ટાઉન પ્લાનિંગ સ્કીમમાં દબાણ થતાં અટકાવવા માટે પ્લોટ ફરતે પાકી કમ્પાઉન્ડ વોલ

ગાંધીનગર શહેરી વિકાસ સતામંડળ હસ્તકની જમીનના વિવિધ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં આવેલા 100થી વધુ પ્લોટમાં દબાણ થતાં અટકાવવા માટે પ્લોટ ફરતે પાકી કમ્પાઉન્ડ વોલ બાંધવાનું કામ શરૂ કરાયું છે. ગુડાના ઇજનેરી સુત્રોના જણાવવા પ્રમાણે તેના પાછળ રૂપિયા 6 કરોડનો ખર્ચ કરવામાં આવશે. સ્વાભાવિક રીતે જ ટીપી ફાઇનલ થવાની સાથે જાહેર ઉપયોગ માટે ગુડાને કપાતમાં મળેલી જમીનના પ્લોટ જેમના તેમ ખુલ્લા પડી રહેવાથી તેમાં દબાણ ઉભા થઇ જાય છે અને દબાણ દુર કરવાની વાત આવે ત્યારે કોઇપણ તંત્ર માટે નેવાના પાણી મોભારે ચઢાવવા જેવી સ્થિતિનું સર્જન થાય છે.