એશિયા કપ 2025ના સુપર-4નો ચોથો મુકાબલો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. સુપર-4માં બંને ટીમોએ પોતાનો પ્રથમ મેચ જીતી લીધો છે, તેથી આ મેચ જીતનારી ટીમ માટે ફાઇનલમાં સ્થાન લગભગ નિશ્ચિત થઈ જશે.
ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું, જ્યારે બાંગ્લાદેશે શ્રીલંકા સામે 4 વિકેટથી જીત મેળવી હતી. આ મેચમાં પિચ અને હવામાનની પરિસ્થિતિઓ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે, જેમાં ટૉસ પણ નિર્ણાયક સાબિત થશે.દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે સૂકી હોય છે, જેનાથી શરૂઆતમાં ફાસ્ટ બોલર્સને થોડી મદદ મળી શકે છે, પરંતુ જેમ જેમ મેચ આગળ વધે તેમ તેમ સ્પિનર્સની ભૂમિકા મહત્ત્વની બને છે. પ્રથમ બેટિંગ કરનાર ટીમે ઓછામાં ઓછો 160 થી 180 રનનો સ્કોર બનાવવાનો પ્રયાસ કરવો પડશે.
જોકે, બીજી ઇનિંગ્સ દરમિયાન ઓસ પડવાને કારણે બેટ્સમેનો માટે બેટિંગ કરવી સરળ બની જાય છે, જેનાથી ટાર્ગેટનો પીછો કરતી ટીમને ફાયદો મળી શકે છે.એશિયા કપ 2025માં દુબઈના મેદાન પર અત્યાર સુધીમાં 7 મેચ રમાઈ છે, જેમાંથી માત્ર 2 મેચમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી છે, જ્યારે 5 વખત ટાર્ગેટનો પીછો કરનાર ટીમે વિજય મેળવ્યો છે.






