ગાંધીનગર કોબા હાઇવે ઉપર કમલમ પાસે અકસ્માત….

0
219

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે આજે સવારના સમયે ગાંધીનગર કોબા હાઈવે ઉપર અકસ્માતની વધુ એક ઘટનામાં યુવાનનું મોત થયું છે. જ્યારે પુત્રી જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર કોર્પોરેશનના દંડક તેજલબેન યોગેશકુમાર નાઈના ભાઈ કોબા પાસે આવેલી મહાવીર હિલ્સ વસાહતમાં રહેતા ભાસ્કરભાઈ પ્રવીણભાઈ પારેખ આજે સવારના સમયે તેમની ૧૮ વર્ષીય પુત્રી ઝરણા અને છ વર્ષના પુત્ર જીયાન સાથે તેમના મોપેડ ઉપર કોબા શાળાએ મુકવા જઈ રહ્યા હતા તે દરમિયાન કમલમ કટ પાસે તેઓ માર્ગ ઓળંગી રહ્યા હતા તે સમયે ગાંધીનગર તરફથી રોકેટ ગતીએ આવી રહેલી કારના ચાલકે ભાસ્કરભાઈના મોપેડ સાથે અકસ્માત સર્જ્યો હતો અને ૫૦૦ મીટર સુધી તેમના મોપેડને ઢસડી  લીધું હતું. આ ગંભીર અકસ્માતમાં ભાસ્કરભાઈ અને તેમના બે બાળકો ફંગોળાયા હતા. અકસ્માતને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ગંભીર રીતે ઘાયલ ત્રણેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે ભાસ્કરભાઈને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઝરણાને શરીરે ગંભીર ઈજા હોવાથી સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. સાંજના સમયે સારવાર દરમિયાન ઝરણાનું પણ મોત થયું હતું આ ઘટનાને પગલે કોબા ગામમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી હતી. અકસ્માત સર્જનાર કારના ચાલક કલોલની પંચવટી વસાહતમાં અમૃતકુંજ સોસાયટીમાં રહેતા શુભ શૈલેષકુમાર પટેલને લોકોએ ઝડપી લીધો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. આ મામલે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી હતી.