વિધાનસભા ગૃહમાં પ્રશ્ન ન પૂછવા માટે કૉંગ્રેસના ધારાસભ્યએ રૂપિયા લીધા હોવાનો ઘટસ્ફોટ

હળવદ તાલુકામાં નાની સિંચાઈ યોજનામાં થયેલો ભ્રષ્ટાચાર છુપાવવા અને વિધાનસભા ગૃહમાં પ્રશ્ન ન પૂછવા માટે હળવદ-ધ્રાંગધ્રાના કૉંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ રૂપિયા લીધા હોવાનો ઘટસ્ફોટ થયાના ગણતરીના સમયમાં તેમની ધરપકડ થઈ છે. સાબરિયા સાથે તેમના મળતિયા વકીલને પણ મોરબી એલસીબીએ સાણસામાં લીધો છે. રૂપિયાની લેતીદેતી મુદ્દે થયેલી ટેલિફોનિક વાતચીતનો ઓડિયો વાઇરલ થયો છે, તેમાં ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા સામેવાળી વ્યક્તિને ‘ટાઇમ ખોટો લંબાય છે, 10નો મેળ કરી દ્યો’ કહેતાં સ્પષ્ટ સંભળાઈ રહ્યા છે. આ ઉપરાંત પણ લેતીદેતી માટે વાતચીત થઈ હતી. હળવદમાં રવિવારે જનસંપર્ક કાર્યાલય શરૂ થાય તે પહેલાં જ મોરબી એલસીબીએ ધારાસભ્ય સાબરિયાની ધરપકડ કરી હતી.