કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહના વરદ હસ્તે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં અંદાજીત રૂ. 363 કરોડના પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ- ખાતમૂહૂર્ત

0
592

ગાંધીનગર લોકસભા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે 11 ડિસેમ્બરના રોજ ગાંધીનગર મતક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહના વરદ હસ્તે એએમસી અને ઔડાના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં અંદાજીત રૂ. 363 કરોડના પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત સમ્પન્ન થયું.
શ્રી અમિતભાઇ શાહે કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં કોરોના કાળમાં વિકાસ રૂંધાયો જ્યારે ગુજરાતે આ કપરા સમયમાં વિકાસને ગતિ આપીને કોરોનાને કરારો જવાબ આપ્યો. આજે લોકાર્પિત થયેલા કાર્યો દર્શાવે છે કે કોરોના કાલખંડમાં પણ ગુજરાતની ભાજપા સરકારે વિકાસકાર્યોની ગતિ અટકવા દીધી નથી. આ તમામ પ્રકલ્પો કોરોના કાળમાં જ શરૂ અને પૂર્ણ થયા તે સિદ્ધ કરે છે કે ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં વિકાસ કાર્યો વણથંભી રીતે આગળ વધી રહ્યા છે. ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ દરેક વિધાનસભાઓમાં અહર્નિશ વિકાસની પ્રક્રિયા ચાલુ રહી છે, પરિણામે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર ઉડીને આંખે વળગે તેવી રીતે વિકસિત ક્ષેત્ર બન્યું છે.
શ્રી શાહે લોકાર્પિત થયેલા પ્રકલ્પો અંગે કહ્યું હતું કે ગોતા અને થલતેજ વોર્ડમાં સ્વિમિંગ પૂલ જીમનેશિયમ અને ટેનિસ કોર્ટની નવી સુવિધાઓ શરૂ થઇ છે, જે નાગરિકોના સ્વાસ્થ્ય વર્ધન અને રંજન માટે અત્યંત ઉપયોગી બનશે. આ ઉપરાંત થલતેજ વોર્ડમાં નવું પાણી વિતરણ સ્ટેશન, અમદાવાદ બોટાદ રેલવે લાઈન પર વસ્ત્રાપુર સ્ટેશન પાસે અંડરપાસ નાગરિકોની સુવિધાઓમાં વધારો કરશે.
શ્રી શાહે ઉમેર્યું હતું કે સોલા સિમ્સથી હેબતપુર રોડ પર નવ નિર્મિત ફોર લેન ઓવરબ્રિજ ત્રણ લાખ લોકોને અવર જવરની ઉત્તમ સુવિધા પૂરી પાડશે.
શ્રી શાહે આજે ખાતમુહૂર્ત થયેલા કાર્યો અંગે છણાવટ કરતા કહ્યું કે થલતેજ વોર્ડમાં થલતેજ શીલજ હેબતપુરમાં અંડરગ્રાઉન્ડ વોટર ટેંકના પરિણામે જળ વિતરણ વ્યવસ્થા મજબૂત બનશે અને ૮૦ હજાર જેટલી વસ્તીને નર્મદાનું શુદ્ધ પીવાનું પાણી મળતું થશે. જ્યારે સાબરમતી વોર્ડમાં પાણી વિતરણ વ્યવસ્થા નું વિસ્તૃતિકરણ, રાણીપ વોર્ડમાં આધુનિક બગીચાનું ડેવલપમેન્ટ, ગોતામાં તળાવનું નવીનીકરણ, જોધપુર વોર્ડમાં નવું આરોગ્ય કેન્દ્ર, જાસપુર ખાતે ૨૦૦ એમ એલ ડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બોડકદેવ અને ચાંદલોડિયા વોર્ડમાં નવા પાણી વિતરણ સ્ટેશનનું નેટવર્ક, વેજલપુર વોર્ડમાં આર.સી.સી. રોડ બનાવવાનું કામના માધ્યમથી નાગરિકોની સુખ સુવિધાઓમાં વધારો થશે અને પ્રત્યેક ઘર સુધી શુદ્ધ પીવાનું પાણી ઉપ્લબ્ધ થશે. આ ઉપરાંત સાણંદ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્મિત થનાર આવાસોના માધ્યમથી ૭૫૬ જેટલા જરૂરિયાતમંદ લોકોને પોતીકું ઘર મળશે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે અર્બન ડેવલોપમેન્ટના, ગ્રામીણ ક્ષેત્રના, વન ક્ષેત્રોના અને દરેક ક્ષેત્રના નક્કી કરેલા વિકાસના સીમાચિન્હોની પૂર્તતા માટે રાજ્યમાં ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યની ભાજપ સરકાર નિરંતર પ્રયાસ કરી રહી છે તે માટે આ વિસ્તારના સાંસદ તરીકે શ્રી શાહે આનંદ વ્યક્ત કર્યો હતો.
શ્રી શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર હરિયાળુ, સ્વચ્છ અને વિકસિત તેમજ સમગ્ર દેશમાં આદર્શ સંસદીય ક્ષેત્ર બને તે માટે કોઈ કચાસ નહિ રાખવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
શ્રી શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ભાજપાના સૌ પદાધિકારીઓ, કાર્યકર્તાઓ તેમજ વ્યવસ્થાતંત્ર દ્વારા કોરોના કાળ દરમ્યાન રસીકરણનો શત પ્રતિશત લક્ષ્યાંક પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે જે લોકોએ હજુ પણ રસીનો બીજો ડોઝ ન લીધો હોય તે પોતે બીજો ડોઝ લે અને બીજા લોકોને પણ અપાવે. કોરોનાથી સુરક્ષિત બનવા, કોરોના પ્રત્યે સુરક્ષા ચક્ર મજબૂત કરવા માટે એકમાત્ર ઉપાય શત પ્રતિશત રસીકરણ જ છે.
શ્રી શાહે કહ્યું હતું કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ મતદાતાઓ સત્વરે સંપુર્ણ રસીકરણના માધ્યમથી પોતાની જાતને અને ગુજરાતને પણ સુરક્ષિત કરે. આ માટે રાજ્યની ભાજપ સરકાર ઘેર- ઘેર પહોંચી, જાહેર સ્થળોએ પણ રસી અપાય તે માટેના પ્રયત્નો કરી રહી છે. પરંતુ નાગરિકો જાગૃત બનશે ત્યારે જ આ લક્ષ્યાંક સિદ્ધ થશે. તેઓએ કાર્યકર્તાઓને આહ્વાન કરતાં કહ્યું હતું કે કાર્યકર્તાઓ પણ ગાંધીનગર લોકસભા ક્ષેત્ર અને સમગ્ર ગુજરાત કોરોનાથી સુરક્ષિત બને તે માટે પોતાના બૂથમાં પ્રત્યેક નાગરિકને રસીના બંને ડોઝ મળે તે માટે પ્રયત્નશીલ બને.
શ્રી શાહે ઉમેર્યું હતું કે દુનિયાના અનેક દેશોમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ કોરોનાકાળ દરમિયાન સામે આવી છે. કોઈ જગ્યાએ ભૂખમરો, કોઈ જગ્યાએ અર્થતંત્ર નબળું પડ્યું છે, તો કોઈ જગ્યાએ સંપૂર્ણ રસીકરણમાં મુશ્કેલી આવી રહી છે. તેઓએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને આ તમામ ક્ષેત્રે ભારતને આગળ રાખવા બદલ હૃદયથી અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ જણાવ્યું કે કોરોનાના આ બે વર્ષ દરમ્યાન ૮૦ કરોડ જેટલા ગરીબોના જઠરાગ્નિ શાંત કરવાનું ભગીરથ કાર્ય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપ સરકારે કર્યું છે.
શ્રી શાહે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી અને મક્કમ મનોબળનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે કોરોના કાળમાં દુનિયાના મોટાભાગના દેશોમાં મંદી જોવા મળી છે. જ્યારે ભારતમાં અર્થતંત્ર ખૂબ ઝડપથી બેઠું થયું છે. આજે ઉત્પાદન વધ્યું છે, રોજગારી પુનઃ પ્રસ્થાપિત થઈ રહી છે. આ ઉપરાંત જીએસટી કલેક્શન ૧ લાખ ૩૦ હજાર કરોડ પહોંચ્યું છે, વીજળીનો વપરાશ પણ વધ્યો છે તે જ બતાવે છે કે કોરોના કાળ કરતા પહેલાં જે સ્થિતિ હતી તેના કરતાં પણ આજે દેશના અર્થતંત્રની સ્થિતિ મજબૂત બની છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ રસીકરણ માટે કોવિન એપ ડેવલપ કરવામાં આવી. જેના દ્વારા તમામ નાગરિકોને રસીના પ્રથમ અને બીજા ડોઝનું સર્ટીફીકેટ તેમના મોબાઈલ પર આપોઆપ ઉપલબ્ધ બને છે અને નાગરિકનું પંજીકરણ પણ થાય છે. વિશ્વના ઘણા દેશોએ આ કોવીન એપની માંગણી કરી અને પ્રધાનમંત્રીશ્રી મોદીજીએ એક પણ પૈસો લીધા વિના તેમને આ એપ્લિકેશન આપવાની શરૂઆત કરી. જે દર્શાવે છે કે વીઝનરી નેતા દેશનું નેતૃત્વ કરતા હોય તો ગંભીરથી ગંભીર સંકટમાંથી પણ પાર નીકળી શકાય છે.
શ્રી શાહે કહ્યું કે કોરોના કાળમાં લોકોનો પરિશ્રમ ઘટયો પણ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો પરિશ્રમ અનેક ગણો વધ્યો, જેમાં ઓક્સિજનની પૂર્તિ હોય, રસીની શોધ હોય, હોસ્પિટલમાં ઑક્સિજન બેડની વ્યવસ્થા, અસ્થાયી હોસ્પિટલ ઊભી કરવાની હોય એ તમામ પ્રયાસો સામેલ છે. આજે સ્વાસ્થ્ય સુવિધાઓના દરેક ક્ષેત્રમાં ભારત આત્મ નિર્ભર બન્યું છે. પ્રત્યેક જિલ્લામાં લેબોરેટરીઓ સ્થાપિત થઇ છે, માસ્ક અને પીપીઇ કીટ તથા રસી એક્સપોર્ટ કરવામાં આવે છે. દેશના અર્થતંત્રને ગતિ આપવા દરેક ક્ષેત્રમાં લાંબા મનોમંથન બાદ નીતિઓનું સર્જન કરવામાં આવ્યું. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની પ્રગતિમાં જે નીતિઓ અવરોધક અને મેઇક ઇન ઇન્ડિયાની કલ્પનાની પૂર્તતામાં બાધક હતી આત્મનિર્ભર ભારત નિર્માણમાં આડખીલીરૂપ હતી તેને બદલવામાં આવી અને નવી નીતિઓનું ગઠન કરવામાં આવ્યું. અંતરિક્ષ ક્ષેત્રમાં ખાનગી ઉપયોગ માટે અને ડ્રોનના આટલા વિશાળ ઉપયોગ છતાં તે માટે કોઈ નીતિ જ ન હતી. આ માટેની પોલીસી પણ કોરોના કાળમાં જ આવી ભારતને આત્મનિર્ભર બનાવવાનું કાર્ય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ખૂબ ગતિથી થયું છે.
શ્રી શાહે અંતમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં વિકાસ કાર્યોની વણઝાર માટે રાજ્યની ભાજપા સરકાર અને એ એમ સી અને ઓડાના પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મેયર શ્રી કિરીટભાઇ પરમાર રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ શ્રી જગદીશભાઈ પંચાલ, શ્રી ઋષિકેશભાઈ પટેલ, પૂર્વ મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, ભાજપા પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદીપસિંહ વાઘેલા,સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પ્રદેશ ભાજપ હોદ્દેદારો, કર્ણાવતી શહેર ભાજપના પદાધિકારીઓ, એ એમ સી તથા ઓડાના હોદેદારો, નગરસેવકો, સામાજિક અગ્રણીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here