ચરેડીમાં કાટમાળ હટાવવાની કામગીરી દરમ્યાન સ્થાનિકોનો વિરોધ:900થી વધુ મકાનો તોડી પડાતાં લોકોમાં રોષ

0
387

ગાંધીનગરના પેથાપુર અને ચરેડી વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી મહાનગરપાલિકા, RNB અને પાટનગર યોજના વિભાગ દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી ચાલી રહી છે. આજે સવારે કાટમાળ ખસેડવા પહોંચેલી ટીમોને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું, જેમાં બે ગાડીઓના કાચ પણ તોડી દેવાયા હોવાની વિગતો છે. ચરેડી ખાતે એકઠા થઈ ગયેલાં ટોળાએ વિરોધ નોંધાવીને કાટમાળ નહીં ખસેડવા માટે કહીં દીધું હતું. લોકોનો રોષ જોતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. જે બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી કરવાની ફરજ પડી હતી. બીજી તરફ દબાણોની કામગીરીને લઈને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે કોંગ્રેસના નેતા લાલજીભાઈ દેસાઈ સહિતના આગેવાનો સાંજે પહોંચ્યા હતા.900થી વધુ મકાનો તોડી પડાતાં સ્થાનિકોમાં રોષ આ ઝુંબેશ દરમિયાન 900થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા છે. મનપાના દ્વારા આજે કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા અગાઉ તમામ લોકોને નોટિસ આપીને સાત દિવસમાં પુરાવા રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું, પરંતુ પુરાવા રજૂ ન થતાં મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સ્થાનિક ટોળાએ વિરોધ પ્રદર્શન કરીને ગાડીઓના કાચ તોડ્યા – આજે ચરેડી પાસે સ્થાનિક લોકોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજે સવારે કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી, ત્યારે ટોળાએ વિરોધ દર્શાવીને બે ગાડીઓના કાચ તોડી નાખ્યા હોવાનું કહેવાય છે.પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ બંદોબસ્ત વચ્ચે કાટમાળ ખસેડવાની કામગીરી ફરી શરૂ થઈ હતી. પોલીસે લોકોને કામગીરીમાં અડચણ ન ઉભી કરવા અને યોગ્ય જગ્યાએ રજૂઆત કરવા સમજાવ્યા હતા.

ડિમોલિશન કચરાનો નિકાલ કરવામાં આવ્યો-બાદમાં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કાટમાળ હટાવવાની સઘન કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત આશરે 1500 ટન જેટલા બાંધકામ અને ડિમોલિશન કચરા (C&D Waste)નો નિકાલ કરવામાં આવ્યો છે. આ જથ્થાને હટાવવા માટે 9 જેસીબી અને 9 આઇવાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વાહનો દ્વારા 90 થી 95 ફેરા મારીને સમગ્ર કાટમાળને નિયત સ્થળે પહોંચાડવામાં આવ્યો હતો.

કોંગ્રેસ નેતાઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે -બીજી તરફ દબાણ હટાવવાથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે કોંગ્રેસના નેતા લાલજીભાઈ દેસાઈ, સૂર્યસિંહ ડાભી સહિતના આગેવાનો પણ પહોંચ્યા હતા. અને સ્થાનિકોની રજૂઆતો સાંભળી હતી.