પુલવામા હુમલા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- જે આગ તમારા દિલમાં છે તે મારા દિલમાં પણ છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પુલવામા હુમલાને લઇને જે આગ દેશની પ્રજાના દિલમાં છે તે આગ તેમના પણ દિલમાં છે. બિહારના બરૌનીમાં સરકારી યોજનાઓના લોકાર્પણ કરવા પહોંચેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું પુલવામા હુમલામાં શહીદ થયેલા લોકોને નમન કરુ છું. વડાપ્રધાને પુલવામા હુમલામાં શહીદ થયેલા પટનાના શહીદ સંજય કુમાર સિન્હા ભાગલપુરના રતન કુમાર ઠાકુરને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપું છું. બિહારની રાજધાની પટનાને દેશ માટે ગૌરવ બની ચૂકેલ મેટ્રોની ભેટ વડાપ્રધાને આપી હતી. વડાપ્રધાન મોદીએ બરૌનીથી આ યોજનાનો શિલાન્યાસ કર્યો હતો. દરમિયાન તેમની સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ હાજર રહ્યા હતા. 13 હજાર 365 કરોડના ખર્ચે બનનારા પટના મેટ્રો બિહારમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની તસવીર બદલીને રાખી દેશે. અહી મેટ્રો 31.39 કિલોમીટરની રહેશે.

વડાપ્રધાને કહ્યું કે તે પટનાવાસીઓને અભિનંદન આપે છે કારણ કે પાટલિપુત્ર હવે મેટ્રો રેલથી જોડાવા જઇ રહ્યું છે. 13 હજાર કરોડ રૂપિયાની આ યોજનાને વર્તમાન સાથે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે. આ મેટ્રો પ્રોજેક્ટ પટના શહેરને નવી ઝડપ આપશે. તે સિવાય વડાપ્રધાન મોદીએ રિફાઇનરી વિસ્તરણ યોજનાનો શિલાન્યાસ કર્યો. તે સિવાય પટના-રાંચી માટે એસી ટ્રેનનું ઉદ્ધાટન કર્યું હતું. બિહાર બાદ વડાપ્રધાન મોદી ઝારખંડ પહોંચ્યા હતા.