ગિફ્ટ સિટીમાં રોડનું નેટવર્ક ઉભુ કરવા ૨૬ કરોડ ખર્ચાશે….

0
414

આગામી દિવસોમાં ગાંધીનગરની નવી ઓળખ બનનારા ગિફ્ટ સિટીમાં નવા નવા એકમોની એન્ટ્રી થવાની સાથે પરિવહનની સરળતા અને ઝડપ બન્ને જળવાઇ રહે તેના માટે ગિફ્ટ એસઇઝેડ લીમીટેડ દ્વારા સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં રોડ નેટવર્કને સમૃદ્ધ કરવા અને વિકસાવવા નિર્ણય લીધો છે. તેના અંતર્ગત નવા રોડ બનાવવાની સાથે હયાત રોડના રિસર્ફેેસીંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટીના પ્રોજેક્ટને ગતિવાન બનાવવા દિલ્હીથી સીધી નજર રખાય છે. ત્યારે ગિફ્ટ સિટી ફરતેના એક્સટેન્શન ઝોનમાં રસ્તા અને તેના જોડાણમાં અનેકવિધ ફેરફાર સુચવતો પત્ર ગિફ્ટ બોર્ડે સરકારને પાઠવતા શહેરી વિકાસ વિભાગ હરકતમાં આવ્યો છે અને આખા વિસ્તારના રોડ એન્જીનિયરીંગમાં આગામી દિવસોમાં નજરે દેખાતો બદલવાની પ્રક્રિયા શરૃ કરાઇ છે. તેમાં અમદાવાદ ગાંધીનગર રોડને ૬૦માંથી ૮૦ મીટર પહોળો કરાશે. જ્યારે ગિફ્ટ સિટીને જોડતાં હયાત માર્ગનું નવું એલાઇન્મેન્ટ કરાશે અને અન્ય ૩ માર્ગને સમાંતર ૧૨ મીટરના સવસ રોડ આપવામાં આવશે. અમદાવાદ ગાંધીનગર સ્ટેટ હાઇવે નંબર ૭૧ને ૬૦ મીટરમાંથી ૮૦ મીટર પહોળો કરવા, ગિફ્ટ સિટી તરફ જતા હયાત માર્ગનું નવું એલાઇમેન્ટ કરવા તથા ધોળાકુવા જંકશનથી લવારપુર જંકશન, આઇઆઇટી જંકશનથી ગિફ્ટ સિટી અને ગિફ્ટ સિટીથી નેશનલ હાઇવે નંબર ૧૪૮ને જોડતા કુલ ૩ માર્ગોેને સમાંતર ૧૨ મીટરના સવસ રોડ આપવાની માગણી કરવામાં આવી છે. ગિફ્ટ સિટીને આધુનિક હાઇ ડેન્સીટી ગ્લોબલ સેન્ટ્રલ બિઝનેશ ડિસ્ટ્રિક્ટ તરીકે વિકાસવવા માટે અહીં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરવાના હોવાથી ગિફ્ટ સિટી પ્રોજેક્ટને સાકાર કરવામાં રોડ નેટવર્કના અભાવથી અવરોધ કે વિલંબ ન થાય તે બાબતને મહત્વની ગણાવાઇ છે.