉર ફીલ કરશો. જો તમે સિક્યૉર વ્યક્તિ હો અને તમને તમારા પર પૂરતો વિશ્વાસ હોય તો તમને લાઇફમાં કોઈ પણ બાબતથી કોઈ ફરક નહીં પડે. મને મારા પોતાના પર અને મારા કામ પર પૂરો વિશ્વાસ છે. હું ત્યારે જ ઇન્સિક્યૉર થાઉં છું જ્યારે મને લાગે છે કે હું અન્ય કરતાં નબળો હોઉં. 

જોકે હું નથી માનતો કે હું અન્ય કરતાં નબળો હોઉં. હું એવું નથી કહેતો કે હું કોઈના કરતાં ચડિયાતો છું, પરંતુ હું નબળો પણ નથી.

અમિતાભ બચ્ચન હંમેશાંથી સમાન હકના હિમાયતી રહ્યા છે અને તેથી જ તેમણે તેમની તમામ સંપત્તિ તેમનાં બાળકો અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચન નંદા વચ્ચે સરખા ભાગે વહેંચવાનો નિર્ણય લીધો છે. અમિતાભ બચ્ચને તેમનું વસિયતનામું ગઈ કાલે ટ્વિટર પર જાહેર કર્યું હતું. બિગ બીએ ટ્વિટર પર એક ફોટો શૅર કર્યો છે, જેમાં તેમણે એક કાર્ડ પકડેલું જોવા મળે છે. આ કાર્ડમાં લખ્યું છે કે ‘જ્યારે હું મૃત્યુ પામીશ ત્યારે મારી તમામ સંપત્તિ મારા દીકરા અને દીકરી વચ્ચે સમાન ભાગે વહેંચવામાં આવે. હું જાતિ-સમાનતાનો હિમાયતી છું. આપણે બધા એકસમાન છીએ.’

૨૦૧૬માં આવેલી અમિતાભ બચ્ચનની ‘પિંક’માં મહિલાઓના હક વિશે વાત કરવામાં આવી હતી. આ ફિલ્મ વખતે બિગ બીએ તેમની દોહિત્રી અને પૌત્રી પર એક પત્ર પણ લખ્યો હતો, જેમાં તેમણે દુનિયાથી ડર્યા વગર તેમની જે ઇચ્છા હોય એ કરવા કહ્યું હતું.