કુલુમાં ભારે વરસાદ બાદ પત્તાંના મહેલની જેમ તૂટી પડ્યાં આઠ બહુમાળી મકાનો

0
214

હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લાના અન્નીમાં ભારે વરસાદ બાદ પડેલી તિરાડોને કારણે ભયજનક જાહેર થયેલી આઠ જેટલી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી.  ઇમારતો પત્તાંના મહેલની માફક તૂટી પડી હતી. મોટા પ્રમાણમાં ધૂળના ગોટેગોટા ઊડતા જોવા મળ્યા હતા. સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ નરેશ વર્મા જેઓ ઘટનાસ્થળે હાજર હતા તેમણે કહ્યું હતું કે ચાર-પાંચ દિવસ પહેલાં ઘરો, દુકાનો, બૅન્કો તેમ જ અન્ય વ્યાપારિક સંસ્થાનો ધરાવતાં મકાનોમાં તિરાડો જોવા મળી હતી. પરિણામે એમને ભયજનક જાહેર કરીને તરત ખાલી કરાવવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત અગમચેતીના પગલારૂપે નૅશનલ હાઇવે નંબર ૩૦૫ પર આવેલી અન્ય ઇમારતોને પણ ખાલી કરાવવામાં આવી હતી. બુધવારથી અત્યાર સુધી હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં સતત વરસાદ પડી રહ્યો છે. બુધવાર સાંજથી પાલમપુરમાં ૧૩૭ મિલીમીટર, શિમલામાં ૭૯ મિલીમીટર વરસાદ પડ્યો છે. આ મહિનામાં વરસાદને કારણે વિવિધ ઘટનામાં ૧૨૦ લોકો માર્યા ગયા હતા તેમ જ અત્યાર સુધી ચોમાસા દરમ્યાન ૨૩૮ લોકોનાં મરણ થયાં છે.