અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ થયો છે. જ્યારે પૂર્વ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં અઢી-અઢી ઈંચ વરસાદ થયો છે. જ્યારે ઉત્તર ઝોનમાં 2 ઈંચ જ્યારે પશ્ચિમ ઝોનમાં પોણા બે ઈંચ વરસાદ થયો છે. આ તરફ ઉત્તર પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોનમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ થયો છે.
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયાં છે. જેને લઇને સેટેલાઇટ, શિવરંજની, બોપલ, ઘુમા, સોલા વિસ્તારમાં પાણી ભરાયાં છે. શહેરના અનેક અંડરબ્રિજમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઇ ગયા હતા.
સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ તથા દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને મધ્ય ગુજરાતના વડોદરા સહિતના જિલ્લાઓમાં અનેક સ્થળોએ ભારે વરસાદ પડ્યો છે.સ્કાયમેટ વેધરના રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 66, કંડલામાં 65, અમદાવાદમાં 46, ઓખામાં 45, વેરાવળમાં 39 અને પોરબંદરમાં 21 મિલીમિટર વરસાદ પડ્યો છે.