ગાંધીનગર જિલ્લો ધો- 10 બોર્ડ પરીક્ષામાં રાજ્યમાં પ્રથમ ક્રમે

0
176

તાજેતરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર કરી દેવાયું હતું. ત્યારે હવે આજે ધોરણ-10ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. આ વર્ષનું રાજયનું કુલ 82.56 ટકા પરિણામ જાહેર થયું છે. ત્યારે ગાંધીનગર જિલ્લાનું સત્તાવાર રીતે 87.22 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે સમગ્ર રાજયમાં સૌથી વધુ પરિણામ છે. ગાંધીનગર જિલ્લામાં 608 વિદ્યાર્થીઓએ A – 1 ગ્રેડ હાંસલ કર્યો છે. જ્યારે 30 ટકાથી ઓછું 7 શાળાનું પરિણામ જાહેર થયું છે.

સમગ્ર રાજયમાં ધોરણ 10ના બોર્ડના રિઝલ્ટની વાત કરીએ તો આ વખતે પરિણામ 82.56 ટકા જાહેર થયું છે. આ વખતે કુલ 6,99,598 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમનું પરિણામ 82.56 ટકા આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્ર દાલોદ (જિલ્લો અમદાવાદ ગ્રામ્ય) 100 ટકા, તલગાજરડા (જિલ્લો ભાવનગર) 100 ટકા રહ્યા છે. જ્યારે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર રહ્યો છે. જેનું પરિણામ 87.22 ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો પોરબંદર જેનું 74.57 ટકા રહ્યું છે.

આજે ધોરણ – 10 ની બોર્ડની પરીક્ષા આપનાર લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. રાજયનું ઓવરઓલ પરિણામ 82.56 ટકા જાહેર કરવામાં આવ્યું છે. જે અન્વયે ગાંધીનગર જિલ્લાનું સૌથી વધુ 87.22 ટકા પરિણામ બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લાની વાત કરીએ તો ધોરણ – 10 માં કુલ 25 હજાર 804 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. જે મુજબ 608 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ, 2530 વિદ્યાર્થીઓ A2, 3884 વિદ્યાર્થીઓ B1 ગ્રેડ, 4308 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ, 3978 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ, 2164 વિદ્યાર્થીઓએ C 2 ગ્રેડ, 227 વિદ્યાર્થીઓ D ગ્રેડ, 1555 વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ, 1038 વિદ્યાર્થીઓએ E2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 17 હજાર 699 EQC પરિણામ મેળવવાની પાત્રતા ધરાવે છે.

ગત વર્ષ – 2023 માં ધોરણ – 10 નાં પરિણામની ઉપર નજર કરીએ તો ગત વર્ષે ગાંધીનગર જિલ્લાનું 68.25 ટકા પરિણામ જાહેર થયું હતું. ગત વર્ષે ધોરણ – 10 માં કુલ 21 હજાર 387 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં 21 હજાર 239 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. જે મુજબ 181 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ,1357 વિદ્યાર્થીઓ A2, 2780 વિદ્યાર્થીઓ B1 ગ્રેડ, 3758 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ, 4139 વિદ્યાર્થીઓએ C1 ગ્રેડ, 2150 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ, 130 વિદ્યાર્થીઓ D ગ્રેડ, 4123 વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ, 2621 વિદ્યાર્થીઓએ E2 ગ્રેડ મેળવ્યો હતો.

છેલ્લા ચાર વર્ષના ગાંધીનગર જિલ્લાના ધોરણ-10ના રિઝલ્ટ ઉપર નજર કરીએ તો વર્ષ 2019માં 71.96, વર્ષ-2020માં 69.23 અને વર્ષ 2022નું 65.83 ટકા, વર્ષ – 2023 માં 68.25 ટકા તેમજ આ વર્ષે વર્ષ – 2024 માં ગાંધીનગર જિલ્લો 87.22 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યો છે. જે મુજબ ગાંધીનગરનાં નાંદોલ કેન્દ્રનું 91.34 ટકા સૌથી ઉંચુ આવ્યું છે. જ્યારે 100 ટકા પરિણામ લાવનાર 54 શાળાઓ છે. ઉપરાંત 30 ટકાથી 7 શાળાઓનું પરિણામ આવ્યું છે.