મહારાષ્ટ્રમાં એકલા ચૂંટણી લડવાની તૈયારી કરો : અમિત શાહ

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર શિવસેનાના વલણથી બીજેપીના અધ્યક્ષ અમિત શાહ નારાજ છે. મુંબઈમાં રવિવારે બીજેપી કાર્યકર્તાઓની બેઠકમાં તેમણે 2019ની લોકસભા ચૂંટણી એકલા લડવાની તૈયારી કરવા માટે કહ્યું. આ માટે તેમણે સંગઠનને મજબૂત કરવાના નિર્દેશ આપ્યા. તેમણે જણાવ્યું કે લોકસભા સીટો પર ટૂંક સમયમાં ઇન્ચાર્જ નિયુક્ત કરવામાં આવશે. તમામ સીટો પર એવી તૈયારી હોવી જોઇએ કે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના એકસાથે લડવા છતાંપણ બીજેપીની જ જીત થાય. જ્યારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટી મુખપત્ર 'સામના'ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે મોદીના સપના માટે નહીં, સામાન્ય માણસના સપના માટે લડી રહ્યા છીએ. તેમણે કહ્યું કે શિવસેના કોઇ એક પાર્ટીની દોસ્ત નથી.