ભારતીય ક્રિકેટ બોર્ડની ચૂંટણી હવે નજીકના સમયમાં યોજાવાની છે એવામાં દિલ્હી ઍન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ અસોસિએશન (ડીડીસીએ)ના એક સભ્યે ભારતીય ક્રિકેટ બોર્ડની કાર્યકારી સમિતિને ફરીથી ચૂંટણી યોજવાની અરજી કરી છે. સુપ્રીમ કોર્ટે ૨૦૧૮ની નવમી ઑગસ્ટે આપેલા ઑર્ડરના સંદર્ભમાં આ અરજી કરવામાં આવી છે.
કાર્યકારી સમિતિને કરવામાં આવેલી અરજીમાં કહેવાયું છે કે ‘ડીડીસીએની ચૂંટણી સુપ્રીમ કોર્ટના ૨૦૧૮ની નવમી ઑગસ્ટે આવેલા ચુકાદા અને ભારતીય ક્રિકેટ બોર્ડના નવા સંવિધાનના રજિસ્ટ્રેશન પહેલાં યોજવામાં આવી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડના નવા નિયમ મુજબ ડીડીસીએની ચૂંટણી યોજાઈ નથી એ જૂના સંવિધાન પ્રમાણે યોજવામાં આવી હતી.’
આ ઉપરાંત ડીડીસીએએ નવા નિયમ અંતર્ગત કેવાં પગલાં લેવાં જોઈએ એની પણ વાત અરજીમાં કરવામાં આવી હતી. અરજીમાં લખાયું હતું કે ‘એપેક્સ કાઉન્સિલ માટે ડીડીસીએમાં કોઈ જોગવાઈ નથી. પુરુષ અને મહિલા ક્રિકેટ અસોસિએશનના પ્રતિનિધિ રાખવાની પણ કોઈ જોગવાઈ નથી. આ ઉપરાંત એપેક્સ કાઉન્સિલનો એક પણ ડિરેક્ટર નથી. કુલિંગ ઑફ પિરિયડ પણ ભારતીય ક્રિકેટ બોર્ડના નવા નિયમ મુજબ નથી. સુપ્રીમ કોર્ટે ભારતીય ક્રિકેટ બોર્ડના નવા સંવિધાનને આપેલી માન્યતાને ધ્યાનમાં રાખીને મહેરબાની કરીને ડીડીસીએનું માર્ગદર્શન કરવા અને એ ઇલેક્શન ઑફિસરની નિમણૂક કરવા વિશે જાણકારી આપશો.’