જેટલા વધુ દળો એક સાથે મળશે તેટલું વધુ કિચડ થશે એટલા વધારે કમળ ખીલશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શાહજહાંપુરમાં કિસાન કલ્યાણ રેલીને સંબોધિત કરી હતી. રેલી દરમિયાન મહાગઠબંધન પર વ્યંગ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જેટલા વધુ દળો એક સાથે મળશે તેટલું વધુ કિચડ થશે એટલા વધારે કમળ ખીલશે. વડાપ્રધાન મોદીએ સંસદમાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલતા કહ્યું કે, અમે તેમના અવિશ્વાસ પ્રસ્તાવને લઇને અનેકવાર સવાલો કર્યા છે પરંતુ તેઓ કારણ બતાવી રહ્યા નથી અને ગળે પડી ગયા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અહંકાર, દંભ અને દમનના સંસ્કાર આજે યુવા ભારત સહન કરવા તૈયાર નથી પછી તે સાયકલ હોય અથવા હાથી, , કોઇ પણ હોય સાથી, સ્વાર્થના આ આખા સ્વાંગને દેશ સમજી ચૂક્યો છે.પોતાના ભાષણ દરમિયાન મોદીને કહ્યું કે, આખા દેશના ખેડૂતો અમને આશીર્વાદ આપી રહ્યા છે. કેટલાક દિવસો અગાઉ શેરડીના ખેડૂતો મને મળવા દિલ્હી આવ્યા હતા અને મે તેમને કહ્યુ હતું કે ટૂંક સમયમાં શેરડીના ખેડૂતોને એક ખુશખબરી જાણવા મળશે અને આ વચન પુરુ કરવા માટે શાહજહાંપુર આવ્યો છું. શેરડીના ખેડૂતોને તેમની સરકારે ભેટ આપી છે. આ વખતે જે શેરડી વાવવામાં આવી છે તેના ખર્ચથી લગભગ પોણા બે ગણો લાભ મળશે.