આખરે રવિ તેજાનું “તેજ” ઝળક્યું..!! બે કટકીબાજ કોન્સ્ટેબલ સસ્પેન્ડ..!?

0
143

ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસ મથકની બે અલગ અલગ પીસીઆરનાં હેડ કોન્સ્ટેબલ તેમજ કોન્સ્ટેબલે બકરી ઈદનાં તહેવાર દરમ્યાન ગૌ રક્ષકો સાથે મળીને કોબા ખાતે પશુ ભરેલા વાહનનાં ચાલકનો 35 હજાર જેટલો તોડ કરી લીધો હતો. જે મામલે ભોગ બનનારે પોલીસમાં અરજી કરી હતી. જે તપાસના અંતે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટીએ બંને કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દેવામાં આવતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટીએ ચાર્જ સંભાળતાની સાથે જ બુલેટ લઈને પાટનગરની પ્રદક્ષિણા શરૂ કરતાં કાયદો વ્યવસ્થાની સિવાયની પ્રવૃતિઓ કરતા કર્મચારીઓ સીધી લીટીમાં કામે લાગી ગયા હતા. ત્યારે બકરી ઈદનાં તહેવાર દરમ્યાન કોબા ખાતે પશુ ભરેલી વાહનનાં ડ્રાઇવરનો તોડ કરવાના પ્રકરણમાં આજે જિલ્લા પોલીસ વડાએ ઈન્ફોસિટી પોલીસ મથકના બે જવાનોને સસ્પેન્ડ કરી કરી દેતા પોલીસ બેડામાં સોપો પડી ગયો છે.

બકરી ઈદનાં તહેવાર દરમ્યાન ઈન્ફોસિટી પોલીસ મથકની પીસીઆર – 3 અને પીસીઆર – 1 ના હેડ કોન્સ્ટેબલ ચંદ્રશેખર ગોપાલસિંહ તેમજ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ ભવાનસિંહ કોબા વિસ્તારમાં હતા. એ વખતે ગેરકાયદેસર રીતે પશુની હેરાફેરીની શંકાએ ગૌ રક્ષકનાં કહેવાતા માણસોએ વાહન રોક્યું હતું. જેની જાણ થતાં બંને પોલીસ કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા હતા. બાદમાં વાહનનાં ચાલકનો તોડ કરી લેવાયો હતો. એ વખતે ખાતાના એક મુસ્લિમ પોલીસ કર્મચારીએ ભલામણ પણ કરી હતી. તેમ છતાં પશુ ભરેલ વાહન ચાલકનો 35 હજાર જેટલો તોડ કરી લેવાયો હતો. જેમાથી 10 હજાર જેટલી રકમ બંને પોલીસ કર્મચારીઓએ લીધી હતી. જો કે આ મામલે ભોગ બનનારે પોલીસમાં અરજી કરતા બંને કોન્સ્ટેબલો દોડતા થઇ ગયા હતા. અને સમાધાનની ફોર્મ્યુલા પણ કરી હતી.

જો કે સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડાની સમક્ષ પહોંચ્યો હતો. અને તપાસના અંતે બંને પોલીસ કર્મચારીઓ કાયદો વ્યવસ્થાની ફરજ સિવાયની કામગીરી કરતા હોવાનુ ધ્યાને આવતા પોલીસ વડાએ બંનેને સસ્પેન્ડ કરી દીધા છે. આ અંગે એસપી રવિ તેજા વાસમ સેટ્ટીએ કહ્યું કે, ઉપરોક્ત ફરિયાદ સિવાય પણ હેડ કોન્સ્ટેબલ ચંદ્રેશ અને કોન્સ્ટેબલ જીતેન્દ્રની અન્ય ફરીયાદો મળી હતી. જેની તપાસના અંતે બંનેને સસ્પેન્ડ કરી દીધા છે. આ પ્રકારની પ્રવૃતિઓ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે.