હૃતિક રોશને ‘કાબિલ’ બાદ એક પણ ફિલ્મ સાઇન નથી કરી અને હવે તે પ્રભુ દેવાની ફિલ્મમાં જોવા મળશે એવી વાતો ચાલી રહી છે.

 

‘કાબિલ’ની રિલીઝ બાદ હૃતિક જર્મની થોડા દિવસ માટે ગયો હતો અને હમણાં જ મુંબઈ પાછો ફર્યો છે. હૃતિક મુંબઈ આવતાં તે કઈ ફિલ્મ કરશે એ વિશે ફરી વાતો ચાલી રહી છે. તેણે કરણ જોહરની ફિલ્મને ના પાડતાં એવી વાતો ચાલી હતી કે તે કબીર ખાનની આગામી ફિલ્મમાં જોવા મળશે. જોકે હજી એ વિશે ઑફિશ્યલી કોઈ વાત જાહેર કરવામાં આવી નથી ત્યારે તે પ્રભુદેવાની ફિલ્મમાં જોવા મળશે એ વાતે જોર પકડ્યું છે. પ્રભુદેવા એક તેલુગુ ફિલ્મની રીમેક બનાવી રહ્યો છે અને એ ફિલ્મની ઑફર હૃતિકને કરવામાં આવી હોવાની ચર્ચા છે. આ એક સંપૂર્ણ મસાલા ફિલ્મ હોવાથી હૃતિક એને પસંદ કરશે એવી શક્યતા છે.

રામ ગોપાલ વર્મા ૧૯૯૫માં આવેલી તેમની ફિલ્મ ‘રંગીલા’ની સીક્વલ ‘રંગીલા ૨’ પર કામ કરી રહ્યા છે."રંગીલા’માં આમિર ખાન, જૅકી શ્રોફ અને ઊર્મિલા માતોન્ડકરે કામ કર્યું હતું. આ ફિલ્મની સીક્વલ બનાવવાની જાહેરાત પણ ઘણા સમય પહેલાં થઈ હતી, પરંતુ ઊર્મિલા અને રામ ગોપાલ વર્મા વચ્ચે મતભેદ થતાં ફિલ્મને પડતી મૂકવામાં આવી હતી. ઊર્મિલાએ ગયા વર્ષે લગ્ન કર્યા હતાં ત્યારે રામ ગોપાલ વર્માએ તેને શુભેચ્છા પણ પાઠવી હતી. જોકે ‘રંગીલા ૨’માં ઊર્મિલાની જગ્યાએ નવા ચહેરાને પસંદ કરવામાં આવશે. રામ ગોપાલ વર્મા હાલમાં આ ફિલ્મની સ્ક્રિપ્ટના ફાઇનલ ડ્રાફટ પર કામ કરી રહ્યા છે અને એ પૂરો થયા બાદ ઍક્ટર્સને પસંદ કરવામાં આવશે.

અક્ષયકુમારની ફિલ્મ ‘જૉલી LLB ૨’એ બૉક્સ-ઑફિસ પર ૧૦૦.૩૭ કરોડનો બિઝનેસ કર્યો છે. ૧૦ ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મે બીજા અઠવાડિયે એટલે કે શુક્રવારે ૪.૧૪ કરોડ, શનિવારે ૬.૩૫ કરોડ, રવિવારે ૭.૨૪ કરોડ, સોમવારે ૨.૪૮ કરોડ અને મંગળવારે ૨.૪૫ કરોડની સાથે ટોટલ ૧૦૦.૩૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. અક્ષયકુમારની સતત ચોથી ફિલ્મ ૧૦૦ કરોડની ક્લબમાં દાખલ થઈ છે.

જૉલી LLB ૨ને સફળતા મળતાં હવે જૉલી LLB ૩ બનાવવામાં આવશે

અક્ષયકુમારની ‘જૉલી LLB ૨’એ બૉક્સ-ઑફિસ પર ૧૦૦ કરોડની ક્લબમાં એન્ટ્રી કરતાં આ સિરીઝની ત્રીજી ફિલ્મ બનાવવાની પણ જાહેરાત થઈ ગઈ છે. ‘જૉલી LLB’માં અર્શદ વારસીને પસંદ કરવામાં આવ્યો હતો, જ્યારે ‘જૉલી LLB ૨’માં અક્ષયકુમારને પસંદ કરવામાં આવ્યો હતો. આ સિરીઝની ત્રીજી ફિલ્મમાં કોને પસંદ કરવામાં આવે એ ફિલ્મની સ્ક્રિપ્ટ પર આધારિત છે, પરંતુ મોટા સ્ટારને પસંદ કરવામાં આવશે એ નક્કી છે. ફોક્સ સ્ટાર સ્ટુડિયોના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર વિજય સિંહ કહે છે, ‘અમે આ સિરીઝની ત્રીજી ફિલ્મ ‘જૉલી LLB ૩’ બનાવીશું. આ ફિલ્મનું હજી બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે તેથી ત્રીજા પાર્ટ વિશે વિચારવા માટે સમય છે. અમારી પાસે આ ફિલ્મ માટે બે-ત્રણ આઇડિયા છે અને અમે એમાંથી કયો પસંદ કરીશું એ વિશે વિચારવાનું બાકી છે.’

વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘રંગૂન’ને સેન્સર બોર્ડે પાસ કરી દીધી હોવા છતાં આ ફિલ્મની રિલીઝ પહેલાં તેને ૪૦ મિનિટ ટૂંકી કરી દેવામાં આવી છે. આ ફિલ્મ પહેલાં બે કલાક અને ૪૭ મિનિટ લાંબી હતી. આજના સમયમાં આ ફિલ્મ ખૂબ જ લાંબી કહેવાતી હોવાથી દર્શકોને ધ્યાનમાં રાખી વિશાલ ભારદ્વાજ અને પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલાએ આ ફિલ્મને ટૂંકી કરવાનો નિર્ણય લીધો હતો અને એને ૪૦ મિનિટ ટૂંકી કરી દેવામાં આવી છે. ફિલ્મ સાથે સંકળાયેલી દરેક વ્યક્તિ માટે આ ફિલ્મ ખૂબ જ સ્પેશ્યલ છે. આ ફિલ્મ બીજા વિશ્વયુદ્ધ સમયની લવ-સ્ટોરી છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ પણ બીજા વિશ્વયુદ્ધમાં સામેલ હતા અને તેથી જ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમની ફૅમિલી માટે કલકત્તામાં સ્પેશ્યલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

અમિતાભ બચ્ચનને બૉલીવુડમાં એન્ટ્રી કરીને ૪૮ વર્ષ પૂરા થયાં છે.બિગ બીએ તેમનાં ૪૮ વર્ષ પૂરાં થયાં હોવાથી તેમના બ્લૉગ પર એ વિશે માહિતી શૅર કરી છે. તેમણે આ માહિતી સાથે તેમની પહેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ના કેટલાક ફોટો પણ શૅર કર્યા છે. બુધવારે રાતે તેમણે બ્લૉગ પર લખ્યું હતું કે ‘૧૯૬૯ની ૧૫ ફેબ્રુઆરીએ મેં બૉલીવુડમાં ઑફિશ્યલ એન્ટ્રી કરી હતી. મેં મારી પહેલી ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ આ દિવસે સાઇન કરી હતી. આ ફિલ્મના પ્રીમિયરમાં ઇન્ર્ફોમેશન એન્ડ બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટર મિસ્ટર ગુજરાલે પણ હાજરી આપી હતી. આ પ્રીમિયર વખતે હું જેસલમેરમાં સુનિલ દત્ત અને વહીદા રહમાન સાથે ‘રેશમા ઔર શેરા’નું શૂટિંગ કરી રહ્યો હતો અને ત્યાંથી હું પ્રીમિયર માટે આવ્યો હતો. આ ઇવેન્ટમાં મેં પર્શિયન જૅકેટ પહેર્યું હતું. આ જૅકેટ મેં મારા એક મિત્ર પાસેથી લીધું હતું, જે પોતે ઈરાનથી આવ્યો હતો અથવા તો તેનું કોઈ ઓળખીતું ઈરાનથી આવ્યું હતું તેમણે તેને ગિફ્ટ કર્યું હતું.’

મમ્મી બન્યાના થોડા જ દિવસોમાં કરીના કપૂર ખાને ફરી કામ કરવાનું શરૂ કરી દીધું છે અને તેનું કહેવું છે કે જો જરૂર પડી તો તે તેના દીકરા તૈમુરને સેટ પર પણ લઈ જશે, પરંતુ તેને એકલો નહીં મૂકે.આ વિશે પૂછવામાં આવતાં કરીના કહે છે, ‘સૈફ હાલમાં ઘરે છે. મારે હમણાં લાઇવ ચૅટ માટે હાજરી આપવી જરૂરી હતી. તેથી હું ઇચ્છતી હતી કે સૈફ તૈમુર સાથે રહે. મારા કહેવાથી સૈફે તેની મીટિંગને લંબાવી દીધી હતી. તૈમુર એકલો નથી, અમારા બેમાંથી એક હંમેશાં તેની સાથે રહે છે. અમે હંમેશાં આવું જ કરીશું અને જો એમ ન કરી શક્યાં તો હું તેને મારી સાથે સેટ પર લઈ જઈશ.’


કરીનાએ તૈમુર વિશે જણાવતાં કહ્યું હતું કે ‘તે ખૂબ જ હૅન્ડસમ દીકરો છે, તે ખૂબ જ ગુડ-લુકિંગ છે. તેનામાં પઠાણના જીન્સ છે.’

મારા જીવનના અનુભવો વિશે બુક લખવાનું મને ગમશે

કરીના કપૂર ખાન કહે છે કે હું મારી લાઇફ પર ૨૦ વર્ષ બાદ બુક લખીશ, કારણ કે મારે હજી ઘણા અનુભવો કરવાના બાકી છે

કરીના કપૂર ખાનના અંકલ રિશી કપૂરે હાલમાં જ તેમની આત્મકથા લૉન્ચ કરી છે અને હવે કરીનાએ પણ તેના જીવનના અનુભવો પરથી બુક લખવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ વિશે વધુ જણાવતાં કરીના કહે છે, ‘મેં ફૅશન પર એક પુસ્તક લખ્યું છે. 

પોસ્ટ-પ્રૅગ્નન્સી માટે પણ બુક લખવા માટે મને ઑફર કરવામાં આવી હતી. મને નથી ખબર એ બુક હું લખીશ કે નહીં, પરંતુ હું મારા જીવનમાં થયેલા અનુભવો વિશે પુસ્તક જરૂર લખીશ. જોકે મારા જીવન વિશે પુસ્તક લખવા માટે હજુ સમય છે. એ હું કદાચ ૨૦ વર્ષ બાદ લખીશ, કારણ કે મારે હજુ ઘણા અનુભવો કરવાના બાકી છે.’

અક્ષયકુમારની ‘જૉલી LLB 2’એ બૉક્સ-ઑફિસ પર ફક્ત ત્રણ જ દિવસમાં ૫૦ કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ એના ઓપનિંગ વીકએન્ડમાં એટલે કે શુક્રવાર, શનિવાર અને રવિવારના ત્રણ દિવસમાં ૫૦ કરોડનો આંકડો વટાવી ગઈ છે. ‘જૉલી LLB 2’એ શુક્રવારે ૧૩.૨૦ કરોડ, શનિવારે ૧૭.૩૧ કરોડ અને રવિવારે ૧૯.૯૫ કરોડની સાથે ટોટલ ૫૦.૪૬ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. તહેવારના સમયે રિલીઝ નહીં થયેલી અક્ષયકુમારની ફિલ્મોમાં ‘જૉલી LLB 2’ સૌથી વધુ બિઝનેસ કરતી ફિલ્મ બની છે. આ ફિલ્મ ૧૫૦ કરોડની આસપાસ બિઝનેસ કરશે એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
અક્ષયકુમાર અને હુમા કુરેશીની ‘જૉલી LLB 2’ બૉક્સ-ઑફિસ પર ખૂબ સારો બિઝનેસ કરી રહી છે અને આ ફિલ્મમાં હુમાનાં પણ ખૂબ વખાણ થઈ રહ્યાં છે. બૉલીવુડની કોઈ પણ હિરોઇન મોટા સ્ટાર સાથે કામ કરે તો તેનો રોલ ઝાંખો પડી જાય છે, પરંતુ હુમા કુરેશીને અક્ષયકુમાર સાથે કામ કરવાનો કોઈ પસ્તાવો નથી. તેણે તેની મહેનતથી બૉલીવુડમાં પોતાનું નામ બનાવ્યું છે. તે કહે છે, ‘મારી ‘દેઢ ઇશ્કિયા’ સુધી મેં મારી દરેક ફિલ્મ માટે ઑડિશન આપી હતી અને એ હું ખૂબ ગર્વથી કહી શકું છું, કારણ કે એ ફિલ્મો મેં મારા દમ પર મેળવી હતી. એ ફિલ્મો મારા માટે લખવામાં નહોતી આવી તેમ જ મને કોઈએ લૉન્ચ કરવાનો પ્લાન પણ નહોતો કર્યો છતાં મેં મારાં પાત્રો મારી મહેનતથી મેળવ્યાં છે.’
શત્રુઘ્ન સિંહાએ હાલમાં જ અક્ષયકુમાર અને હુમા કુરેશીની ‘જૉલી LLB 2’ જોઈ એનાં ખૂબ જ વખાણ કર્યા છે અને તેમનું કહેવું છે કે હુમાનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે. શત્રુઘ્ન સિંહાએ ઘણીબધી ટ્વીટ કરતાં લખ્યું હતું કે ‘એકદમ હાર્ડ-હિટિંગ, આપણને વિચારતા કરી દે એવી અર્થપૂર્ણ ફિલ્મ ‘જૉલી LLB 2’ને ઇલેક્શનના સમયે દેશ સમક્ષ રજૂ કરવા માટે હું તમામનો આભાર માનું છું. આ ફિલ્મમાં અક્ષયકુમારનો પર્ફોર્મન્સ ખૂબ જ અદ્ભુત છે અને મારા આશીર્વાદ તેની સાથે છે. સૌરભ શુક્લા અને અનુ કપૂરનો પર્ફોર્મન્સ અવૉર્ડને કાબિલ છે. હુમા કુરેશીનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે. સાઉન્ડ ઇફેક્ટ્સ, મ્યુઝિક અને ડિરેક્શન બધું જ અદ્ભુત છે. સલમાન ખાનની ‘સુલતાન’, આમિર ખાનની ‘દંગલ’ અને હવે અક્ષયકુમારની ‘જૉલી LLB 2’. તમામે ખૂબ જ સારું કામ કર્યું છે.’

‘પદ્માવતી’માં દીપિકા પાદુકોણ રાણી પદ્માવતીની અને રણવીર સિંહ અલાઉદ્દીન ખીલજીની ભૂમિકા ભજવી રહ્યો છે. જોકે તાજેતરમાં બનેલી ઘટનાને પગલે એ બન્નેના ચાહકો નિરાશ થાય એવી શક્યતા છે.સંજય લીલા ભણસાલી પર જયપુરમાં હુમલો કરવામાં આવ્યો એ પછી આ ફિલ્મના સર્જકો રાણી પદ્માવતી અને અલાઉદ્દીન ખીલજી વચ્ચે ફિલ્મમાં કોઈ દૃશ્ય ન હોય એ સુનિશ્ચિત કરવા માટે વધારે કાળજી લઈ રહ્યા છે. આ કારણે દીપિકા અને રણવીરના ચાહકો નિરાશ થાય એવી શક્યતા છે. 


અગાઉની ફિલ્મો ‘રામ-લીલા’ અને ‘બાજીરાવ મસ્તાની’ની સફળતામાં દીપિકા તથા રણવીર વચ્ચેની ઑન-સ્ક્રીન કેમિસ્ટ્રીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. 

‘પદ્માવતી’માં દીપિકા અને રણવીર વચ્ચેની કોઈ ડ્રીમ-સીક્વન્સની શક્યતાનો ફિલ્મના સર્જકોએ શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં ઇનકાર કર્યો હતો. એ ટ્વીટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે ‘રાણી પદ્માવતી અને અલાઉદ્દીન ખીલજી વચ્ચેનો કોઈ સીન કે ડ્રીમ-સીક્વન્સ ક્યારેય હતા જ નહીં એ વાતને ફિલ્મ સાથે સંકળાયેલી દરેક વ્યક્તિ સમર્થન આપશે.’

ફિલ્મની ટીમે કરેલા બીજા ટ્વીટમાં જણાવવામાં આવ્યું હતું કે ‘સંજય લીલા ભણસાલી રાણી પદ્માવતીનો આદર કરે છે અને રાજપૂતોની લાગણી દુભાય એવું કંઈ પણ તેઓ નહીં કરે એ વાત ફરી જણાવીએ છીએ. ઊંધું કંઈ પણ ધારશો નહીં.’

અનુષ્કા શર્માની આગામી ફિલ્મ ‘ફિલ્લૌરી’ને તેનો બૉયફ્રેન્ડ વિરાટ કોહલી પ્રમોટ કરતો જોવા મળશે એવી ચર્ચા છે
વિરાટ અને અનુષ્કાએ જાહેરમાં ક્યારેય તેમના રિલેશન વિશે નથી કબૂલ્યું, પરંતુ તેઓ તેમની રિલેશનશિપને છુપાવતાં પણ જોવા નથી મળતાં. વિરાટને અનુષ્કાની ‘ફિલ્લૌરી’ ખૂબ જ પસંદ પડી છે અને એથી જ તેણે તેનાથી બનતા તમામ પ્રયત્ન કરવાનું નક્કી કર્યું છે. વિરાટ આ ફિલ્મને સોશ્યલ મીડિયા પર તો પ્રમોટ કરશે જ, પરંતુ તે આ ફિલ્મ માટે જાહેરમાં પણ આવશે કે કેમ એ એક સવાલ છે.

અક્ષયકુમારની ‘જૉલી LLB ૨’માંથી ચાર દૃશ્ય કાઢી નાખવા માટે બૉમ્બે હાઈ ર્કોટે ચુકાદો આપ્યો છે અને અક્ષયકુમાર કહે છે કે તે કોર્ટના આદેશનો રિસ્પેક્ટ કરે છે. વકીલો અને ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડતા દૃશ્યને કાઢવા બૉમ્બે હાઈ કોર્ટની ઔરંગાબાદ બેન્ચે આદેશ આપ્યો છે. આ વિશે પૂછવામાં આવતાં અક્ષયકુમાર કહે છે, ‘હું હાઈ કોર્ટના નિર્ણયનો રિસ્પેક્ટ કરું છું. તેમણે આ નિર્ણય દરેક બાબતને ધ્યાનમાં રાખીને જ લીધો હશે. આ હાઈ કોર્ટ છે. તમારે હંમેશાં નિયમોને ફૉલો કરવા જોઈએ અને હું હંમેશાં નિયમોને ફૉલો કરવામાં જ માનુ છું. આ વિશે કોઈ દલીલ કરવી યોગ્ય નથી. આ ફિલ્મમાંથી ચાર દૃશ્ય કાઢી નાખવામાં આવ્યાં છે અને ફિલ્મને શુક્રવારે રિલીઝ કરવામાં આવી રહી છે.’

બૉલીવુડની ઘણી ફિલ્મો પર કેસ કરવામાં આવ્યો છે અને આ વિશે અક્ષયકુમાર કહે છે, ‘આજકાલ કોઈ પણ વ્યક્તિ ગમે એ ફિલ્મ પર કેસ કરે છે, પરંતુ તેમ છતાં ર્કોટે આજ સુધી કોઈ ફિલ્મની રિલીઝ નથી અટકાવી. કોર્ટ પણ સમજે છે કે ઘણી વાર કેટલાક કેસ ઇરાદાપૂર્વક કરવામાં આવે છે અને આ જ કારણ છે કે તેઓ રિલીઝ નથી અટકાવતા. આ ફિલ્મમાંથી તેઓ ચાર દૃશ્ય કાઢવા ઇચ્છતા હતા અને અમે એ કર્યું છે. મને લાગે છે કે આ ર્કોટે લીધેલો યોગ્ય નિર્ણય છે.’