ફ્રાંસે ક્રોએશિયાને 4-2થી હરાવી ફૂટબોલ વર્લ્ડકપ પોતાના નામે કરી લીધો

ફિફા વર્લ્ડકપ 2018ની ફાઇનલમાં ફ્રાંસે ક્રોએશિયાને 4-2થી હરાવી બીજી વખત ફૂટબોલ વર્લ્ડકપ પોતાના નામે કરી લીધો છે. ફાઇનલ જીત્યા બાદ ફ્રાંસ પર ઇનામોનો વરસાદ થયો હતો. ચેમ્પિયન ફ્રાંસને 38 મિલિયન ડોલર (લગભગ 260 કરોડ રૂપિયા)ની ઇનામી રકમ અને 18 કેરેટ સોનાની ટ્રોફી મળી હતી.

ફાઇનલમાં રનર્સઅપ બનેલી ક્રોએશિયાની ટીમ 28 મિલિયન (લગભગ 191 કરોડ રૂપિયા) ઇનામી રકમની હકદાર બની હતી. આ સિવાય ત્રીજા સ્થાને રહેલી બેલ્જિયમની ટીમને 24 મિલિયન ડોલર (લગભગ 164 કરોડ રૂપિયા)નું ઇનામ મળ્યુ જ્યારે ચોથા સ્થાને રહેનારી ઇંગ્લેન્ડની ટીમને 22 મિલિયન ડોલર (150 કરોડ રૂપિયા)નું પ્રાઇઝ મની મળ્યુ છે.આ વખતે ફિફા વર્લ્ડકપ 2018માં કુલ ઇનામી રકમ 79 કરોડ દસ લાખ ડોલર (791 મિલિયન ડોલર એટલે કે 53 અરબ રૂપિયાથી વધુ) છે, જે ગત વખતે 2014માં બ્રાઝિલમાં રમાયેલા વર્લ્ડકપથી 40 ટકા વધુ છે. ચેમ્પિયનને મળનારી ઇનામી રકમ ગત વખતથી 30 લાખ ડોલર વધુ છે.