ગ્રામ્ય વિસ્તારમાં પ્રવેશેલા કોરોનાએ અત્યાર સુધી દસ વ્યક્તિને સંક્રમિત કર્યા છે. જિલ્લાના આઠ કોરોના પોઝિટિવ દર્દીઓ અમદાવાદથી સંક્રમિત થયા જેમાં ખોરજના પતિ-પત્ની, રાંચરડાનો છ વર્ષીય બાળક, લોદરાના વૃદ્ધા, કોલવડાની આધેડ મહિલા, નાના ચિલોડાના વેપારી, ઝુંડાલનો ફાર્માસિસ્ટ, હાલીસાનો એસઆરપી જવાન, ભાટની યુવતી અને ઇટાદરાના વૃદ્ધ તમામ લોકો અમદાવાદથી સંક્રમિત થયા છે. તેમ છતાં જિલ્લામાં પ્રવેશદ્વારો બંધ નહી કરાતા આગામી સમયમાં જિલ્લાના ગામોમાં અમદાવાદ જેવી સ્થિતિ બની રહેશે તેવી દહેશત લોકોમાં સતાવી રહી છે. આરોગ્ય તંત્રએ ઇટાદરાના કસબા વિસ્તારના 3000 પરિવારનું ડોર ટુ ડોર સરવે ઉપરાંત દવાનો છંટકાવની કામગીરી હાથ ધરી છે. ભાટમાં રહેતી 20 વર્ષીય યુવતીને એક વર્ષથી ખેંચની તેમજ માથામાં દુખાવાની બિમારી હોવાથી દવા લેવા માટે અવાર નવાર અમદાવાદની એસએમવીએસ હોસ્પિટલમાં તેમજ નોબલનગર જતી હતી. ઉપરાંત તેના બે ભાઇઓમાંથી એક ભાટની ડેરીમાં અને બીજો ભાઇ પાણીના સપ્લાયનું કામ અમદાવાદના ચાંદખેડા, મોટેરા ઉપરાંત સિવીલ હોસ્પિટલના આસપાસના વિસ્તારમાં કરતો હોવાથી યુવતી કોરોનાથી સંક્રમિત થઇ હોવાનું પ્રાથમિક અનુમાન હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે. ભાટ ગામમાં મોટાભાગના ફ્રુટ અને શાકભાજીના વેપારીઓ ભાડે રહેતા હોવાથી તેઓ દરરોજ અમદાવાદથી અપડાઉન કરતા હોય છે. યુવતીના સંપર્કમાં આવેલા 15 વ્યક્તિઓને ફેસેલીટી ક્વોરન્ટાઇન કોબા પ્રેક્ષાભારતીમાં કરાયા છે. ઉપરાંત ગામમાં ડોર ટુ ડોર સર્વે અને દવાનો છંટકાવની કામગીરી હાથ ધરી છે