પીએમ નરેન્દ્ર મોદીની રવિવારથી શરૂ થવા જઇ રહેલી અમેરિકાના યાત્રા પહેલા બે વરિષ્ઠ અમેરિકન સાંસદોએ બિલ રજૂ કર્યું છે, જેમાં પાકિસ્તાનની સાથે અમેરિકાએ સંબંધો  ઓછા કરવાની રજૂઆત કરવામાં આવી છે. રિપબ્લિકન સાંસદ ટેડ પો અને ડેમોક્રેટિક પાર્ટીના રિક નોલને શુક્રવારે બિલ રજૂ કર્યું, જેમાં પાકિસ્તાનનો 'મેજર નોન-નાટો એલી' (MNNA) દરજ્જો રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે, કારણ કે પાકિસ્તાન 'આતંકીઓને શરણું આપે છે', અને આતંકવાદથી લડવા, તેને જે રકમ આપવામાં આવે છે, તે અંગે ક્યારેય જવાબદારી નથી દર્શાવતું.
 
 
આ બિલ એવા સમયે સંસદમાં રજૂ કરવામાં આવી રહ્યું છે, જ્યારે મોદી પોતાની અમેરિકાની યાત્રા દરમિયાન પહેલીવાર અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. ટેડ પો એ અમેરિકન સંસદમાં પાકિસ્તાનની આકરા શબ્દોમાં ટીકા કરતા કહ્યું હતું કે, પાકિસ્તાનને તેના હાથમાં લાગેલા અમેરિકન લોહી અંગે જવાબદાર બનવું જ પડશે. ઓસામા બિન લાદેનને શરણું આપવાથી માંડીને તાલિબાનને સાથ આપવા સુધી પાકિસ્તાન જિદ્દી રીતે આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો ઇન્કાર કરતું રહ્યું છે. આપણે સ્પષ્ટ રીતે પાકિસ્તાન સાથેના સંબંધો ઓછા કરવા જોઇએ, એટલું જ નહીં પાકિસ્તાનને આપણે આપણા લેટેસ્ટ હથિયારો તો ન જ આપવા જોઇએ. પાકિસ્તાનને વર્ષ 2004માં તત્કાલીન અમેરિકન પ્રેસિડન્ટ બુશ એ પોતાના કાર્યકાળમાં MNNAનો દરજ્જો આપ્યો હતો, જેથી તે અલ-કાયદા અને તાલિબાન વિરુદ્ધ લડવામાં અમેરિકાની મદદ કરી શકે.

NASA એ પોતાના અંતરિક્ષ મિશન માટે ૧૨ નવા અંતરિક્ષયાત્રીઓની પસંદગી કરવામાં આવી છે. આ નવા પસંદ કરાયેલા અંતરિક્ષયાત્રીઓમાં એક ભારતીય અમેરિકનનો પણ સમાવેશ કરાયો છે.

NASA દ્વારા આ પસંદગી રેકોર્ડજનક ૧૮૩૦૦ અરજદારોમાંથી કરવામાં આવી છે. નાસા દ્વારા આ અંતરિક્ષયાત્રીઓની પસંદગી પૃથ્વીના ભ્રમણ કક્ષાથી ઊંડા અંતરિક્ષમાં અભ્યાસ કરવા માટે કરવામાં આવી છે. નાસાના જણાવ્યા મુજબ હવે આ અંતરિક્ષયાત્રીઓને ટ્રેનિંગ આપવામાં આવશે.

નાસા દ્વારા પસંદ કરાયેલા નવા ૧૨ અંતરિક્ષયાત્રીઓમાંથી સાત પુરુષ અને પાંચ મહિલાઓ છે. આ છેલ્લા ૨૦ વર્ષોમાં સૌથી મોટું ગ્રૂપ અંતરિક્ષ મિશન ઉપર જવા માટે પસંદ કરવામાં આવ્યું છે. આ પસંદ કરાયેલા ૧૨ વ્યક્તિઓમાંથી ૬ સેનાના અધિકારી, ૩ વૈજ્ઞાનિક, બે મેડિકલ ડોક્ટર અને એક સ્પેસએક્સના એન્જિનિયર છે. આ ઉપરાંત આ ટીમમાં નાસાના રિસર્ચ પાયલોટ પણ હશે. આ પસંદગી પામેલાઓમાંના એક ભારતીય અમેરિકન નાગરિક પણ છે જેમનું નામ રાજા ગિરિંદર ચારી છે.

લેફ્ટનન્ટ કર્નલ રાજા ગિરિંદર ચારી 39 વર્ષના છે. તેઓ ૪૬૧માં ફ્લાઈટ ટેસ્ટ સ્કવાડ્રનના કમાન્ડર અને કેલિફોર્નિયામાં એડવર્ડ એરફોર્સ બેસ ઉપર એમ 35 ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ ફોર્સના ડાયરેક્ટર પણ છે. રાજા ગિરિંદર ચારી વાટરલૂમાં રહે છે અને તેઓએ એમઆઈટીમાંથી એરોનોટિક્સમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી. આ ઉપરાંત યુએસ નેવલ ટેસ્ટ પાયલટ સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. રાજા ગિરિંદર ચારીના પિતા ભારતીય છે.

નાસાના એક નિવેદન મુજબ, નવા અંતરિક્ષ યાત્રી ઉમેદવારોની પસંદગી ૧૮,૩૦૦ અરજદારોમાંથી કરવામાં આવી છે. જે ઓગસ્ટ મહિનાથી અંતરિક્ષ યાન પ્રણાલી, સ્પેસવોકિંગ સ્કિલ્સ, ટીમવર્ક, રશિયન ભાષા અને અન્ય જરૂરિયાત મુજબના પ્રશિક્ષણ લેશે.

બાંગ્લાદેશ માં છેલ્લા ત્રણ દિવસમાં પડી રહેલા ભારે વરસાદના લીધે ૫૧ લોકોના મૃત્યુ થયા છે અને ૧૧ લોકો ઘાયલ થયા છે. આપદા પ્રબંધન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશના રંગમતી જીલ્લામાં ૨૯, ચટગામમાં ૧૬ અને બંદરબાડમાં ૬ લોકોના મોત થયાં છે.
આ પૂર્વે રંગમતીના જીલ્લાના અધિક પોલીસ કમિશ્નર મોહમ્મદ શાહીદુલ્લાએ કહ્યું કે ભારે વરસાદના લીધે બચાવ કાર્યમાં તકલીફ પડી રહી છે. તેમણે કહ્યું કે ખરાબ હવામાનના લીધે અને પહાડી વિસ્તાર હોવાથી બચાવ અભિયાનમાં ભારે તકલીફ પડી રહી છે.

હવામાન વિભાગના ચંટગામ કાર્યાલયના પ્રવક્તા દિજેન રોયે કહ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૧ મિલીમીટર વરસાદ પડ્યો છે. તેની સાથે જ બંગાળની ખાડીમાં સતત બની રહેલા હવાના હલકા દબાણના લીધે વધુ વરસાદની સંભાવના છે. તેમજ તમામ નદીઓમાં જળસ્તર ભયજનક રીતે વધી રહ્યું છે. કેટલીક નદીઓ ખતરાના નિશાન સુધી પહોંચી રહી છે.

આ ઉપરાંત ભારતમાં બાંગ્લાદેશથી અસમ સાથે જોડાયેલા હિસ્સામાં પણ લોકો પ્રભાવિત થયા છે. જેમાં ગત સપ્તાહે અસમમાં સતત થયેલા વરસાદના પગલે ૧૩,૦૦૦ લોકો પ્રભાવિત થયા હતા. તેમજ ભૂસ્ખલનના લીધે રેલ્વે વ્યવહાર પણ ખોરવાયો હતો. અસમ આપદા પ્રબંધન પ્રાધિકરણના અધિકારીઓના મતે છેલ્લા ૨૪ કલાકમાં લખમીપુર,જોરહાટઅને વિશ્વનાથ જીલ્લામાં ૨૮ ગામ પુરથી અસરગ્રસ્ત છે.

મોદી સરકારના ત્રણ વર્ષ પૂરા થવા પર વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પોતાના મંત્રાલયના કામના લેખાં-જોખાં રજૂ કર્યા. સુષ્મા સ્વરાજ એ યુપીએના છેલ્લાં ત્રણ વર્ષ અને મોદી સરકારના ત્રણ વર્ષના કાર્યકાળની સરખામણી કરતાં દાવો કર્યો કે તેમની સરકાર વિદેશી ફ્રંટથી લઇને સ્થાનિક મોર્ચા સુધી શાનદાર કામ કર્યું. પેરિસ કરારથી અલગ થતાં સમયે અમેરિકન રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ભારત વિરૂદ્ધ ટિપ્પણીને ખોટી ગણાવતા સુષ્માએ કહ્યું કે ભારતે કોઇપણ પ્રકારની લાલચ કે દબાણમાં આવીને પેરિસ કરાર પર હસ્તાક્ષર કર્યા નહોતા અને અમે તેનો હિસ્સો બની રહીશું.

વિદેશી મોર્ચાથી લઇને સ્થાનિક ડેવલપમેન્ટ સુધી, સુષ્માએ સફળતાના કિસ્સા ગણાવ્યા
સુષ્મા સ્વરાજે કહ્યું કે સ્થાનિક વિકાસના કાર્યક્રમોમાં પહેલી વખત વિદેશ મંત્રાલય સક્રિય ભૂમિકા નિભાવી રહ્યું છે. વિદેશમાં વસતા ભારતીયોની સુરક્ષા આપણા દૂતાવાસોની પ્રાથમિકતા બની ગઇ છે. તેમણે યુપીએના છેલ્લાં ત્રણ વર્ષ અને મોદી સરકારના ત્રણ વર્ષ દરમ્યાન એફડીઆઈનું ઉદાહરણ આપતા કહ્યું કે તેમાં રેકોર્ડ (35%થી વધુ) વૃદ્ધિ થઇ.

પ્રવાસી ભારતીયોની સુરક્ષા
સુષ્મા સ્વરાજે કહ્યું કે 3 વર્ષની અંદર વિદેશમાં ફસાયેલા 80000 લોકોને સુરક્ષિત ભારત લાવવામાં આવ્યા. તેમણે કહ્યું કે હજુ તેમાં ઑપરેશન મૈત્રી (1,05,000 લોકો) અને સાઉદીમાંથી બચાવામાં આવેલા (અંદાજે 80000 લોકો) લોકોનો આંકડો સામેલ નથી. સુષ્માએ તેના માટે પીએમ મોદીની કુટનીતિની સાથોસાથ પોતાના બંને સહયોગીઓ જનરલ વીકે સિંહ અને એમ.જે.અકબરને ક્રેડિટ આપી. તેમણે કહ્યું કે ફીલ્ડનું કામ અમારા મેજર (વીકે સિંહ) અને વાતચીતનું કામ અમારા પત્રકાર (એમ.જે.અકબર)એ સારી રીતે સંભાળ્યું.

પાસપોર્ટ સર્વિસમાં સુધાર
સુષ્માએ કહ્યું કે પાસપોર્ટ સર્વિસીસમાં ઘણો સુધારો આવ્યો. તેના નિયમ સરળ કરાયા. તેના લીધે પાછલાં ત્રિમાસિકની તુલનામાં આ ત્રિમાસિકમાં પાસપોર્ટની અરજીઓમાં 50%નો વધારો થયો.

પાસપોર્ટ સર્વિસીસમાં વિસ્તાર
સુષ્માએ કહ્યું કે જ્યારે સરકાર આવી ત્યારે દેશમાં માત્ર 77 પાસપોર્ટ કેન્દ્ર હતા. પછી અમે 16 વધાર્યા. તમામ નૉર્થ ઇસ્ટના રાજ્યોને કેન્દ્ર આપ્યું. પછી પોસ્ટઓફિસની સાથે તેને જોડ્યા.

મોદી એ ટીકાકારોને આપ્યો જવાબ: સુષ્મા
સુષ્મા સ્વરાજે કહ્યું, ‘જે સમયે અમારી સરકારી આવી હતી ત્યારે વિદેશ નીતિના ટીકાકારોએ એક વાત એકી અવાજે કહી હતી કે હવે પશ્ચિમ એશિયા વિદેશ નીતિના ફોકસથી બહાર થઇ જશે. કારણ કે તેમને લાગતું હતું કે મોટાભાગના મુસ્લિમ દેશ છે જે મોદીની પ્રાથમિકતા રહેશે નહીં. આજે તુલના કરશો તો ખબર પડશે કે સૌથી સારા સંબંધ પશ્ચિમ એશિયાની સાથે છે. સાઉદી અરબ એ પીએમને સર્વોચ્ચ સમ્માનથી નવાજ્યા. અબુ ધાબીના પ્રિન્સ આપણા 26મી જાન્યુઆરીના સમારંભના મુખ્ય અતિથિ બનીને આવ્યા. આ બંને દેશ પાકિસ્તાનના મિત્ર દેશ મનાય છે છતાં આપણા સંબંધી બન્યા.’

તેમણે કહ્યું કે દુનિયામાં પરસ્પર વિરોધી દેશો સાથે પણ ભારતના સંબંધ સારા છે. તેનું ઉદાહરણ સાઉદી અરબ અને ઇરાન છે. ભારત બંનેનું મિત્ર દેશ છે, જ્યારે બંનેના સંબંધ ખરાબ છે. ઇઝરાયલ અને ફિલસ્તીન બંને સાથે આપણા સારા સંબંધ છે.

H1B વીઝા, પેરિસ કરાર અને ટ્રમ્પની ટિપ્પણી પર આપ્યો જવાબ
સુષ્મા સ્વરાજે અંતમાં પત્રકારોના પ્રશ્ન પર H1B વીઝા, પેરિસ કરાર અને ટ્રમ્પની ટિપ્પણી પર જવાબ આપ્યો. સુષ્માએ કહ્યું, ‘ઓબામાના કાર્યકાળ દરમ્યાન જે ગતિથી સંબંધ વધી રહ્યાં હતા તે જ ગતિથી ટ્રમ્પના કાર્યકાળમાં પણ વધી રહ્યા છે. સતત આપણા અને તેમના નેતા સંપર્કમાં છે. ટ્રમ્પ વહીવટીતંત્ર ભારત અને અમેરિકાના સંબંધોને પરસ્પર લાભના સંબંધ માની રહ્યાં છે. H1B વીઝા અંગે એક વાત સ્પષ્ટત કરી દઉં કે હજી સુધી સ્થિતિમાં કોઇ ફેરફાર આવ્યો નથી.’

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર આવ્યા બાદ તેણે H1B1 વીજા અંગે કેટલાક નિર્ણયો લીધા છે, જેના કારણે અમેરિકામાં વસતા ભારતીયોમાં ચિંતા વધી છે.

જે અંગે કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું છે કે H1B1 વીજાને આસાનીથી ખતમ કરી શકાય તેમ નથી. મોદી સરકારના ત્રણ વર્ષ પૂરા થવાના અવસરે કેન્દ્ર સરકારના

મંત્રીઓ એક પછી એક પોતાના કામના લેખા-જોખા રજૂ કરી રહ્યા છે. આ શૃંખલામાં કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સોમવારે પોતાના મંત્રાલયના કામકાજનો હિસાબ આપ્યો હતો.

તેઓએ આ દરમિયાન H1B1 વીજાને લઈને સ્પષ્ટ કહ્યું હતું કે ચિંતાઓ છે પરંતુ તેમાં કેટલાક સંશોધન એવા છે કે જેને કોઈ એક્ઝિક્યૂટીવ આદેશથી H1B1 વીજાને ખતમ કરી શકાય તેમ નથી.

વર્ષો પહેલા સઉદી સરકાર દ્વારા  વિશ્વના સૌથી ઊંચા જીદ્દાહ ટાવરની સ્થાપના અંગે વાત કરવામાં આવી હતી. જો કે પ્રિન્સ અલ-વાલિદ બિન તલાલે ગુરૂવારે જણાવ્યું કે ટાવરના કામકાજમાં  વિલંબ થવાથી ૨૦૧૯ સુધીમાં તૈયાર થશે. દુબઈના બુર્જ ખલીફા કરતા ૧ કિમી વધુ ઊંચું બાંધવામાં આવશે.

હાલ પ્રોજેક્ટમાં વિલંબ થયો છે જો કે ૨૦૧૯માં ફરીવાર શરૂ કરશે. જીદ્દાહ આર્થિક કંપની સાથે સંકળાયેલી કિંગડમ હોલ્ડિંગ કંપનીના અલ-વાલિદ અધ્યક્ષ છે. સઉદી બિન-લાદીન સમૂહને આ ઈમારતના બાંધકામની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે ૨૦૧૪માં તેલના ભાવમાં ધરખમ ઘટાડો થતાં સઉદીનું અર્થતંત્ર ધરશાયી થઈ ગયું હતું.

૨૦૧૧માં સૌ-પ્રથમવાર જાહેરાત કરવામાં આવી હતી એ સમયે બાંધકામ ૩૬ મહિનામાં પૂર્ણ થશે તેવી વાત કરવામાં આવી હતી. નવેમ્બર ૨૦૧૬ સુધીમાં ચાર માળ પણ તૈયાર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ કહેવામાં આવ્યંુ કે ૨૦૧૮ સુધીમાં બાંધકામ પુરું થઈ જશે ત્યારબાદ તેલના ભાવનો કડાકો બોલાતા નવેમ્બર ૨૦૧૫માં જીદ્દાહ આર્થિક કંપનીએ સઉદીની  અલિનમા કંપની સાથે કરાર કરી ૨૬ માળ તૈયાર કરી દીધા હતા. હાલ ઈમારત ૩૦ માળ સુધી તૈયાર થઈ ગઈ છે. હાલ ૩૦માં માળેથી જીદ્દાહ અને આસપાસના દરિયા જોઈ શકાય છે.કિંગડમ હોલ્ડિંગે તેમના શેયર યુરો ડિઝની થીમ પાર્ક, એપલ, ન્યુઝ કોર્પોશન અને યુએસ સિટી જાયન્ટ સમૂહમાં રોકાણ કર્યું છે.

પાકિસ્તાન પોતાની હરકતો બંધ કરવાનું નામ નથી લઇ રહ્યું. હાલમાં ગોળીબારીમાં બે જવાનોના શહીદ થયા બાદ પણ પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં પૂંછ સેક્ટરમાં લગાતાર ફાયરીંગ થયું છે. પાકિસ્તાન તરફથી મોડી રાતે ૨:૩૦ વાગ્યાથી ૫:૩૦ સુધી લગાતાર ફાયરીંગ કરવામાં આવ્યું છે. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનની ગોળીબારીનો જડબાતોડ જવાબ આપ્યો છે. આ ફાયરીંગ પૂંછ સેક્ટરના માનકોટ વિસ્તારમાં થયું છે.
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમે ઘાત લગાવીને હુમલો કર્યો હતો, જેમાં સેનાના નાયબ સુબેદાર પરમજીત સિંહ અને બીએસએફના હેડ કોન્સ્ટેબલ પ્રેમ સાગર શહીદ થયા હતા. હુમલા બાદ પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમે જવાનોની લાશને ક્ષત- વિક્ષત કરી દીધી હતી. જવાનો સાથે બર્બરતાને લઈને દેશભરમાં આક્રોશ છે.
નાના બે જવાનો સાથે બર્બરતાના મુદ્દા પર વાઈસ ચીફ ઓફ આર્મી સ્ટોફ સરથ ચંદે કહ્યું હતું કે, પાકિસ્તાને આ અંજામ ભોગવવો પડશે. આર્મી આ હરકતનો જવાબ  નક્કી કરવામાં આવેલ સમય પર આપશે. તેમણે કહ્યું કે, બે જવાનોની હત્યા અને તેમનું માથું કાપવું પાકિસ્તાની સેનાની કુંઠા બતાવે છે. સારથ ચંદે કહ્યું કે, પાકિસ્તાની સેના પોતાની આ હરકત ક્યારેય યોગ્ય નહિ ગણાવી શકે.

દુનિયાની આબોહવા દિનપ્રતિદિન ખુબજ પ્રદુષિત થતી જોવા મળી રહી છે જેના કારણે નાના બાળકોના આરોગ્યને ગંભીર અસર પડી રહી છે. યુનિસેફ  ના એક તાજા રીપોર્ટ અનુસાર વિશ્વભરના લગભગ ૩૦ કરોડ બાળકો ઝેરી હવા વચ્ચે પોતાની જીંદગી ગુજારી રહ્યા છે. સાથે સાથે યુનિસેફે પોતાના રીપોર્ટમાં જણાવ્યું છે કે વિશ્વનું દરેક સાતમું બાળક ઝેરીલી હવામાં શ્વાસ લઇ રહ્યું છે અને આ વાયુ આંતરરષ્ટ્રીય માપદંડોથી છ ગણું વધુ પ્રદુષિત છે.
અહેવાલ અનુસાર બહાર અને અંદરના વાયુ પ્રદુષણ થવાને કારણે શ્વાસ લેવાની અને ન્યુમોનિઆ જેવા રોગ થવાની શક્યતાઓ વધી જાય છે અને પાંચ વર્ષથી ઓછી ઉંમરના ૧૦ બાળકો માંથી એકનું મોત આવા રોગના લીધે થયું છે.

આ અનુસાર વાયુ પ્રદુષણથી દરવર્ષે ૬૦૦,૦૦૦ બાળકોના મોત થાય છે જો પાંચ વર્ષ કરતા નાની ઉંમરના હોય છે. સાથે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્રારા નક્કી કરવામાં આવેલી વાયુ ગુણવતાના માપદંડોથી નીચે લગભગ ૬૨ કરોડ બાળકો પોતાની જીંદગી જીવી રહ્યા છે. ત્યારબાદ ૫૨ કરોડ બાળકો બાળકો આફ્રિકામાં અને પશ્ચિમી એશિયા અને પ્રશાંત ક્ષેત્રના પ્રદુષિત વિસ્તારોમાં રહેવા વાળા બાળકોની સંખ્યા લગભગ ૪૫ કરોડ છે.
ભારતની વાત કરતાં વૈશ્વિક વાયુ પ્રદુષણ અહેવાલ મુજબ અહી સૌથી વધુ વાયુ પ્રદુષણ ઉત્તર ભારતમાં જોવા મળ્યું છે.અહી પ્રદુષિત વાયુઓમાં ફેફસાંને નુકશાન કરવા વાળા પીએમ ૨.૫ કણોની સંખ્યા સામાન્ય સ્તરની સરખામણીએ ૮ થી ૧૨ ગણું વધુ છે.

દક્ષિણ ચીન  સાગર વિવાદના પગલે ચીનના રાષ્ટ્રપતિ શી જીન્પીંગે સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. રાષ્ટ્રપતિ શી જીન્પીંગે દક્ષિણ ચીન સાગરમાં ચાલી રહેલા વિવાદના પગલે યુદ્ધની તૈયારીઓ આરંભી દીધી છે. તેમજ સેનાના યુદ્ધ અભ્યાસ શરૂ કરવા પણ આદેશ આપ્યા છે. સત્તાધારી કમ્યુનીસ્ટ પાર્ટીના મહાસચિવ અને કેન્દ્રીય સૈન્ય આયોગના ચેરમેન શી એ શુક્રવારે પીપુલ્સ લીબરેશન આર્મીના દક્ષિણ થીયેટરના કમાનને નિરીક્ષણ દરમ્યાન ટીપ્પણી તરફ એક મજબુત સેનાના નિર્માણ પર જોર આપ્યું છે. કમ્યુનિસ્ટ પાર્ટી સેના અને સરકારના નેતૃત્વ કરનારા પ્રભાવશાળી નેતા ૬૩ વર્ષીય શી જીન્પીંગે આ વર્ષે પોતાનો પ્રથમ પાંચ વર્ષના કાર્યકાળ પૂર્ણ કરશે. તેમજ કોંગ્રેસની ૧૯મી બેઠક દરમ્યાન ફરીથી પાંચ વર્ષ માટે ચૂંટાઈ આવે તેવી શક્યતા છે.

શી જીન્પીંગે સૈનિકો પાસે યુદ્ધની તૈયારીઓ માટે સક્રિયતા વધારવા અને બદલાવ કરવા માટે યુદ્ધ ક્ષમતા વધારવા સતત પ્રયત્નો કરવા જણાવ્યું છે.

ચીનની સરકારી સંવાદ સમિતિ સિન્હુઆએ શી જીન્પીંગના હવાલેથી જણાવ્યું છે કે ચીનના રાષ્ટ્રપતિ સંયુક્ત યુદ્ધ અભ્યાસ પ્રણાલીના નિર્માણમાં તેજી લાવવા પર ભાર મૂકી રહ્યાં છે. દક્ષિણ ચીન મહાસાગરમાં પડોશીઓ જોડે થયેલા વિવાદના પગલે આ નિવેદન સામે આવી રહ્યાં છે.

ચીનના પડોશી દેશ જેવા કે ફીલીપીન, મલેશિયા, બ્રુનેઈ અને વિયેટનામ ના વિરોધ છતાં ચીન પોતાની જમીનથી ૮૦૦ માઈલથી દુર સ્થિત ટાપુ સહિત સમગ્ર દક્ષિણ ચીન સાગર પર પોતાનો દાવો સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે ચીને આ વિસ્તારમાં કેટલાંક કૃત્રિમ ટાપુ બનાવી લીધાં છે. જેમાં કેટલાક સ્થાન પર સૈન્ય ઉપકરણ પર લગાવી દીધાં છે. આ મુદ્દો આ વિસ્તારમાં ચાલી રહેલા તણાવ અને આક્રોશના લીધે લાઈમલાઈટમાં છે.

અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેના સંબંધોમાં સોમવારે વધુ કડવાશ ઉમેરાઈ હતી. એક તરફ ઉત્તર કોરિયાની સરકારી માલિકીની વેબસાઇટે ધમકી ઉચ્ચારી હતી કે અમેરિકા તેમના પર હુમલો કરશે તો અમે અમેરિકાનું નામોનિશાન મિટાવી દઈશું. બીજી તરફ ઉત્તર કોરિયા ફરી પરમાણુ પરીક્ષણ કરશે તો અમેરિકાએ ત્રાટકવાનો સંકેત આપ્યો હતો.
 
 
સોમવારે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે ફોન પર વાત થઈ હતી જેમાં ચીને અમેરિકાને સંયમ રાખવાની અપીલ કરી હતી. ઉત્તર કોરિયા આજે પોતાના સૈન્યની સ્થાપનાની 85મી વર્ષગાંઠે છઠ્ઠું પરમાણુ પરીક્ષણ કરશે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નોર્થ કોરિયામાં આર્મી સેલિબ્રેશનના દિવસે સાઉથ કોરિયામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
 
અમેરિકાનું યુદ્ધ જહાજ કાર્લ વિલ્સન ગણતરીના દિવસોમાં કોરિયન મહાસાગરમાં પ્રવેશવા જઈ રહ્યું છે ત્યારે ઉત્તર કોરિયાની સરકારી માલિકીની વેબસાઇટે ધમકી આપી છે કે અમેરિકા અમારા પર હુમલો કરશે તો અમે અમેરિકાનું નામોનિશાન મિટાવી દઈશું. ઉત્તર કોરિયાએ છઠ્ઠું પરમાણુ પરીક્ષણ કરવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે સંયુક્ત રાષ્ટ્ર સ્થિત અમેરિકી રાજદૂત નિકી હેલીએ સંકેત આપ્યો હતો કે ઉત્તર કોરિયા ફરી પરમાણુ પરીક્ષણ કરશે તો હુમલાની શક્યતા નકારી શકાય નહીં. ઉત્તર કોરિયાની સરકારી વેબસાઇટ રોડોંગ સીનમૂને દાવો કર્યો હતો કે અમારું સૈન્ય એક હુમલામાં અમેરિકી યુદ્ધજહાજને તોડી પાડવા સક્ષમ છે.