ઉનાના ગુદાળા ગામમાં 6 કલાકમાં 10 ઇંચ વરસાદ પડતા બેટમાં ફેરવાયું

સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લાને મેઘરાજાએ બાનમાં લીધા હોય તેમ છેલ્લા છ દિવસથી રોજ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢમાં સીઝનનો 50 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ત્યારે આજે સોમવારે સવારથી જ ઉના તાલુકામાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. ઉનાના ગુદાળા ગામમાં 6 કલાકમાં 10 ઇંચ વરસાદ પડતા બેટમાં ફેરવાયું છે. તેમજ ઉનામાં શહેરમાં પણ સવારના 5થી 11 વાગ્યા સુધીમાં 10 ઇંચ વરસાદ પડ્યો છે. ઉનાના 30 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તેમજ ગિરગઢડામાં પણ છ કલાકમાં 10 ઇંચ વરસાદ વરસ્યો હતો.