ગાંધીનગરમાં 4 હથિયાર અને 236 કારતૂસ ભરેલી કાર ઝડપાતાં ખળભળાટ

0
232

ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલા એક ફ્લેટના બેઝમેન્ટ પાર્કિંગમાં કારને બિનવારસી મૂકીને ડ્રાઈવર નાસી છૂટ્યો હતો. કારમાં પાછળની સીટ પર બારબોર રાઈફળના કાર્ટિજ દેખાતા રહીશોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરતાં કારની ડેકીમાંથી દેશી બનાવટની પિસ્ટોલ, તમંચા, પિસ્ટોલના ખાલી મેગેઝિન, બાર બોર રાઈફલ-રિવોલ્વર, કાર્ટિજ વગેરે મુદ્દામાલ સંદિગ્ધ વસ્તુઓ મળી આવી છે. કારમાંથી કુલ 4 હથિયાર અને 236 કારતૂસ મળી આવી છે.

સરગાસણના સ્વાગત એફોર્ડ સોસાયટીમાં પરેશભાઈ જશવંતલાલ સોની ચેરમેન તરીકે સેવા આપે છે. તેઓ 7 મેના રોજ રાત્રે આઠેક વાગ્યે સોસાયટીના બેઝમેન્ટના રસ્તે ઊભા હતા ત્યારે સોસાયટીમાં સ્ટિકર વગરની એક કાર રોંગ સાઈડે બેઝમેન્ટમાં પહોંચી હતી અને પરેશભાઈએ ધ્યાન દોરતાં સિક્યુરિટી સ્ટાફે બેઝમેન્ટમાં તપાસ કરી હતી. જીજે 1 આરજે 5702 નંબરની હ્યુન્ડાઈ વર્ના કારનો ડ્રાઈવર સાઈડનો પાછળનો કાચ તૂટેલો હતો. સોસાયટીના સભ્યોને શંકા જતાં ભેગા થઈ કાર જોવા પાર્કિંગમાં પહોંચ્યા હતા.

તૂટેલા કાચમાંથી કારની પાછળની સીટમાં બાર બોર રાઈફલના કાર્ટિજ જોવા મળ્યા હતા. ગભરાયેલા રહીશોના કહેવાથી પરેશભાઈએ ગાંધીનગર પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. ઈન્ફોસિટી પોલીસનો સ્ટાફ તરત ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને કારની તપાસ કરી હતી. તપાસ દરમિયાન કારની પાછળની સીટમાંથી બાર બોર રાઈફલના પ્લાસ્ટિક 65 એમએમ કાર્ટિજ 25 નંગ મળી આવ્યાં હતા. કારની પાછળની ડેકીમાંથી દેશી બનાવટની પિસ્ટોલ, દેશી બનાવટના તમંચા, પિસ્ટોલના ખાલી મેગેઝિન, બાર બોર રાઈફલ-રિવોલ્વર-પિસ્ટલના કાર્ટિજ વગેરે મળી આવ્યાં હતા. પોલીસે પંચોની હાજરીમાં કારની સઘન તપાસ કરતાં આંખો ફાટી જાય તેવો હથિયારોનો જથ્થો નજરે પડ્યો હતો. ક્રેનની મદદથી હથિયારો ભરેલી કારને ટો કરી પોલીસ મથકે લઈ જવાઈ હતી.