જિલ્લાભરના શિવાલયો બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા

પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થયો છે. શ્રાવણ મહિનાનુ ભક્તોમાં અનેરૂ મહત્વ રહેલુ છે. ભગવાન શિવની આરાધના કરવા માટે શ્રાવણ મહિનો શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્યારે રવિવારે ગાંધીનગર શહેર સહિત જિલ્લાભરના શિવાલયો બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા. એક પ્રકારે ભક્તો ડમરૂવાળાના દરબારમાં પહોંચ્યા હતા. જળ, દૂધ, કાળા તલ સહિતની સામગ્રી લઇને પૂજા કરવામાં આવી હતી. જ્યારે શિવમહિમ્ન પાઠ, લઘુરૂદ્ર સહિતનુ મંદિરોમાં આયોજન કરાયુ હતુ. રાજ્યમાં શ્રાવણ મહિનો શરૂ થઇ ગયો છે, ત્યારે ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રવિવારે સવારથી જ ભક્તો ભોળાનાથના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. શિવમંદિરોમાં મહાઆરતી કરવામા આવી હતી.