મહાપાલિકાના 32 કોર્પોરેટરના પગાર ભથ્થા વધારવા સરકારની જાહેરાત

આગામી તારીખ 14મીએ સામાન્ય સભા બોલાવવામાં આવી છે. મહાપાલિકામાં ચૂટાયેલા 32 કોર્પોરેટરના પગાર ભથ્થા વધારવા સરકારે તો જાહેરાત કરી દીધી છે. હવે તેના નિયમો આગામી સામાન્ય સભામાં મંજુરી માટે મુકાશે. પ્રસિદ્ધ કરાયેલા એજન્ડામાં હાલ આ એકમાત્ર મુદ્દો ચર્ચા માટે મુકવામાં આવ્યો છે. પરંતુ હકિકત એ છે કે વિરોધપક્ષ દ્વારા સામાન્ય સભામાં વિવિધ મુદ્દે શાશકપક્ષને આડે હાથ લેવામાં કોઇ કસર છોડવામાં આવશે નહીં. સરકારે ગાંધીનગર મહાપાલિકામાં કોર્પોરેટરના નવા પગાર રૂપિયા 7 હજાર નિયત કરાયો છે. જ્યારે ટેલિફોન ભથ્થુ અને સ્ટેશનરી ખર્ચ બન્ને રૂપિયા 750થી વધારીને અનુક્રમે 1, 000 તથા 1, 500 કર્યા હોવાથી મહિને 9, 500ની ફીક્સ આવક તેઓ રળી ખાશે આ ઉપરાંત જેટલી બેઠક બોલાવવામાં આવે તેના પેટે રૂપિયા 500 મળશે.