ગાંધીનગરમાં જનસેવા કેન્દ્રો,મોલ – રેસ્ટોરન્ટ બંધ રહેશે – ફૂડ પાર્સલ મળશે  : કિરાણા અને દવાની દુકાન ખુલ્લી રાખી શકાશે 

0
933

હાલમાં સમગ્ર વિશ્વ સહિત દેશમાં નોવેલ કોરોના વાયરસથી સામાન્ય જનજીવનમાં ભયનો માહોલ ફેલાયો છે. આ વાયરસથી બચવા અને તેને નાથવા માટે માત્ર સાવચેતીની જરૂર છે. વાયરસથી લોકોને બચાવવા માટે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રએ કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્યના માર્ગદર્શન હેઠળ સુચારું આયોજન કર્યું છે.
નોવેલ કોરોના વાયરસને ફેલતો અટકાવવાના ભાગરૂપે જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્યની સૂચનાથી આવતીકાલ તા. ૨૧મી માર્ચના રોજથી કલેકટર કચેરી સહિત તાલુકા કક્ષાના જન સેવા કેન્દ્ર, ઇ-ધરા કેન્દ્ર, સબરજિસ્ટ્રાર કચેરી, આધાર કેન્દ્ર જેવા ભારે લોક ધસારો રહેતા સેવા કેન્દ્રોના કાર્યો હંગામી ધોરણે બંધ કરવામાં આવશે.
તે ઉપરાંત ગાંધીનગર જિલ્લામાં વધુ પ્રમાણમાં એકઠા થતાં મોલ અને રેસ્ટોરન્ટને બંધ રાખવાનો આદેશ પણ જિલ્લા કલેકટરશ્રીએ કર્યો છે. રેસ્ટોરન્ટમાં અગાઉથી બુકીંગ કરાવનારને માત્ર તેમનું ફૂડ પાર્સલ અને પેકિંગને હોમડિલિવરી કરી શકશે. પરંતુ રેસ્ટોરન્ટ અને હોટલમાં બેસીને જમણવાર કે નાસ્તો કરાવવાની સુવિધા આપી શકાશે નહી. તે ઉપરાંત ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓને કોરોના વાયરસના કારણે કોઇ ધાર્મિક સભા કે અન્ય પ્રસંગોનું આયોજન ન કરવા પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
વાયરસના ભયમાં લોકોનું જનજીવન ખોરવાઇ ન જાય તે માટે કિરાણા સ્ટોર્સ જેવી જીવન જરૂરિયાતવાળી દુકાનો ખુલ્લી રાખી શકાશે. તેમજ રેશનકાર્ડની દુકાનમાંથી અગામી માસનો અનાજ અને અન્ય ચીજ વસ્તુઓનો જથ્થો એડવાન્સમાં આપી દેવાનું પણ સુચારું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે દવાની દુકાનો ખુલ્લી રાખવાની છુટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે.
તે ઉપરાંત નગરજનોને નોવેલ કોરોના વાયરસના કારણે સતત સ્પિરીટ/આલ્કોહોલ, સાબુથી હાથ ધોવા, વાપરેલ ટિસ્યુ ઉપયોગ બાદ તરત જ બંધ કચરાપેટીમાં નાખવા ભાર પૂર્વક જણાવ્યું છે. તેમજ ગમે ત્યાં ન થુંકવા અને જીવંત પશુઓના સંપર્કમાં તથા કાચા કે ન રંધાયેલા માંસનું સેવન ન કરવા તથા ઉધરસ કે તાવ હોય ત્યારે કોઇની બહુ નજીક ન જવા જણાવ્યું છે. ૬૦ વર્ષથી વધુની ઉંમરના વડીલોને અને ૧૦ વર્ષથી નાના બાળકોને ધરની બહાર બહુ ન નીકળવાની પણ જિલ્લા વહીવટી તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here