ગરમીને પગલે જિલ્લાના મનપા અને ગ્રામ્યની આંગણવાડીનો સમય સવારે 7.30થી 10 કરાયો

0
186

હાલમાં પડી રહેલી ભીષણ ગરમીમાં જિલ્લાની મનપા અને ગ્રામ્ય વિસ્તારની 1062 આંગણવાડીના 50 હજાર જેટલા બાળકો તેમજ 2500 જેટલી કર્મચારીઓના આરોગ્યના હિતને ધ્યાનમાં રાખીને આંગણવાડીનો સમય સવારે 7-30થી 10 કલાકનો રાખવાનો ડીડીઓએ આદેશ કર્યો છે. ઉપરાંત નવો કોઇ આદેશ થાય નહીં ત્યાં સુધી અમલવારી કરવાની રહેશે. રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા ચાલુ વર્ષે ઉના‌ળામાં કાળઝાળ ગરમીને પગલે સનસ્ટ્રોકનો ભોગ બાળકો, કર્મચારીઓ સહિત બને નહી તે માટે ગાઇડ લાઇન પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તેની વચ્ચે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીઓનો સમય સવારે 8થી 2નો કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આંગણવાડીના ભૂલકાંઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને સમયમાં ફેરફાર કરવાનો સૂર આંગણવાડીના કર્મચારીઓમાં ઉઠ્યો હતો. જોકે અગાઉ આંગણવાડીનો સમય સવારે 8થી 12નો હતો. ત્યારે હાલમાં છેલ્લા દસેક દિવસથી આકાશમાંથી વરસી રહેલી અગનવર્ષાને પગલે આંગણવાડીમાં આવતા ભૂલકાંઓની હાલત કફોડી બને નહી તે માટે જિલ્લા વિકાસ અધિકારી એસ. કે. મોદી તેમજ મનપા વિસ્તારના આઇસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર દ્વારા આંગણવાડીનો સમય સવારે 7-30થી 10 કલાકનો રાખવાનો આદેશ કર્યો છે.