ઑસ્કર ફિલ્મ ‘Chello Show’ના રિલીઝ પહેલા બાળ અભિનેતા રાહુલ કોળીનું નિધન

0
345

૧૩ ઑક્ટોબરે રિલીઝ થઈ રહેલી ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ (Chhello Show)ને ઑસ્કરમાં એન્ટ્રી મળતા આખી ઇન્ડસ્ટ્રીમાં ખુશીનો માહોલ હતો. ત્યાં જાણે આ ખુશી પર ગ્રહણ લાગ્યુ છે. ફિલ્મના બાળ કલાકારોમાંથી એક બાળ કલાકારનું મૃત્યુ થયું છે. દસ વર્ષીય રાહુલ કોળી (Rahul Koli)નું લ્યૂકેમિયા (Leukemia)ને કારણે નિધન થયું છે.

મળતી માહિતી પ્રમાણે, ‘છેલ્લો શો’નો બાળ કલાકાર રાહુલ કોળી માત્ર દસ વર્ષનો હતો. લ્યૂકેમિયાનાને કારણે અમદાવાદની કેન્સર હૉસ્પિટલમાં બીજી ઑક્ટોબરના રોજ તેનું નિધન થયું હતું. સોમવારે ભાવનગર પાસે આવેલા ગામ હાપામાં તેની પ્રાર્થના સભા રાખવામાં આવી હતી.

ન્યૂઝ પોર્ટલને રાહુલ કોળીના પિતાએ કહ્યું કે, ‘રાહુલ ફિલ્મ રિલીઝથી બહુ જ ખુશ હતો. હંમેશા કહેતો કે ૧૪ ઑક્ટોબર પછી આપણી જિંદગી બદલાઈ જશે. હવે ૧૪ ઑક્ટોબરે જ તેનું ૧૩મું કરવું પડશે અને આ રીતે અમારી જિંદગી બદલાઇ જશે તેવો સ્વપ્ને પણ ખ્યાલ નહોતો. રાહુલે રવિવારે નાસ્તો કર્યો હતો અને પછી તેને સતત તાવ આવતો હતો. જે બાદ તેને લોહીની ઉલટી થવા લાગી હતી. બાળકના નિધનથી મારો પરિવાર તૂટી ગયો છે. પરંતુ અમે તેના અંતિમ સંસ્કાર કર્યા પછી તેની ફિલ્મ ‘છેલ્લો શો’ ચોક્કસ જોઈશું.’ રાહુલના પિતા રામૂ રિક્ષા ચલાવે છે.રાહુલ કોળીએ આ ફિલ્મમાં મનુનું પાત્ર ભજવ્યું હતું, જે એક રેલવે સિગ્નલમેનનો પુત્ર હતો અને મુખ્ય ભૂમિકા ભજવતા પાત્રનો ખાસ મિત્ર હતો. ‘છેલ્લો શો’ ફિલ્મમાં છ બાળ કલાકારો છે.