આજથી B-20 સમિટ, ક્લાઈમેટ ચેન્જ પર દેશ-વિદેશના નિષ્ણાતો વિચારો રજૂ કરશે

0
163

રાજય સરકાર દ્વારા યોજાનારી જી-20 સમિટ હેઠળ બી-20 ઇન્સેપ્શન સમિટ 22થી 24 દરમિયાન યોજાનારી છે ત્યારે તેનો વિધિવત ઉદ્દઘાટન સમારોહ સોમવારે સવારે 10 કલાકે મહાત્મા મંદિરથી થશે. આ સમારોહમાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ, કેન્દ્રીય આઇ.ટી. અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો હાજર રહેશે. આ સમગ્ર સમિટ RAISE થીમ પર યોજવામાં આવશેે. આ ઉપરાંત વિવિધ સેશનમાં ક્લાઇમેટ એક્શન સહિતના વિષયો પર દેશ-વિદેશના નિષ્ણાંતો તેમના વિચારો વ્યકત કરશે.બી-20 સમિટના તમામ મહેમાનો આવી ગયા છે અને તેમનું એરપોર્ટ પર અને હોટેલ પર ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર ગુજરાતની ગૌરવ ગણાતા દાંડિયારાસ રમીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જી-20 પહેલા યોજાનારી આ બી-20 સમીટ RAISE થીમ પર યોજાશે ત્યારે RAISE એટલે રિસ્પોન્સિબલ,એક્સિલરેટેડ, ઇનોવેટિવ,સસ્ટેનેબલ,ઇકિ્વટેબલ જેવા વિચારને સમાવી થીમ રાખવામાં આવી છે તેમ રાજ્યના ફાઇનાન્સ વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે જણાવ્યું હતું.ગુજરાતમાં યોજાનારા જી-20 હેઠળની 15 સમિટી પૈકી બી-20 ઇન્સેપ્શન પ્રથમ બેઠક છે, જે મહાત્મા મંદિરમાં યોજવામાં આવશે. આ સમિટમાં ભાગ લેવા ઉદ્યોગ સંલગ્ન 200 જેટલા ઇન્ટરનેશનલ તેમજ 40 ભારતના ડેલિગેટ્સ ભાગ લેવા માટે આવી રહ્યા છે. ઉદ્યોગ કમિશ્નર રાહુલ ગુપ્તાએ કહ્યું હતું કે, રવિવારે મહાનુભાવોને દાંડી કુટીર અને સ્ટેટ ડિનર આપવામાં આવ્યું. સોમવારે વિવિધ સેશન યોજાશે અને મંગળવારે ગુજરાતના પુનિત વનમાં યોગ સત્ર અને ઇકો-ટુર,ગિફ્ટ સિટીની મુલાકાત તેમજ અડાલજની વાવની મુલાકાત કરાવાશે. તેમણે કહ્યું હતું કે, 23મી જાન્યુઆરીએ સાંજે 6થી7 દરમિયાન ગુજરાતમાં રહેલી તકો ઉપર એક સ્પેશ્યલ પ્લેનરી સેશન યોજાશે.