ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 10 એપ્રિલે સેક્ટર-23ના યુવાનનો કેસ પૉઝિટિવ આવ્યા બાદ 14 દિવસ પછી સેક્ટર-5ની 22 વર્ષીય યુવતીનો કેસ નોંધાયો છે. જોકે રાજ્ય સરકારે ઉપરોક્ત 6 પૈકી માત્ર 1 કેસની ગણતરી જ ગાંધીનગરમાં કરી છે અને 5 કેસ અમદાવાદમાં ગણવામાં આવ્યા છે.
મનપા વિસ્તારના કોરોનાના 10 દર્દીને સાજા કરવામાં ગાંધીનગર સિવિલ હૉસ્પિટલના 6 ફિઝિશિયનમાંથી 1 તબીબ કોરોનામાં સપડાયા છે. 1 માસથી આઇસોલેશન વોર્ડમાં ફરજરત અને ઘરે રહેલા દોઢ માસના પુત્ર અને માતા-પિતા સંક્રમિત થાય નહીં તે માટે હૉસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં રહેતા 32 વર્ષીય ફિઝિશિયનને ઘરે જવું હોવાથી ટેસ્ટ કરાવતાં પૉઝિટિવ આવ્યો હતો. તેના સંપર્કમાં આવેલા 12 તબીબ અને 25 નર્સિંગ સ્ટાફના થ્રોટ સ્લોબ લેવાયા છે. પરિવારના 6 સભ્યને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. અહીં તબીબોને 24 કલાકની ડ્યૂટી બાદ 4 દિવસ બ્રેક અપાતો હતો. તબીબનો રિપોર્ટ પૉઝિટિવ આવતાં સિવિલના મેડિસિન વિભાગના તમામ 7 તબીબ ક્વોરન્ટાઇન થયા છે.