ગુજરાતમાં કાશ્મીર જેવા માહોલ : હદ કરતા વધી ગયો ઠંડીનો પારો

ગુજરાતમાં આકરી ઠંડીનો દોર શરૂ થયો છે. રાજ્યમાં ઠંડીનો પ્રકોપ હજી વધવાનો છે. આવનારા બે દિવસ સૌરાષ્ટ્ર કચ્છ અને સમગ્ર ગુજરાતમાં શીત લહેરની હવામાન વિભાગે આગાહી કરી છે. તેમજ ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, રાજકોટ, ભાવનગર, કચ્છ અને દીવમાં પણ આ શીત લહેર છવાયેલી રહેશે. લઘુત્તમ તાપમાન 1૦ ડિગ્રી કે તેથી નીચે રહેવાની હવામાન વિભાગની આગાહી છે.

સુસવાટા મારતા પવન સાથે રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ગુજરાતભરમાં ફરી વળ્યું છે. રાજ્યમાં આગામી 2 દિવસ સુધી ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે. આ દિવસોમાં રાજ્યવાસીઓને વધુ ઠંડી સહન કરવી પડશે. રાજ્યના ઠંડીના પ્રકોપમાં વધારો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. મોટા ભાગના જિલ્લાઓમાં શીત લહેરની આગાહી કરાઇ છે. 

કાશ્મીરમાં થયેલી ભારે હિમ વર્ષાની સીધી અસર ગુજરાતમાં દેખાઈ રહી છે. હવામાન વિભાગે હજી એક સપ્તાહ સુધી આ માહોલ બની રહેશે તેવું જણાવ્યું છે. ત્યારે માઉન્ટ આબુમાં તાપમાન ગગડ્યું છે. આબુમાં તાપમાન 3 ડિગ્રી પહોંચ્યું છે. તો ગુજરાતના અન્ય શહેરોમાં પણ તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. અમદાવાદમાં 10.4 ડિગ્રી પારો પહોંચી ગયો છે.