મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં નવાં ઑટોમૅટિક વેધર સ્ટેશન બનાવવા અને મોટાં જળાશયો પર ઑટોમૅટિક વૉટર લેવલ રેકૉર્ડર સિસ્ટમ બેસાડવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. રાજ્ય સરકાર દ્વારા જળસંસાધનના વધુ સુદૃઢ અને અસરકારક અમલીકરણ માટે રિયલ ટાઇમ ઇન્ફર્મેશન સિસ્ટમ બનાવવા ૨૬.૨૫ કરોડનાં ટેન્ડર મંજૂર કર્યા છે.
૮૨ નવાં ઑટોમૅટિક વેધર સ્ટેશન સ્થપાશે. ૫૦ પ્રવર્તમાન સ્ટેશનનું અપગ્રેડેશન કરાશે. ૧૦૪ નદીઓ પર ઑટોમૅટિક વૉટર લેવલ રેકૉર્ડર લગાવાશે. ૭૬ મોટાં જળાશયો પર ઑટોમૅટિક વૉટર લેવલ રેકૉર્ડર કાર્યરત કરાશે. રાજ્યની નદીઓ તેમ જ મોટાં જળાશયોમાં રહેલા પાણીની રિયલ ટાઇમ માહિતી મળી રહે એના માટે ૧૦૪ નદીઓ અને ૭૬ મોટાં જળાશયો પર ઑટોમૅટિક વૉટર લેવલ રેકૉર્ડર લગાવાશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સર્ફેસ વૉટર અને ગ્રાઉન્ડ વૉટર માટે નૅશનલ હાઇડ્રોલૉજી પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકારે ૧૦૦ ગ્રાન્ટ તરીકે ૮ વર્ષના સમયગાળા માટે કુલ ૧૦૧ કરોડ મંજૂર કરેલા છે.