ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યમાં કાયદો-વ્યવસ્થાનો ડર ન હોય તેમ માથાભારે તત્વો બેફામ અને બેખોફ થઈને ઘાતક હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે. આમદાવાદ પણ તેમાંથી બાકાત નથી. આ હકિકતનો પુરાવો ગત મોડી રાત્રે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ગોળીબાર ની ઘટના બની છે. જેમાં શહેરના ગોમતીપુર કામદાર મેદાન પાસે  બે ભાઈઓ ઉપર ગોળીબાર કરવાની એક ઘટના બની હતી, આ ઘટનામાં એકનું મોત નિપજ્યું છે, જયારે બીજાની હાલત ગંભીર ગણાવાય રહી છે. આ શખ્સો બંને ભાઈઓ ઉપર ફાયરિંગ કરીને નાસી ગયા હોવાની પ્રાથમિક વિગતો પોલીસને મળી છે. આ ઘટના અંગે ગોમતીપુર PI પી.બી. રણા અને ટીમે તપાસ હાથ ધરી છે.

આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલા કામદાર મેદાન પાસે  ફાયરિંગની ઘટના બનતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં કેટલાક ઇસમોએ કામદાર મેદાન પાસે બેસેલા આરીફ હુસેન અને સાદીક હુસેન નામના બે સગા ભાઈઓ ઉપર ગોળીબાર કર્યું હતું. જેના કારણે બંને ભાઈઓને ફાયરિંગમાં ઈજા પામતાં વીએસ હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યા મુજબ સાદિક હુસેનનું મૃત્યુ નિપજ્યું છે અને આરીફ હુસેનની હાલત નાજુક ગણાવાય રહી છે.

ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે દેશના ગ્રોથ એન્જીન બની રહેલા ગુજરાતના ચાલકબળ MSME-સુક્ષ્મ લઘુ મધ્યમ કદના ઉદ્યોગોને વ્યાપક ફલક આપી બળવત્તર બનાવવા એક હજાર કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા છે.તેમણે કહ્યું કે, આવા ઉદ્યોગોનો વ્યવસાય-રોજગાર ફલક વિસ્તારવા સંપૂર્ણ માળખાકીય સુવિધાઓ સાથે આધુનિક GIDCનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રી રાજકોટમાં લઘુ ઉદ્યોગ ભારતી આયોજિત ઇન્ડીયા ઇન્ડસ્ટ્રીયલ ફેરને ખૂલ્લો મૂકવાના અવસરે સંબોધન કરી રહ્યા હતા. તેમણે ઉમેર્યુ કે, વેપાર-ઉદ્યોગ-રોજગાર ક્ષેત્રે ગુજરાતીઓ દેશ અને દુનિયામાં હંમેશા અગ્રેસર રહ્યા છે. ગુજરાતીઓના લોહીમાં જ વેપાર વણજ વણાયેલા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્ટાર્ટ અપ અને મેઇક ઇન ઇન્ડીયા, ડીઝીટલ ઇન્ડિયા, તથા સ્કીલ ઇન્ડિયા જેવા ખુબજ હેતુપુર્ણ કાર્યક્રમોને અપનાવી રાજયના ઉધોગકારો ગુણવત્તાસભર ઉત્પાદનને ઘરઆંગણે તૈયાર કરી નિકાસલક્ષી દ્રષ્ટ્રીકોણ અપનાવે જે વિદેશ હૂંડીયામણમાં વધારો કરવા સાથે રોજગારીનું નિમાર્ણ અને દેશ સ્વાવલંબન કેળવવામાં ઉપયોગી સાબીત થશે. તેમ પણ વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્રએ લધુ અને મધ્યમ કદના ઉધોગમાં આગવું સ્થાન પ્રાપ્ત કરેલ છે. રાજકોટના કિચનવેર, ફાઉન્ડ્રી, મશીન ટુલ્સ અને ફર્નિચર સહિતના ઉધોગો, મોરબીનો ટાઇલ્સ અને ધડિયાળ તેમજ ઇલેકટ્રોનીક ઉત્પાદન, અલંગનો શિપ બ્રેકિંગ ઉધોગ તથા જામનગરના બ્રાસપાર્ટના ઉધોગોએ આમ દરેક જિલ્લાઓની ઔધોગીકક્ષેત્રે આગવી ઓળખ છે. ગુજરાતે લઘુ ઉધોગક્ષેત્રે હરણફાળ ભરી અન્ય દેશોની હરિફાઇમાં અગ્રિમ સ્થાન પ્રાપ્ત કરી ગુજરાત અને ભારત દેશનું નામ વિશ્વભરમાં ગુંજતુ કર્યુ છે. આ ઔદ્યોગિક તેનો લઘુ ઉદ્યોગોનો કુંભમેળો છે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના મિરકોટ ગામે પ્રાથમિક શાળાના ઓરડાની દિવાલ ધસી પડતાં બે બાળકો સહિત ત્રણ વ્યક્તિઓના થયેલા અપમૃત્યુ અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી દિલસોજી પાઠવી છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંવેદનાસ્પર્શી અભિગમ દર્શાવીને આજે સવારે થયેલી આ દુર્ઘટનામાં મધ્યાહન ભોજનના રસોઇયા બહેન અને શાળાના બે બાળકોના સ્થળ પર જ થયેલા મૃત્યુના કિસ્સામાં મૃતકોને રૂા.ચાર લાખની સહાય મુખ્યમંત્રી રાહતનિધિમાંથી નિયમાનુસારની સહાય આપવાની જાહેરાત પણ કરી છે. મુખ્યમંત્રીએ આ દુર્ઘટનાની તલસ્પર્શી ઉચ્ચસ્તરીય તપાસના આદેશો આપવા સાથે કસુરવારોને સખત સજા કરવાની પણ તંત્રવાહકોને સૂચના આપી છે.

આ દુર્ઘટનામાં ઇજા પામેલા અન્ય ચાર વ્યક્તિઓની સારવારનો પ્રબંધ પણ રાજ્ય સરકાર દ્વારા થાય તે માટે જિલ્લા તંત્રને મુખ્યમંત્રીશ્રીએ સૂચનાઓ આપી છે.

૧લી મેના રોજ ગુજરાત ના સ્થાપના દિન અગાઉ અમદાવાદના આંગણે આજથી સાત દિવસ સુધી વિવિધ રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો પૈકી મુખ્ય કાર્યક્રમો સાબરમતી રીવરફ્રન્ટ ખાતે યોજવામાં આવશે.શહેરના મેયર દ્વારા આ કાર્યક્રમોનો આરંભ કરાવવામાં આવશે. આ ઉપરાંત રૂપિયા ૧૫૦૦ ઉપરાંતના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ભૂમિપુજન પણ આ દિવસો દરમ્યાન કરવામાં આવનાર છે.

ગુજરાતના સ્થાપના દિન ૧લી મેના રોજ રીવરફ્રન્ટ ખાતે લેસર-શો અને કાંકરીયા લેકફ્રન્ટ ખાતે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવશે.આ અંગેની વિગત એવી છે કે,૧ લી મેના રોજ આવી રહેલા રાજયના સ્થાપનાદિનને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યા બાદ અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.અમદાવાદ શહેરમાં સૌ પ્રથમ વખત નૌકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.આ સ્પર્ધામાં ૩૦૦ જેટલા નૌકા સ્પર્ધકો ભાગ લેવાના છે.આ સાથે જ શહેરના આશ્રમરોડ ઉપર આવેલા વલ્લભસદન ખાતેથી નાઈટ મેરેથોન સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

અમદાવાદ શહેરમાં ૨૪ એપ્રિલથી લઈને ૧ લી મે સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં રૂપિયા ૧૫૦૦ કરોડથી પણ વધુની કીંમતના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજન પણ આ દિવસો દરમ્યાન વિવિધ સ્થળોએ કરવામાં આવશે.અમદાવાદ મ્યુનિસિપલ ફાયર વિભાગ દ્વારા શહેરના રીવરફ્રન્ટ ખાતે આવેલી ઝીપલાઈન ખાતે સૌ પ્રથમ વખત લોકોને આગ અને અકસ્માત જેવી દુર્ઘટનાઓ સામે કેવી રીતે સુરક્ષિત રહેવું તે અંગે જાગૃત કરવા માટે ઝીપલાઈન ખાતે સતત સાત દિવસ સુધી વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવશે.

ભારતીય ચુંટણી પંચને જુલાઈ માસ સુધીમાં નવા ૩૦ હજાર પેપર ટ્રેલ મશીન (VVPAT)નો જથ્થો મળશે. જેનો ઉપયોગ ગુજરાત અને હિમાચલ પ્રદેશની આગામી વિધાનસભા ચુંટણી કરવામાં આવશે.આ અંગે જણાવતા ચુંટણી પંચે કહ્યું છે કે તેમની પાસે અત્યારે ૫૩,૫૦૦ પેપર ટ્રેલ મશીન છે. જયારે આગામી ત્રણ માસમાં બીજા ૩૦,૦૦૦ પેપર ટ્રેલ મશીનનો જથ્થો તેમને મળશે. જેના લીધે તેમની પાસે કુલ ૮૪,૦૦૦ મશીનનો જથ્થો રહેશે. જે મશીન ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચુંટણીઓ માટે પર્યાપ્ત છે.

જો કે આ અંગેની જાહેરાત ચુંટણીની તારીખની જાહેરાત વખતે કરવામાં આવશે.જેમાં ગુજરાતમાં આ જ વર્ષના અંતમાં અને હિમાચલમાં પણ આ જ વર્ષે ચુંટણી યોજવાની શક્યતા છે. ગુજરાતમાં ૧૮૨ વિધાનસભા અને હિમાચલમાં ૬૮ વિધાનસભા માટે ચુંટણી યોજાવાની છે.

ઉલ્લેખનીય છે કે કેબિનેટ એ આવનાર ચૂંટણીમાં ઉપયોગ માટે પેપર ટ્રેલ મશીનોની ખરીદીમાં ચૂંટણી આયોગના પ્રસ્તાવને આજે મંજુરી આપી દીધી છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જયારે વિપક્ષી દળો તરફથી આવનાર દરેક ચૂંટણીમાં ઈવીએમ સાથે પેપર ટ્રેલ મશીનના ઉપયોગની માંગણી તેજ થઇ રહી છે કેમ કે આ વિષેની શંકાને દુર કરવામાં આવી શકે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલ કેબીનેટની બેઠકમાં સંક્ષિપ્ત ચર્ચા બાદ વીવીપીએટી યુનિટોના ખરીદીના પ્રસ્તાવને મંજુરી આપી છે.
ચૂંટણી આયોગે દેશના દરેક મતદાન કેન્દ્રો માટે ૧૬ લાખથી વધારે પેપર ટ્રેલ મશીનોની ખરીદી માટે ૩૧૭૪ કરોડ રૂપિયા માંગ્યા છે.

રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી જીતીશું કે કેમ તેવો ભય ભાજપમાં ફેલાયો હોવાથી કોંગ્રેસના 20 ધારાસભ્યનું હોર્સટ્રેડિંગ કરવા માગે છે તેવો આક્ષેપ વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કર્યો છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી ગુરુદાસ કામત સાથે આ મુદ્દે જ સોમવારે મારા બંગલે બેઠક બોલાવાઈ હતી. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ફેસ તમે રહેશો કે કેમ? તમને સ્વતંત્ર જવાબદારી સોંપવાની માગણી સોમવારે મળેલી કામત સાથેની બેઠકમાં થઈ હતી? તેવા પ્રશ્નોનો વાઘેલાએ સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
 
 
તેમણે કહ્યું હતું કે ધારાસભ્યોને ધમકાવી, દબાવીને ભાજપ તેમના પક્ષમાં ખેંચવા માગતો હોવાથી આ મુદ્દે પ્રભારી કામત સાથે વાટાઘાટો થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરતની મુલાકાત બાબતે તેમણે કહ્યું હતું કે અગાઉ સુરતમાં પાટીદારોએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું અપમાન કર્યું હોવાથી તેમને દેખાડી દેવા માટેનો વડાપ્રધાનનો આ તાયફો હતો. વડાપ્રધાન કોઈ પણ રાજ્યમાં ચૂંટણી આવે એટલે તરત જ પહોંચી જાય છે અને પ્રજાને ભરમાવે છે.
વડાપ્રધાનની ગુજરાત મુલાકાત ચૂંટણીલક્ષી અને વાતોના વાયદા જ છે. ઉદ્યોગપતિઓ પર દબાણ લાવીને કરોડો રૂપિયાનું આંધણ કરીને પોતાનો રોડ શોનો શોખ પૂરો કર્યો છે. વાઘેલાએ સૌની યોજના વર્ષ 2012માં વિધાનસભાની ચૂંટણી વખતે બોટાદના કૃષ્ણસાગરમાં પાણી ભરાશે અને પાણીના ફુવારા ઉડશે, તેવી વાહિયાત વાત કરી હતી.

ગુજરાત રાજ્ય માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે તા.15ના રોજ રાજ્યના તમામ જિલ્લાના ડીઇઓને પરિપત્ર પાઠવ્યો છે. જેમાં આગામી માર્ચ 2018માં લેવાનાર ધો.12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાઓ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવે તે રીતે લેવાશે. તેમજ જે તે વિજ્ઞાનપ્રવાહની શાળા (School) દ્વારા પ્રાયોગિક પરીક્ષાના માર્ક્સ મૂકીને બોર્ડને મોકલવામાં આવતા હતા તેને બંધ કરવામાં આવ્યા છે તેમ પણ જણાવ્યું છે.

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અત્યાર સુધી ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાનપ્રવાહ (સાયન્સ) માટે સેમેસ્ટર સિસ્ટમ અપનાવવામાં આવેલી હતી. જેના કારણે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૧-૧૨ વિજ્ઞાનપ્રવાહની School ને પ્રાયોગિક પરીક્ષા લેવાની સત્તા આપવામાં આવી હતી. જેના અંતર્ગત શાળાઓ (school) પોતાની શાળાના ધોરણ ૧૧-૧૨ વિજ્ઞાનપ્રવાહના ચાર સેમેસ્ટરની પ્રાયોગિક પરીક્ષાના માર્ક્સ આપીને તેને ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડને મોકલી આપવાના રહેતા હતા.

પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ NEET ની પરીક્ષા માટે માત્ર ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહના જ માર્ક્સ ધ્યાનમાં લેવામાં આવશે તેમ નક્કી કરાયું છે. જેના કારણે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની વિજ્ઞાનપ્રવાહની શાળાઓમાં સેમેસ્ટર સિસ્ટમ ચાલતી હતી તેને બંધ કરવામાં આવી છે. આથી હવે વિજ્ઞાનપ્રવાહની જે તે શાળાઓ સેમેસ્ટરની પ્રાયોગિક પરીક્ષાઓ લઈને તેના માર્ક્સ બોર્ડને મોકલવામાં આવતા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટના NEET અંગેના આદેશ પછી સેમેસ્ટર સિસ્ટમને ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા દૂર કરવામાં આવી છે. જેના કારણે હવે જે તે શાળાઓએ પ્રાયોગિક પરીક્ષા લેવાની રહેશે નહિ, તેમજ તેના માર્ક્સ મૂકીને બોર્ડને મોકલવાની જરૂરિયાત રહેશે નહિ. જેથી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ દ્વારા આ મામલે રાજ્યના તમામ જિલ્લાઓના જિલ્લા શિક્ષણાધિકારીઓને એક પરિપત્ર મોકલી આપ્યો છે.

પીએમ મોદી ગુજરાતની બે દિવસીય યાત્રા પર છે અને આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે ત્યારે પીએમ મોદી આજે એક પછી એક કાર્યક્રમમાં સામેલ થઇ રહ્યા છે. આજે સવારે અત્યાધુનિક કિરણ હોસ્પિટલના ઉદ્ઘાટન બાદ મોદીએ ડાયમંડ યુનિટનું ઉદ્ઘાટન કર્યું છે અને હવે મોદી હેલિકોપ્ટર દ્વારા તાપી ના બાજીપુરા ખાતે પહોંચ્યા છે. પીએમ મોદીએ બાજીપુરા ખાતે સુમુલ ડેરી કેટલ ફીડ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું છે. કેટલ ફીડ પ્લાન્ટ ૧૫૮ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. દરરોજ 500 મેટ્રીકટન સુમુલ દાણનું ઉત્પાદન થાય છે.

જો કે, પીએમ મોદી બાજીપુરા પહોચતાની સાથે જ મહિલાઓએ માનવસાંકળ રચીને મોદીનું સ્વાગત કર્યું છે. ત્યારબાદ પીએમ મોદીએ સુમુલ પ્લાન્ટના નક્શાનું નિરીક્ષણ કર્યું. હવે સુમુલમાં આઇસ્ક્રીમ અને કેટલ ફીડનું પ્રોડક્શન કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, આદિવાસી વિસ્તારમાં સુમુલનો પ્લાન્ટ એક આશાનું કિરણ છે. જેનાથી દુધવાળા પશુઓને એક સમતોલ આહાર મળશે અને આંતર માળખાકીય સુવિધા પણ મળશે. જ જો કે, સુમુલમાં હાલમાં 1 હજાર 150 દૂધમંડળીઓ છે. પીએમ મોદીએ સુમુલના ચેરમેન રાજેશ પાઠક પાસેથી આ પ્લાન્ટ વિશેની માહિતી લીધી છે.

ગુજરાતભરના પીડિત ખેડૂતોને એકત્રિત કરી ૧ મે ગુજરાત સ્થાપના દિવસથી આમ આદમી પાર્ટી ખેડૂત સત્યાગ્રહ શરુ કરશે.આપ ખેડૂત સંગઠન દ્વારા ૧૫ થી ૩૦ એપ્રિલ લોકસભા દીઠ ખેડૂત આગેવાનોની બેઠકોનું આયોજન કરશે.

પત્રકાર પરિષદને સંબોધતા ખેડૂત સંગઠનના પ્રમુખ રાજેશ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયામાં સરકારે જેટલા જુલમ કર્યા તે ખેડૂતો સાથે થઇ રહેલા અન્યાય અને અત્યાચાર સામે કશું જ નથી. સરકાર જેટલા જુલ્મ કરવા હોય કરી લે રાજ્યના ખેડૂતોની સમસ્યાનું જ્યાં સુધી સમાધાન ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

ગુજરાતભરના પીડિત ખેડૂતોને 1 મેં થી શરુ થઇ રહેલા સત્યાગ્રહ થી અવગત કરવા,નિમંત્રિત કરવા ખેડૂત સંગઠન દ્વારા 15 એપ્રિલ થી 30 એપ્રિલ ગુજરાતની તમામ લોકસભા બેઠકો ઉપર ખેડૂત સંગઠનના આગેવાનોની બેઠકો યોજાશે. ખેડૂત સંગઠનના પ્રમુખ રાજેશ પટેલ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત બેઠકો સંબોધશે, સેક્રેટરી અતુલ શેખડા સૌરાષ્ટ્ર ઝોન,ઉપપ્રમુખ કરસન પટેલ ઉત્તર ગુજરાત ઝોનમાં બેઠકો યોજશે. 1 મેં થી શરુ થઈ રહેલું આંદોલન જ્યાં સુધી ખેડૂતોની સાતે માંગોનું સમાધાન નહીં આવે ત્યાં સુધી ચાલુ રહેશે

પ્રિન્ટ મીડિયામાં અગ્રેસર એવા દૈનિક ભાસ્કર જૂથના ચેરમેન રમેશચંદ્ર અગ્રવાલનું આજે અમદાવાદ ખાતે નિધન થયું છે. આજે સવારે દિલ્હીથી અમદાવાદ આવ્યા હતા. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર જ હૃદયરોગનો હુમલો આવતાં તેમને તાત્કાલિક એપોલો હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સવારે 9:20ની ફ્લાઈટમાં દિલ્હીથી નીકળેલા રમેશચંદ્ર અગ્રવાલ 11 વાગ્યે અમદાવાદ પહોંચ્યા હતાં.

રમેશચંદ્ર અગ્રવાલના નિધન થતાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ, વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, રાજ્ય કક્ષાના મંત્રી નિર્મલાબેન વાઘવાણી અને સીએમ કાર્યાલયના સચિવ કે. કૈલાશનાથને એપોલો હોસ્પિટલ પહોંચીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.