ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજથી પ્રારંભ

0
229

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો ગુરૂવારથી પ્રારંભ થઇ રહ્યો છે. શુક્રવારે નાણામંત્રી કનુભાઇ દેસાઇ રાજ્યનું બજેટ રજૂ કરશે. આ વખતે બજેટના કદમાં માતબર વધારાની શક્યતા છે. ગત વર્ષે 2.43 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જ્યારે આગામી વર્ષ 2023-23 માટે બજેટના કદમાં 18થી 20 ટકાનો વધારો કરાય તેવી શક્યતા છે જેથી બજેટનું કદ 2.90 લાખ કરોડ આસપાસ રહેવાની ધારણા છે. જીએસટીનું વળતર બંધ થયા બાદ રાજ્ય સરકારને હવે એકમાત્ર પેટ્રોલ- ડીઝલ પરના વેટથી મોટી આવક થઇ રહી છે.

આગામી 15 એપ્રિલથી જંત્રીના નવા દરો લાગુ પડનાર હોવાથી આગામી નાણાકીય વર્ષમાં સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં પણ માતબર વધારો થવાનો અંદાજ છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા કરકસરના પગલાં પણ લઇ રહી છે. જેથી મોટું આર્થિક ભારણ હોય તેવી અનેક યોજનાઓ બંધ કરવામાં આવશે અથવા તો તેનો વ્યાપ ઓછો કરવામાં આવશે. નવા બજેટમાં આરોગ્ય, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રોમાં મહત્તમ બજેટ ફાળશે. ગુરૂવારે સત્રના પ્રથમ દિવસની શરૂઆત રાજ્યપાલના સંબોધનથી થશે. ત્યારબાદ સ્વર્ગસ્થ પૂર્વ રાજ્યપાલ ઓપી કોહલી અને અન્ય પૂર્વ દિવંગત ધારાસભ્યોને શ્રદ્ધાંજલિ આપી શોક પ્રસ્તાવ પસાર કરી કામગીરી હાથ ધરાશે.

પેપરલીકની ઘટનાઓના પગલે સરકારે સરકારી ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા નવો કાયદો લાવવાનો નિર્ણય કર્યો છે. જે અંગેનું બિલ પણ ગુરૂવારે પ્રથમ દિવસે જ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત ઇમ્પેક્ટ ફીમાં અરજી કરવાની મુદત વધારવાનું બિલ 27 ફેબ્રુઆરીએ અને પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત કરતું બિલ 28 ફેબ્રુઆરીએ રજૂ કરાશે. 29 માર્ચ સુધી ચાલનારા સત્ર દરમિયાન 8થી 10 બિલ રજૂ કરવામાં આવશે.