ગાંધીનગર ખાતે સરદાર સન્માન યાત્રાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરાશે…

0
358

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે બારડોલીથી સોમનાથ સુધીની ‘સરદાર સન્માન યાત્રા’ આગામી 15 સપ્ટેમ્બર સોમવારના રોજ ગાંધીનગર પહોંચશે. આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવા માટે ગાંધીનગર સરદાર સન્માન યાત્રા કમિટી અને વિવિધ સંસ્થાઓ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ યાત્રામાં સરદાર પટેલના સ્ટેચ્યુ સાથેના રથ ઉપરાંત અંદાજિત 100 જેટલી ગાડીઓ જોડાશે.

‘સવારે 8.30 કલાકે ભાટ પહોંચશે’
આ અંગે સરદાર સન્માન યાત્રા કમિટીના મહેન્દ્ર પટેલ (દાસ) એ જણાવ્યું કે, ગાંધીનગરમાં આ યાત્રા સવારે 8.30 કલાકે ઇન્દિરા બ્રિજથી ભાટ ખાતે પ્રવેશ કરશે. યાત્રા ભાટ, કોબા સર્કલ, પીડીપીયુ રોડ થઈને રાંદેસણ ખાતે પહોંચશે, જ્યાં મહારાજા કૃષ્ણસિંહજી ગોહિલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. અહીં ભાટ અને કોટેશ્વરના લોકો મોટી સંખ્યામાં સ્વાગત કરશે. તથા રાજપૂત સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.

કૂડાસણમાં યાત્રાનું સન્માન
ત્યારબાદ યાત્રા કુડાસણ પહોંચશે જ્યાં સરદાર ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને હાર પહેરાવવામાં આવશે. અહીં કૂડાસણ અને સરગાસણ વિસ્તારના લોકો દ્વારા યાત્રાનું સન્માન કરવામાં આવશે.
ઉમિયા મંદિર ખાતે મુખ્ય કાર્યક્રમ
યાત્રાનો મુખ્ય સ્વાગત કાર્યક્રમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ તથા મહાનુભાવો દ્વારા સ્વાગત  સવારે 9.30 વાગ્યે સેક્ટર-12 સ્થિત ઉમિયા માતાના મંદિર ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં દેશી ઢોલના તાલે અને માથે કળશ સાથે વિશાળ સંખ્યામાં બહેનો યાત્રાનું સ્વાગત કરશે. આ સભામાં ગાંધીનગરમાં વસવાટ કરતી તમામ જ્ઞાતિઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહેશે. આ ઉપરાંત યાત્રાના આયોજકો દ્વારા ગાંધીનગર અને જિલ્લાના રાજવી પરિવારો સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારો અને શહીદ સૈનિકોના પરિવારોનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમ આશરે 30 મિનિટનો રહેશે.