કુલભૂષણ જાધવની સજા મામલે આજથી આંતરરાષ્ટ્રીય કોર્ટમાં સુનાવણી શરૂ

પુલવામામાં સીઆરપીએફ જવાનો પર જૈશ-એ-મોહમ્મદના હુમલાના ચાર દિવસ પછી ભારત અને પાકિસ્તાન કુલભૂષણ કેસમાં ફરી સામસામે આવી ગયા છે. પૂર્વ ભારતીય નેવી ઓફિસર જાધવને આપવામાં આવેલી મોતની સજા વિશે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઈસીજે)માં સોમવારે સુનાવણી કરવામાં આવી છે. આ સુનાવણી ચાર દિવસ સુધી ચાલશે.

સોમવારે ભારતીય વકીલ હરીશ સાલ્વે અને મંગળવારે પાકિસ્તાનના વકીલ ખાવર કુરૈશી દલીલો રજૂ કરશે. ત્યારપછી ભારત 20 ફેબ્રુઆરીએ જવાબ આપશે અને ઈસ્લામાબાદ 21 ફેબ્રુઆરીએ તેમની છેલ્લી દલીલ રજૂ કરશે.પાકિસ્તાને લગાવ્યો છે જાસુસીનો આરોપ,ભારત પહેલાં પણ કહી ચૂક્યું છે કે, કુલભૂષણ જાસુસ નથી. પરંતુ પાકિસ્તાનના સૈનિકોએ તેમને અફઘાનિસ્તાનના બોર્ડર પરથી કિડનેપ કર્યા છે. ભારતે કોર્ટને અપીલ કરી છે કે પાકિસ્તાનને જાધવની સજા રદ કરવાનો આદેશ આપવામાં આવે. ભારતનો આરોપ છે કે, પાકિસ્તાને વિયેના સંધિનું ઉલ્લંઘન કરીને કુલભૂષણને કાઉન્સલર એક્સેસે ન આપીને માનવ અધિકારોનું પણ ઉલ્લંઘન કર્યું છે.