ગુજરાત માં ગાંધીનગર ખાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મળેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં માહિતી આપવામાં આવી હતી કે, અરબ સાગરમાં સાયકલોજીક સરકયુલેશનને કારણે ગુજરાતમાં આવનારા બે-ત્રણ દિવસમાં હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવના છે.

ગાંધીનગર ખાતે રાહત નિયામક એ.જે.શાહના અધ્યક્ષસ્થાને મળેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં ભારતીય હવામાન ખાતાના અમદાવાદ ખાતેના નિયામક શ્રી જયંત સરકારે માહિતી આપી હતી કે, ઓફ શોર સિસ્ટમ અને સાયકલોનીક સરકયુલેશનને કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ થવાની પુરતી સંભાવના છે. કેટલાંક સ્થળે ભારે વરસાદ પણ પડી શકે છે. સરકારે ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ચોમાસાની ઋતુનો ધમાકાભેર પ્રારંભ થયો છે જે સારા સમાચાર છે.

રાહત નિયામક એ.જે.શાહે જણાવ્યું હતું કે, ચોમાસાની ઋતુની શરૂઆતમાં જ ૨૭ જૂન સુધીમાં ગુજરાતમાં પડતા સરેરાશ વરસાદના ૧૧ ટકા વરસાદ વરસ્યો છે જે સારા ચોમાસાના એંધાણ છે. તેમણે જણાવ્યું હતું કે, ૨૬ જૂન સુધીમાં ૩૦ જિલ્લાના ૧૮૯ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છના માંડવી, મુંદ્રા અને અંજાર ઉપરાંત સોરાષ્ટ્રના હળવદ અને લોધિકા એવા પાંચ તાલુકા છે જ્યાં વરસાદ નોંધાયો નથી. વેધર વોચ ગ્રુપની સાપ્તાહિક બેઠકના મહત્વને દોહરાવતા શાહે જણાવ્યું હતું કે, આવી બેઠકના કારણે સંભવિત આપત્તિની પરિસ્થિતિ માટે આગોતરી સજ્જતા વધુ સઘન રીતે થઇ શકે છે.

આ બેઠકમાં એરફોર્સ, કોસ્ટગાર્ડ, એનડીઆરએફ ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિભાગના ઉચ્ચઅધિકારીઓએ ઉપસ્થિત રહી આપત્તિ વ્યવસ્થાપન અને રાહત-બચાવના આગોતરા આયોજનની વિશેષ માહિતી આપી હતી.

તા.૨૫મીએ ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવ વચ્ચે ભગવાન જગન્નાથજીની ૧૪૦મી રથયાત્રા નીકળશે. આ વખતે રથયાત્રામાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજી નગરજનોને યદુવંશી સ્વરૂપમાં એટલે કે, રબારીવેશ ગોવાળિયા સ્વરૂપમાં દર્શન આપશે. જે માટે ભગવાન જગન્નાથજીની ખાસ યદુવંશી પાઘડી ચાંદીની અને તેને અનુરૂપ વાઘા-વસ્ત્રો અને સાજ શણગાર તૈયાર કરાયા છે. તા.૨૫મીએ સવારે મંગળાઆરતીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર રહેશે, જયારે સાત વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે પહિંદવિધિ બાદ તેઓ રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે.

રથયાત્રાનો આ એક જ દિવસ એવો હોય છે જેમાં ખુદ જગતનો નાથ નગરચર્યાએ નીકળી તેના ભકતોને ઘેરબેઠા દર્શન આપે છે. આ અંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઇ ઝાએ જણાવ્યું હતું કે, ભારતીય લોક સંસ્કૃતિનું રથયાત્રા સર્વોચ્ચ પ્રતીક છે. રથયાત્રાના અગ્રભાગમાં ૧૯ શણગારેલા ગજરાજો, ત્યારપછી ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝંાખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે ૩૦ અખાડા, ૧૮ ભજનમંડળીઓ સાથે ત્રણ બેન્ડબાજાવાળા આકર્ષણનું કેન્દ્ર બનશે. સાધુ-સંતો, શ્રધ્ધાળુ ભકતો સાથે ૧૨૦૦ જેટલા ખલાસી ભાઇઓ રથ ખેંચતા રહેશે.

આ રથયાત્રામાં ભાગ લેવા દેશભરમાંથી ૨૦૦૦થી વધુ સાધુ-સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્ર સહિતના સ્થાનોએથી પધારશે. રથયાત્રાના દિવસે તા.૨૫મીએ વહેલી સવારે ૪-૦૦ વાગ્યે ભગવાનની મંગળાઆરતી કરાશે, ત્યારબાદ આદિવાસી નૃત્ય અને રાસગરબાનો પરંપરાગત કાર્યક્રમ યોજાશે. એ પછી ભગવાનના આંખે બાંધેલા પાટા ખોલવાની શાસ્ત્રોક્ત વિધિ બાદ ૫-૪૫ કલાકે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને ત્રણેય રથોમાં સવાર કરાશે. ૭-૦૦ વાગ્યે પહિંદવિધિ બાદ રથયાત્રાનો શુભારંભ થશે. રથયાત્રાના દિવસે વહેલી સવારે ભગવાનને વિશિષ્ટ ભોગ ધરાવાય છે, જેમાં પરંપરા મુજબ, ખીચડી, કોળા-ગવારફળીનું શાક અને દહીં હોય છે. રથયાત્રા દરમ્યાન ૩૦ હજાર કિલોથી વધુ મગ, ૫૦૦ કિલો જાંબુ, ૩૦૦ કિલો કેરી, ૪૦૦ કિલો કાકડી અને દાડમ તથા બે લાખ ઉર્પણા પ્રસાદમાં વિતરણ કરાશે.

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર યોગગુરુ બાબા રામદેવે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને યોગ કરાવ્યા હતા. આ પ્રંસગે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ગુજરાત રાજ્યનું પ્રધાન મંડળ અને પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જીએમડીસી ગ્રાઉન્ડ પર એક સાથે 2 લાખથી વધુ લોકોએ યોગ કરીને વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો.

આ પૂર્વે વિશ્વ યોગ દિવસે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં World Record કરવા માટે ગુજરાત સરકાર અને બાબા રામદેવના પતંજલિ યોગપીઠ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. જેમાં તારીખ ૧૮ જુનથી વિશ્વયોગ દિનની ઉજવણી કરવામાં આવી રહી હતી. તેવા સમયે વિશ્વ યોગ દિન નિમિતે મોટી સંખ્યામાં એક જ ગ્રાઉન્ડમાં યોગ માટે લોકોને એકત્ર કરવાનો વર્લ્ડ રેકોર્ડ રચવામાં આવ્યો હતો.

અમદાવાદમાં વિશ્વ યોગ દિને આ ઉપરાંત જીએમડીસીની આસપાસના અન્ય ગ્રાઉન્ડમાં પણ મોટી સંખ્યામાં લોકો યોગ દિવસની ઉજવણી જોડાયા હતા. યોગ દિવસની ઉજવણીમાં શાળાના બાળકોને પણ સામેલ કરવામાં આવ્યા હતા.

બલોલના બહુચર્ચિત કેતન પટેલ કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં મહેસાણા સિવિલ સર્જનની રજૂઆતના પગલે સવારે 7 વાગ્યાથી જ સિવિલના ગેટ પર બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે. જ્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મહેસાણા સિવિલમાં પાટીદારો માટે ‘નો એન્ટ્રી’ના આદેશ આપવામાં આવ્યા છે. જ્યારે કેતનના પરિવારજનો છે ત્યાં પણ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાને પણ સિવિલમાં અંદર જવા દીધા નહોતા.
 
સિવિલમાં ફક્ત પાંચ જ પાટીદારોને જવા દેવામાં આવ્યા છે જેમાં મૃતક કેતનના પિતા અને સંબંધીઓને જ અંદર જવાની પરમિશન આપવામાં આવી છે. આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિને અંદર જવું હશે તો તેને પોતાનું આઈડેન્ટી બતાવીને જ અંદર જઈ શકે છે. જોકે પાટીદારોને અંદર જવાની પરમિશન નથી. 
 
તાજેતરમાં કેતન પટેલના થયેલ કસ્ટોડિયન ડેથની દુખદ ઘટનાને પગલે બારોટ સમાજે વખોડી કાઢી વેદના વ્યક્ત કરી હતી. પરંતુ માત્ર સમાજના એક વિશાળ સમુદાયને રાજી આખવા નાની કોમના વયો-વૃદ્ધ ફરિયાદી (ભરતભાઈ બારોટ)ને હત્યા કેસ જેવા ગંભીર ગુનામાં સંડોવી ફરિયાદ થવાની બીજી મિનિટે જ્યુડિશિયલ ઈન્કવાયરીનો રિપોર્ટ આવ્યા પહેલાં જ ધરપકડ કરવામાં આવે તે હળાહળ અન્યાય છે. આ અંગે આજે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. બારોટ સમાજે ચીમકી પણ આપી હતી અને કહ્યું હતું કે ભરત બારોટને મુક્ત નહીં કરાય તો સમાજ આંદોલન કરાશે.

ઘણાં લાંબા સમયની માંગણીને સ્વીકારાયી, ઝોન વાઈઝ અલગ અલગ ગ્રેડ

રિયલ એસ્ટેટ ક્ષેત્રે પ્રવર્તી રહેલી મંદી જેવી સ્થિતિને નિવારવા માટે ઘણાં લાંબા સમયથી રાજ્યના જે તે શહેરોમાં  FSI અને GDCRને સમાન કરવા માંગણી કરવામાં આવી હતી. ત્યારે હવે સરકારે આ માંગણી સ્વીકારીને સોમવારે નવા GDCRને અમલી બનાવાયો છે. ગાંધીનગરમાં નીતિન પટેલે આ અંગે જાહેરાત કરતાં કરતાં રાજ્યમાં ઝોન વાઈઝ GDCRની જાહેરાત કરી હતી. સૌરાષ્ટ્રમાં અલગ તો કચ્છમાં ભૂકંપ ગ્રસ્ત વિસ્તારને લઈને અલગ નિયમોની જાહેરાત કરી હતી. તો દક્ષિણ ગુજરાતમાં અલગ નિયમોની જાહેરાત કરી હતી. કોમન GDCR ગાંધીનગરને લાગુ નહી પડે. સરકારની જાહેરાતથી ગુજરાતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રને વેગ મળશે. નવા GDCRને  પગલે મોટાં શહેરોમાં 22 માળની ઈમારતો બનવા લાગશે.

નવા નિયમો અંતર્ગત પછી મોટા શહેરોમાં 25 મીટર ઉંચાઈના બાંધકામને મંજૂરી આપી શકાશે. 12 થી 18 મીટરના રોડ પર 25 મીટર ઉંચાઈ રાખી શકાશે. 18 થી 40 મીટરના રોડ પર 45 મીટર ઉંચાઈનું બાંધકામ કરી શકાશે. 40 મી.થી વધુ પહોળાઈના માર્ગ પર 70 મી.ઉંચાઈના બાંધકામને મંજૂરી આપી શકાશે.

નીતિન પટેલે કરેલી જાહેરાત અંતર્ગત અનુસાર 1.8 FSI વિના મૂલ્યે મળશે. વધારાની 0.9 FSI જંત્રીના 40 ટકા રકમ ભરવાથી મળશે. આ નિયમનો લાભ અમદાવાદ, વડોદરા, સુરત અને તેના ઓથોરિટી વિસ્તારને મળશે. રાજકોટ, જૂનાગઢ, ભાવનગર અને જામનગર શહેરને પણ લાભ મળશે.

12 મી.થી ઓછી પહોળાઈ વાળા રોડ પર 15 મીટરની ઉંચાઈના બાંધકામને મંજૂરી આપવામાં આવશે. કોમન GDCR બનાવવાનું કામ ઘણા સમયથી ચાલતું હતું. તેમાં જરૂરી સુધારા વધારા કરીને તેને અમલી બનાવાયો છે. આ કાયદા અંતર્ગત FSI અને મકાનની ઉંચાઈ નક્કી કરવાનો કરાયો નિર્ણય લેવાયો છે. પહેલા શહેરો મુજબ ઉંચાઈ અને FSI અલગ અલગ હતી પણ હવે વિસંગતતાઓ દૂર કરવા નિર્ણય લેવાયો છે.

કોમન GDCR માટે રાજ્યમાં ગ્રેડેશન કરાયા છે, જે અન્વયે….
8 મનપા અને તેના ઓથોરિટી વિસ્તારમાં FSI નક્કી કરવામાં આવી છે.
ભુકંપગ્રસ્ત વિસ્તારોમાં એક ગ્રેડ જુદો પડાયો છે.
ભૂજ, ભચાઉ, અંજાર અને ગાંધીધામમાં એક ગ્રેડ જુદો પાડવામાં આવ્યો છે.
ભુકંપગ્રસ્ત વિસ્તારોમાં 10 મીટરથી વધુ ઉંચાઈને મંજૂરી નહી મળે.
ગાંધીનગર ગુડા માટે અલગ GDCR રહેશે
કોમન GDCR ગાંધીનગરને લાગુ નહી પડે.
અ અને બ વર્ગની ન.પા.ને 30 મીટર ઉંચાઈની મંજૂરી મળશે.
જે ન.પા.માં ડીપી નથી તેવી 45 ન.પામાં 16.5 મીટર ઉંચાઈની મંજૂરી આપવામાં આવી છે.
રાજકોટ અને ભાવનગર માટે કોમન GDCR બનાવાયા છે.
અમદાવાદ, સુરત અને વડોદરાને માટે કોમન GDCR બનાવાયા છે.

આજથી રાજ્યની દરેક શાળામાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. 35 દિવસના વેકેશન બાદ આજે ફરીથી શાળાઓ ખુલી રહી છે.

રાજ્યભરમાં 40 હજાર જેટલી પ્રાથમિક, 10 હજાર જેટલી માધ્યમિક જ્યારે 7 હજાર જેટલી ઉચ્ચતર માધ્યમિક શાળા ઉનાળુ વેકેશન બાદ ફરથી શરૂ થશે.

જોકે આ વખતે ગરમીનું પ્રમાણ વધુ રહેવાથી સંચાલક મંડળ વેકેશન લંબાવવાની માગ કરી ચૂક્યુ છે. ગત વર્ષે પણ ઉનાળુ વેકેશન બાદ કેટલીક

શાળાઓએ પોતાની રીતે વેકેશન લંબાવ્યુ હતું. આ વખતે પણ શાળા સંચાલક મંડળે શિક્ષણમંત્રી તથા ગુજરાત શિક્ષણ બોર્ડને વેકેશનનો સમય ગાળો

એક સપ્તાહ સુધી વધારવા માટે રજૂઆત કરી છે.

ચાલુ વર્ષે ગરમીનો પારો 40 થી 44 ડિગ્રી સુધી પહોંચ્યો છે. તેવામાં અસહ્ય ગરમીમાં વિદ્યાર્થીઓના આરોગ્ય પર આડ અસર જોવા ન મળે તે માટે

સંચાલક મંડળ વતી શિક્ષણ વિભાગને પત્ર પાઠવવમાં આવ્યો છે. ઉપરાંત ગરમીને જોતાં જે-તે શાળાઓને શાળાના સમયમાં પણ ફેરફાર કરવા માટે

છૂટછાટ આપવા માટે માંગ કરાઈ છે.

થોડાક સમય પહેલા વિદેશમાં આવેલો ઝીકા વાયરસે હવે ભારતમાં પણ દેખા દીધી છે. જેના અનુસંધાને અમદાવાદમાં ઝીકા વાયરસનો ત્રણ કેસ નોંધાયા છે.

અને તેને કન્ફોર્મ ધ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કર્યું છે. જેમાં જાન્યુઆરી મહિનામાં થયેલા ગર્ભવતી મહિલાના રિપોર્ટનો પણ સમાવેશ થાય છે. ખાસ વાત તો એ છે કે,

આ ત્રણેય કેસ અમદાવાદના બાપુનગર વિસ્તારના જ છે.

 

મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર-ગવર્મેન્ટે જણાવ્યા અનુસાર, સૌ પ્રથમ બી.જે. મેડિકલ કોલેજમાં થયેલા RT-PCR ટેસ્ટમાં આ ત્રણેય કેસ ઝીકા

 

વાયરસના હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ વિરોલોજી (NIV)માં તેની તપાસ કરવામાં આવી હતી.

ગુજરાતના આણંદમાં જાહેર રસ્તા ઉપર કોઈ અજાણ્યા શખ્સોએ પાકિસ્તાન નો રાષ્ટ્રધ્વજ દોરી નાખ્યો છે. જેના કારણે સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને પગલે વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું છે.

ગુજરાતના આણંદ જિલ્લાના વડું મથક એવા આણંદ શહેરમાં આવેલી ગ્રીડ ચોકડી વિસ્તારમાં કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા જાહેર માર્ગ (રોડ) ઉપર રાતોરાત પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ ચિતરવામાં આવ્યો હતો. રાતોરાત જાહેર માર્ગ ઉપર વિશાળ એવો પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ દોરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. એટલું જ નહીં સ્થાનિક લોકોમાં પણ ભારે નારાજગી પ્રસરી જવા પામી હતી.

આ ઘટના અંગેની જાણ થતા વહીવટીતંત્રમાં દોડધામ ચી જવા પામી હતી. આ ઘટનાની જન થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળ ઉપર પહોંચીને પાકિસ્તાની ધ્વજ ઉપર ચૂનાનો કૂચડો ફેરવી દેવરાવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાન દ્વારા સરહદ જે રીતે ભારતીય સેનાના જવાનોને બર્બરતાપૂર્વક શહીદ કરવામાં આવી રહ્યા છે. તેના વિરોધમાં પાકિસ્તાનનો ધ્વજ રસ્તા ઉપર દોરવામાં આવ્યો હતો. જેથી લોકો પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ ઉપરથી પસાર થાય તે માટે રસ્તા પર દોરવામાં આવ્યો હતો.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યમાં કાયદો-વ્યવસ્થાનો ડર ન હોય તેમ માથાભારે તત્વો બેફામ અને બેખોફ થઈને ઘાતક હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે. આમદાવાદ પણ તેમાંથી બાકાત નથી. આ હકિકતનો પુરાવો ગત મોડી રાત્રે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ગોળીબાર ની ઘટના બની છે. જેમાં શહેરના ગોમતીપુર કામદાર મેદાન પાસે  બે ભાઈઓ ઉપર ગોળીબાર કરવાની એક ઘટના બની હતી, આ ઘટનામાં એકનું મોત નિપજ્યું છે, જયારે બીજાની હાલત ગંભીર ગણાવાય રહી છે. આ શખ્સો બંને ભાઈઓ ઉપર ફાયરિંગ કરીને નાસી ગયા હોવાની પ્રાથમિક વિગતો પોલીસને મળી છે. આ ઘટના અંગે ગોમતીપુર PI પી.બી. રણા અને ટીમે તપાસ હાથ ધરી છે.

આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલા કામદાર મેદાન પાસે  ફાયરિંગની ઘટના બનતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં કેટલાક ઇસમોએ કામદાર મેદાન પાસે બેસેલા આરીફ હુસેન અને સાદીક હુસેન નામના બે સગા ભાઈઓ ઉપર ગોળીબાર કર્યું હતું. જેના કારણે બંને ભાઈઓને ફાયરિંગમાં ઈજા પામતાં વીએસ હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યા મુજબ સાદિક હુસેનનું મૃત્યુ નિપજ્યું છે અને આરીફ હુસેનની હાલત નાજુક ગણાવાય રહી છે.

ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે દેશના ગ્રોથ એન્જીન બની રહેલા ગુજરાતના ચાલકબળ MSME-સુક્ષ્મ લઘુ મધ્યમ કદના ઉદ્યોગોને વ્યાપક ફલક આપી બળવત્તર બનાવવા એક હજાર કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા છે.તેમણે કહ્યું કે, આવા ઉદ્યોગોનો વ્યવસાય-રોજગાર ફલક વિસ્તારવા સંપૂર્ણ માળખાકીય સુવિધાઓ સાથે આધુનિક GIDCનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રી રાજકોટમાં લઘુ ઉદ્યોગ ભારતી આયોજિત ઇન્ડીયા ઇન્ડસ્ટ્રીયલ ફેરને ખૂલ્લો મૂકવાના અવસરે સંબોધન કરી રહ્યા હતા. તેમણે ઉમેર્યુ કે, વેપાર-ઉદ્યોગ-રોજગાર ક્ષેત્રે ગુજરાતીઓ દેશ અને દુનિયામાં હંમેશા અગ્રેસર રહ્યા છે. ગુજરાતીઓના લોહીમાં જ વેપાર વણજ વણાયેલા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્ટાર્ટ અપ અને મેઇક ઇન ઇન્ડીયા, ડીઝીટલ ઇન્ડિયા, તથા સ્કીલ ઇન્ડિયા જેવા ખુબજ હેતુપુર્ણ કાર્યક્રમોને અપનાવી રાજયના ઉધોગકારો ગુણવત્તાસભર ઉત્પાદનને ઘરઆંગણે તૈયાર કરી નિકાસલક્ષી દ્રષ્ટ્રીકોણ અપનાવે જે વિદેશ હૂંડીયામણમાં વધારો કરવા સાથે રોજગારીનું નિમાર્ણ અને દેશ સ્વાવલંબન કેળવવામાં ઉપયોગી સાબીત થશે. તેમ પણ વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્રએ લધુ અને મધ્યમ કદના ઉધોગમાં આગવું સ્થાન પ્રાપ્ત કરેલ છે. રાજકોટના કિચનવેર, ફાઉન્ડ્રી, મશીન ટુલ્સ અને ફર્નિચર સહિતના ઉધોગો, મોરબીનો ટાઇલ્સ અને ધડિયાળ તેમજ ઇલેકટ્રોનીક ઉત્પાદન, અલંગનો શિપ બ્રેકિંગ ઉધોગ તથા જામનગરના બ્રાસપાર્ટના ઉધોગોએ આમ દરેક જિલ્લાઓની ઔધોગીકક્ષેત્રે આગવી ઓળખ છે. ગુજરાતે લઘુ ઉધોગક્ષેત્રે હરણફાળ ભરી અન્ય દેશોની હરિફાઇમાં અગ્રિમ સ્થાન પ્રાપ્ત કરી ગુજરાત અને ભારત દેશનું નામ વિશ્વભરમાં ગુંજતુ કર્યુ છે. આ ઔદ્યોગિક તેનો લઘુ ઉદ્યોગોનો કુંભમેળો છે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.