સ્વાઈન ફ્લૂ : ભાવનગરમાં માત્ર 24 કલાકમાં ૩ વ્યક્તિઓના મોત નીપજતા

હજુ શિયાળાની શરૂઆત થઇ નથી ત્યાં ફરી ગંભીર જીવલેણ એવા સ્વાઈન ફ્લૂના રોગે ફરી એકવાર સમગ્ર રાજ્યની સાથોસાથ ભાવનગરમાં પણ માથું ઉચક્યું છે. ભાવનગરમાં માત્ર 24 કલાકના સમયમાં સગીર, વૃધ્ધા તથા મહિલા મળી કુલ ૩ વ્યક્તિઓના મોત નીપજતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. જ્યારે પાંચ વ્યક્તિ સારવાર હેઠળ છે.ભાવનગર શહેર, જિલ્લા તથા બોટાદ જિલ્લામાં સ્વાઈન ફ્લુના રોગે એકાએક દેખા દેતા જિલ્લા આરોગ્ય વિભાગમાં હલચલ મચી જવા પામી છે. ભાવનગર શહેરની ખાનગી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1 સગીર તથા એક વૃદ્ધા અને એક મહિલા મળી કુલ ૩ વ્યક્તિઓએ સારવાર દરમિયાન દમ તોડતા ભારે સમગ્ર જિલ્લાના લોકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. હજુ બુધવારે તળાજા તાલુકાના મથાવડા ગામના કિશોરનું સર.ટી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યા બાદ ગુરૂવારે શહેરના બજરંગદાસ બાપા આરોગ્ય ધામમાં સ્વાઈન ફ્લુની સારવાર લઈ રહેલા બોટાદની મહિલાએ પણ અંતિમ શ્વાસ લીધા હતા.