ભીમ એપથી ચુકવણી કરવા પર ટેક્સમાં 20%ની છૂટ

જીએસટી કાઉન્સિલે રુપે કાર્ડ અને ભીમ એપથી ચુકવણી કરવા પર ટેક્સમાં 20% (મહત્તમ 100 રૂપિયા)ની છૂટ આપવાના પ્રસ્તાવને શનિવારે મંજૂરી આપી હતી. આ છૂટ કેશબેકના રૂપમાં આપવામાં આવશે. શરૂઆતમાં તેને પાયલોટ પ્રોજેક્ટ તરીકે એવા રાજ્યોમાં લાગુ કરાશે જે સ્વેચ્છાએ આનો અમલ કરવા ઇચ્છે છે. આ બેઠક ખાસ કરીને નાના અને મઘ્યમ કારોબારીઓ (એમએસએમઇ)ની મુશ્કેલીઓ પર ચર્ચા માટે મળી હતી. એમએસએમઇને હાલમાં કોઇ રાહત નથી મળી, પરંતુ તેમના મુદ્દાઓ પર ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની રચના કરવામાં આવી છે. કેન્દ્રીય રાજ્ય નાણાપ્રધાન શિવ પ્રતાપ શુક્લની અધ્યક્ષતાના આ ગ્રુપમાં દિલ્હી, બિહાર, કેરળ, પંજાબ અને આસામના નાણાપ્રધાનો સામેલ થશે. નાણાપ્રધાન પીયૂષ ગોયેલે આ જાણકારી આપી હતી.