ગુજરાતી ‘કસૂંબો’નું હિન્દી વર્ઝન તૈયાર…

0
331

ગુજરાતી ઓડિયન્સ અને ક્રિટિક્સ દ્વારા ખૂબ વખણાયેલી ફિલ્મ ‘કસૂંબો’ની પાન ઈન્ડિયા રિલીઝ માટે આયોજન હાથ ધરાયું છે. ગુજરાતમાં હિટ સાબિત થયેલી આ ફિલ્મના હિન્દી વર્ઝનને 3 મેના રોજ દેશભરના થીયેટરમાં રિલીઝ કરવામાં આવશે. વિજયગીરી બાવાએ પ્રોડ્યુસ કરેલી ‘કસૂંબો’માં પ્રેક્ષકોને 13મી સદીના અંતની ઝલક આપવામાં આવી છે. ભારતમાં વિજય મેળવવાની લાલસાથી પ્રેરિત, ખિલજીના અત્યાચારોએ પ્રતિકાર અને બહાદુરીની વાર્તાને જન્મ આપ્યો હતો, જે ફિલ્મ સ્વરૂપે રજૂ થઈ છે.

‘કસૂંબો’ એ દાદુ બારોટ અને તેમના 51 ગ્રામજનોના જૂથની પ્રેરણાદાયી સત્યકથા છે, જેઓ મંદિરોને બચાવવા અને સનાતન સંસ્કૃતિના ગૌરવને જાળવવા માટે ખિલજી સૈન્યની નાપાક યોજનાઓ સામે હિંમતભેર ઉભા હતા. ડૉ. જયંતિલાલ ગડા (પેન સ્ટુડિયો) એ આ ઐતિહાસિક વાર્તાને વ્યાપક શ્રોતાઓ સુધી પહોંચાડવા બદલ ઉત્સાહ વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યુ હતું કે, અમે ભારતભરના પ્રેક્ષકો સમક્ષ ‘કસૂંબો’ રજૂ કરવા માટે રોમાંચિત છીએ. આ ફિલ્મ માત્ર મનોરંજન નથી, તે આપણા પૂર્વજોની બહાદુરી અને બલિદાનને શ્રદ્ધાંજલિ છે, જેમની વાર્તાઓ આજે પણ આપણને પ્રેરણા આપે છે. દિગ્દર્શક વિજયગીરી બાવાના મતે, ‘કસૂંબો’ સાથે અમારો ઉદ્દેશ ગુજરાતના બહાદુર સનાતની યોદ્ધાઓના વારસાને સન્માનવાનો છે.