રાજ્યસભામાં આજે રજૂ થશે ત્રિપલ તલાક બિલ....

આજે રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલ રજૂ કરવામાં આવશે. સંસદમાં રાજકીય વિવાદને કારણે આ બિલને લઇને સત્તા અને વિપક્ષ બંન્નેએ પુરી તૈયારી કરી લીધી છે. ત્રિપલ તલાક સાથે જોડાયેલું આ બિલ લોકસભામાંથી પસાર કરી દેવામાં આવ્યું છે. વિપક્ષની માંગ છે કે આ બિલને સંસદમાં રજૂ કરતા અગાઉ સેલેક્ટ કમિટીને મોકલવામાં આવવું જોઇએ. આ અગાઉ ભાજપ તરફથી વિજય ગોયલે રાજ્યસભામાં ત્રિપલ તલાક બિલ પસાર કરવા માટે તમામ વિપક્ષ પાર્ટીઓનો સંપર્ક સાધ્યો હતો.

કોગ્રેસ અને ભાજપે પોતાના સાંસદોને વ્હિપ જાહેર કરી સોમવારે સંસદમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. તે સિવાય અન્ય દળના સાંસદોને કહેવામાં આવ્યું છે કે આ મહત્વપૂર્ણ બિલને રજૂ કરવાના અવસર પર તેઓ હાજર રહે. ટીડીપીએ પણ આ માટે વ્હિપ જાહેર કર્યું છે. કોગ્રેસે આ સંબંધમાં ચર્ચા માટે સાંસદોને બેઠક બોલાવી હતી.

એક સીનિયર વિપક્ષ નેતાએ કહ્યું કે, વિરોધી પક્ષ સોમવારે મળશે અને બિલને લઇને રણનીતિ તૈયાર કરશે પરંતુ અમે બધા એ બાબત પર સહમત છીએ કે બિલને સેલેક્ટ કમિટીમાં મોકલવું જોઇએ. આ મુદ્દા પર તમામ વિપક્ષી પાર્ટીઓ એકમત છે.

સરકારે ત્રિપલ તલાકને ગુનો ગણાવીને સપ્ટેમ્બરમાં અધ્યાદેશ જાહેર કર્યો હતો. તેની સમય મર્યાદા 6 મહિના સુધીની હોય છે. જો આ દરમિયાન સંસંદ સત્ર આવી જાય તો સત્ર શરૂ થયાના 42 દિવસમાં અધ્યાદેશને બિલમાં રિપ્લેસ કરવાનો હોય છે.