ગંદકી ફેલાવતા ખાનગી એકમોને સીલ મારી દેવાનો કલેક્ટરનો આદેશ

દિલ્હીથી શરૂ કરાયેલા સ્વચ્છ ભારત અભિયાનને ગાંધીનગર જિલ્લામાં પણ વેગવાન બનાવાયુ છે. આ સંબંધે કલેક્ટરે થયેલી કામગીરીનાં લેખાજોખ કરવા સમીક્ષા બેઠક બોલાવીને કામગીરીને વધુ સઘન કરવાની તાકીદ કરવા સાથે કોઇપણ ખાનગી એકમ ગંદકી ફેલાવતા જણાય અને ગંદકી ફેલાવવા બાબતે પુનરાવર્તન કરતાં હોવાનું ધ્યાને આવે તો નોટિસ આપ્યા બાદ તેવા એકમને સીલ મારી દેવાનો સ્પષ્ટ આદેશ કર્યો હતો. ગાંધીનગર શહેરમાં અને જિલ્લામાં જ્યાં પણ ગંદકી જણાય ત્યાં ગંદકી કરનારની સામે દંડનીય કાર્યવાહી કરવા સુચના આપવા સાથે જ બાંધછોડ કે સમાધાન વિના કાર્યવાહી કરવા તેમણે તંત્રના અધિકારીઓને તાકીદ કરી હતી.